પછી મેં મારા અંત:કરણમાં શોધ કરી કે હું મારા શરીરને દ્રાક્ષારસથી મગ્ન કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે છે. વળી માણસોએ પૃથ્વી ઉપર પોતાના પૂરા આયુષ્યપર્યંત શું કરવું સારું છે તે મને સમજાય ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું.
મેં દાસદાસીઓ ખરીદ્યા. અને મારા ઘરમાં જન્મેલા ચાકરો પણ મારી પાસે હતા. જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વના કરતાં પણ મારી પાસે ગાય-બળદોનાં તથા ઘેટાં- બકરાનાં ટોળાંની સંપત્તિ વધારે હતી.
મેં મારા માટે ઘણું સોનું, ચાંદી અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ મેળવી.
મને જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેનાથી હું પાછો પડયો નહિ. મેં મારા હ્રદયને કોઈ પણ પ્રકારના આનંદથી રોક્યું નહિ, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન પ્રસન્નતા પામ્યું, મારા સઘળા પરિશ્રમનો એ બદલો હતાં.
જયારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા, તે પર અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી તો એ સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠી ભરવા જેવું દેખાયું અને પૃથ્વી પર મને કઈ લાભ દેખાયો નહિ.
ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે, જેમ મૂર્ખને થાય છે તેવું મને પણ થવાનું જ છે. તો મને તેના કરતાં વધારે બુદ્ધિમાન હોવામાં શો લાભ?" ત્યારે મેં મારા મનમાં કહ્યું કે, "એ પણ વ્યર્થતા છે."
વળી તે માણસ જ્ઞાની થશે કે મૂર્ખ તે કોણ જાણે છે? છતાં જેના માટે મેં પરિશ્રમ કર્યો અને પૃથ્વી પર જેના માટે મારા ડહાપણનો ઉપયોગ કર્યો તે સર્વ પર તે અધિકાર ભોગવશે. આ પણ વ્યર્થતા છે.
કોઈ એવું મનુષ્ય હોય છે કે જેનું કામ ડહાપણ, જ્ઞાન તથા કુશળતાથી કરેલું હોય છે. તોપણ તેમાં જેણે મહેનત નહિ કરી હોય એવા વ્યક્તિને વારસામાં આપી જશે. આ વ્યર્થતા તથા મોટો અનર્થ છે.
કેમ કે જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને તે બુદ્ધિ જ્ઞાન તથા આનંદ આપે છે. પણ પાપીને તે ફોગટ પરિશ્રમ આપે છે જેથી ઈશ્વરને પ્રસન્ન કરનારને માટે તે ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે, એ પણ વ્યર્થ તથા પવનથી મૂઠ્ઠી ભરવા જેવું છે.