પછી યૂસફ તેની આસપાસ ઊભા રહેલા સર્વ દાસોની ઉપસ્થિતિમાં તેની સંવેદના સમાવી રાખી શક્યો નહિ. તેણે મોટેથી હુકમ કર્યો, "દરેક વ્યક્તિ મારી પાસેથી દૂર જાય." તેઓ ગયા ત્યારે યૂસફે તેના ભાઈઓ આગળ પોતાની ઓળખ આપી. તે વખતે કોઈપણ ચાકર ત્યાં હતો નહિ.
પરંતુ તમે મને અહીં વેચી દીધો હોવાને કારણે હવે કશો અપરાધ કે ઉચાટ અનુભવશો નહિ, કેમ કે એ ઈશ્વરની યોજના હતી. જીવનો બચાવવા માટે તેમણે મને તમારી અગાઉ અહીં મોકલ્યો છે.
તમે જેમ બને તેમ જલ્દી આપણા પિતા પાસે પાછા જાઓ અને તેને કહો, 'તારો દીકરો યૂસફ આ પ્રમાણે કહે છે, ઈશ્વરે મને સમગ્ર મિસરનો અધિપતિ બનાવ્યો છે. તું મારી પાસે આવ અને વિલંબ કરીશ નહિ.
પછી તમારા પિતાને તથા તમારા સમગ્ર કુટુંબને અહીં મિસરમાં મારી પાસે લઈ આવો. હું તેઓને મિસર દેશનો ઉત્તમ પ્રદેશ રહેવા માટે આપીશ અને દેશની ઉત્તમ પેદાશો તેઓ ખાશે.'
હવે હું તને તારા ભાઈઓને આ પ્રમાણે કહેવાની આજ્ઞા આપું છું, 'આ પ્રમાણે કરો. તમારાં બાળકોને માટે તથા તમારી પત્નીઓને માટે મિસર દેશમાંથી ગાડાં લઈ જાઓ અને તેમાં બેસાડીને તમારા પિતા સહિત બધાને અહીં લઈ આવો.
તેણે તેના પિતાને માટે આ પ્રમાણે ભેટસોગાદો મોકલી: મિસર દેશની ઉત્તમ વસ્તુઓથી લાદેલા દસ ગધેડાં; અને મુસાફરીને માટે તેના પિતાને સારુ અનાજ, રોટલી તથા અન્ય ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ.
પણ જ્યારે યૂસફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ પિતાને જણાવી અને યૂસફે તેને લેવા માટે જે ગાડાં મોકલ્યા હતાં તે જયારે તેના પિતા યાકૂબે જોયાં, ત્યારે તે સ્વસ્થ થયો.