પછી સુલેમાને યરુશાલેમમાં મોરિયા પર્વત પર ઈશ્વરનું સભાસ્થાન બાંધવાની શરૂઆત કરી. ત્યાં તેના પિતા દાઉદને ઈશ્વરે દર્શન આપ્યું હતું. તેના પર જે જગ્યા દાઉદે યબૂસી ઓર્નાનની ઘઉં ઝૂડવાની ખળીમાં તૈયાર કરી હતી, ત્યાં ઈશ્વરનું સભાસ્થાન બાંધવાનો પ્રારંભ કર્યો.
સભાસ્થાનના આગળના દ્વારમંડપની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ જેટલી વીસ હાથ હતી. તેની ઊંચાઈ પણ વીસ હાથ હતી અને સુલેમાને તેની અંદરના ભાગને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો.
તેણે પરમપવિત્રસ્થાન બનાવ્યું. તેનું માપ આ પ્રમાણે હતું: તેની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ પ્રમાણે વીસ હાથ, પહોળાઈ પણ વીસ હાથ અને ઊંચાઈ વીસ હાથ હતી. તેણે તેને છસો તાલંત ચોખ્ખા સોનાથી મઢ્યું હતું.
કરુબોની પાંખો વીસ હાથ લાંબી હતી; એક કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી, તે ફેલાઈને સભાસ્થાનની દીવાલ સુધી સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પણ ફેલાઈને બીજા કરુબની પાંખને પહોંચતી હતી.
તેણે તે સ્તંભો સભાસ્થાન આગળ ઊભા કર્યા, એક જમણે હાથે અને બીજો ડાબા હાથે; જમણા હાથ બાજુના સ્તંભનું નામ યાખીન (સ્થાપના) અને ડાબા હાથ બાજુના સ્તંભનું નામ બોઆઝ (બળ) રાખ્યું.