|
| 1 |
|
| ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે, |
|
| 2 |
|
| ''મેં એવી ઘણી વાતો સાંભળી છે; તમે સર્વ કંટાળો ઊપજે એવું આશ્વાસન આપનારા છો. |
|
| 3 |
|
| શું તમારા નકામા શબ્દોનો અંત નથી? તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કરો છો. |
|
| 4 |
|
| તમારી જેમ હું પણ બોલી શકું છું; જો તમારો આત્મા મારા આત્માની જગ્યાએ હોત, તો હું તમારી સામે ડાહી વાતો કરત, અને મેં તમારી સામે માથું હલાવ્યું હોત. |
|
| 5 |
|
| અરે, મારા મુખથી હું તમને હિંમત આપી શક્યો હોત! મારા હોઠનો દિલાસો તમને આશ્વાસન આપત! |
|
| 6 |
|
| જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી; અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે? |
|
| 7 |
|
| પણ હવે, હે ઈશ્વર, તમે મારી શક્તિ લઈ લીધી છે; તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે. |
|
| 8 |
|
| તમે મને કરમાવી નાખ્યો છે, તે જ મારી વિરુદ્ધ સાક્ષી છે; અને મારા શરીરની દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને સાક્ષી પૂરે છે. |
|
| 9 |
|
| ઈશ્વરે તેમના કોપથી મને ચીરી નાખ્યો છે અને મને સતાવ્યો છે; તેમણે મારી સામે તેમના દાંત પીસ્યા છે. મારા દુશ્મનોએ પોતાની આંખો મારી સામે કરડી કરી છે. |
|
| 10 |
|
| લોકોએ મારી વિરુદ્ધ પોતાનું મુખ પહોળું કર્યું છે. તેઓ મારા મોં પર તમાચો મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે. |
|
| 11 |
|
| ઈશ્વર મને અધર્મીઓને સોંપી દે છે; અને મને દુર્જનોના હાથમાં ફેંકી દે છે. |
|
| 12 |
|
| હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનથી પકડ્યો અને મારા ટુકડેટટુકડા કરી નાખ્યા. તેમણે મારા પર નિશાન તાકી રાખ્યું છે. |
|
| 13 |
|
| તેમના ધનુર્ધારીઓએ મને ચારેબાજુથી ઘેરી લીધો છે; તે મારું હૃદય ફાડી નાખે છે અને તે દયા રાખતા નથી; તે મારું પિત્ત જમીન પર ઢોળે છે. |
|
| 14 |
|
| તે વારંવાર મને કચડી નાખે છે; તે યોદ્ધાની જેમ મારા પર તૂટી પડે છે. |
|
| 15 |
|
| મેં શોકના વસ્ત્રો પહેર્યા છે, અને મારું શિંગ ધૂળમાં રગદોળ્યું છે. |
|
| 16 |
|
| રુદન કરીને મારું મોં લાલ થઈ ગયું છે. મારાં પોપચાં પર મોતની છાયા છવાયેલી છે. |
|
| 17 |
|
| જો કે મારા હાથથી કંઈ અન્યાય થયો નથી, અને મારી પ્રાર્થના શુદ્ધ છે. |
|
| 18 |
|
| હે પૃથ્વી, મારા લોહીને તું ઢાંકી દઈશ નહિ. મારા અવાજને તું દાટી દઈશ નહિ. |
|
| 19 |
|
| જુઓ, હમણાં જ, મારો સાક્ષી આકાશમાં છે મારો શાહેદ ઉચ્ચસ્થાને છે. |
|
| 20 |
|
| મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે, પણ મારી આંખ ઈશ્વર આગળ આંસુ રેડે છે. |
|
| 21 |
|
| એ સારુ કે ઈશ્વર માણસનાં વાજબી હકને, તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે! |
|
| 22 |
|
| કેમ કે થોડાં વર્ષો પૂરાં થશે, ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહિ તે માર્ગે હું જઈશ. |
|
|
|
|