યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, "આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો.
તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, "ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, 'તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે?
મારા માલિકનો પાણી પીવાનો ચાંદીનો પ્યાલો તમે કેમ ચોરી લીધો છે? એ પ્યાલાનો ઉપયોગ તો તે શુકન જોવા માટે પણ કરે છે. આ તમે જે કર્યું છે તે તો દુષ્કૃત્ય છે.'"
અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ?
યૂસફે કહ્યું, "એવું નહિ. બધા નહિ પણ માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ મારા ગુલામ તરીકે અહીં રહે. બાકીના તમે બધા શાંતિથી તમારા પિતાની પાસે પાછા જાઓ."
પછી યહૂદાએ તેની પાસે આવીને કહ્યું, "ઓ મારા માલિક, કૃપા કરીને તારા આ દાસને તારા કાનમાં એક વાત કહેવા દે જો કે તું ફારુન સમાન છે તો પણ તારા આ સેવક પર ક્રોધિત ન થઈશ.
અમે અમારા ઘણીને કહ્યું હતું કે, 'અમારે વૃદ્ધ પિતા છે અને પિતાને મોટી ઉંમરે મળેલ પુત્ર એટલે અમારો નાનો ભાઈ છે. તેનો ભાઈ મૃત્યુ પામ્યો છે અને તેની માતાને તે એકલો જ પુત્ર બાકી રહ્યો છે તેથી તેના પિતા તેના પર ખૂબ પ્રેમ કરે છે.'
પણ અમે કહ્યું, 'અમારાથી નહિ જવાય. જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારા નાના ભાઈને અમારી સાથે લઈ ગયા વગર અમે તે માણસની મુલાકાત કરી શકીશું નહિ.'