ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી 2019
|
| 1 |
| હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે. |
| 2 |
| હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે. |
| 3 |
| ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; અમારા અપરાધો માટે, અમને માફ કરશો. |
| 4 |
| જેને તમે પસંદ કરીને પાસે લાવો છો જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે. અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું, જે તમારું સભાસ્થાન છે. |
| 5 |
| હે અમારા તારણના ઈશ્વર; ન્યાયીકરણથી તમે અદ્દભુત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, તમે પૃથ્વીની સર્વ સીમાઓના અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો. |
| 6 |
| તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા, તેઓ સામર્થ્યથી ભરપૂર છે. |
| 7 |
| તે સમુદ્રની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે અને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે. |
| 8 |
| પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે; તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો. |
| 9 |
| તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો; ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે; જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું. |
| 10 |
| તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો. |
| 11 |
| તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે. |
| 12 |
| અરણ્યનાં બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે. |
| 13 |
| ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે; તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે. |
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2017/psalms/065.mp3
150
65