|
| 1 |
|
| હે સર્વ પૃથ્વીવાસી લોકો, તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ. |
|
| 2 |
|
| તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ. સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો. |
|
| 3 |
|
| દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે! શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે. |
|
| 4 |
|
| આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે, અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે. |
|
| 5 |
|
| આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો; કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે! |
|
| 6 |
|
| સૂકવી નાખ્યો તેણે સમુદ્રને, તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી. ત્યાં અમે તેનામાં આનંદિત થયા. |
|
| 7 |
|
| તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે, બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે. |
|
| 8 |
|
| હે પ્રજાજનો, આપણા દેવને, ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો. |
|
| 9 |
|
| તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે, અને આપણા પગને લપસી જવા દેતાં નથી. |
|
| 10 |
|
| હે યહોવા, તમે અમારી કસોટી કરી છે; અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે. |
|
| 11 |
|
| તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે; અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે. |
|
| 12 |
|
| તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં, અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું; પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા. |
|
| 13 |
|
| દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ, હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ. |
|
| 14 |
|
| હું સંકટમાં હતો ત્યારે મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી. |
|
| 15 |
|
| તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં, ઘેટાં અને વાછરડાં લાવ્યો છું; તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે. |
|
| 16 |
|
| હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો; તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ. |
|
| 17 |
|
| મેં મારા મુખે તમને અરજ કરી, અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ. |
|
| 18 |
|
| જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું તો યહોવા મારું નહિ સાંભળે. |
|
| 19 |
|
| પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે, અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે. |
|
| 20 |
|
| સ્તુતિ હો દેવની, તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી, કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી. |
|
|
|
|