તેણે તે ખેડી અને તેમાંથી પથ્થર વીણી કાઢ્યા અને તેમાં ઉત્તમ દ્રાક્ષાવેલા રોપ્યા અને તેની મધ્યમાં બુરજ બાંધ્યો અને તેમાં દ્રાક્ષાકુંડ ખોદી કાઢ્યો, તેમાં દ્રાક્ષની સારી ઊપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષની ઊપજ થઈ.
મારી દ્રાક્ષાવાડી વિશે વધારે હું શું કરી શક્યો હોત, જે મેં નથી કર્યું? જયારે હું સારી દ્રાક્ષ ઊપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષની ઊપજ કેમ થઈ હશે?
હવે હું મારી દ્રાક્ષાવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું; હું તેની વાડ કાઢી નાખીશ; જેથી તે ભેલાઈ જશે; તેનો કોટ હું પાડી નાખીશ, જેથી તે કચડાઈ જશે
હું તેને ઉજ્જડ કરી મૂકીશ, તે સોરવામાં આવશે નહિ અને કોઈ તેને ખેડશે નહિ, પણ એમાં કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે, વળી હું વાદળોને આજ્ઞા કરીશ કે તેઓ એમાં વરસાદ ન વરસાવે.
કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના યહોવાહની દ્રાક્ષાવાડી છે અને યહૂદિયાના લોકો તેના મનપસંદ રોપા છે; તેણે ન્યાયની આશા રાખી હતી, પણ બદલામાં ત્યાં રક્તપાત હતો, નેકીની આશા રાખી હતી પણ ત્યાં વિલાપ હતો.
તેઓની ઉજવણીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી, અને દ્રાક્ષારસ છે, પણ તેઓ યહોવાહ જે કામ કરે છે તે પર લક્ષ આપતા નથી અને યહોવાહના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.
તેથી મૃત્યુએ અધિક તૃષ્ણા રાખીને પોતાનું મુખ અત્યંત પહોળું કર્યુ છે; તેઓના પસંદ કરાયેલા લોકો, તેઓના આગેવાનો, સામાન્ય લોકો અને તેઓમાં મોજ માણનાર તેમાં ઊતરી જાય છે.
તેથી જેમ અગ્નિની જીભ ઠૂંઠાને સ્વાહા કરી જાય છે; અને સૂકું ઘાસ ભડકામાં બળી જાય છે, તેમ તેઓનાં મૂળ સડી જશે અને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના યહોવાહના નિયમ તજ્યા છે અને ઇઝરાયલના પવિત્રના વચનનો અનાદર કર્યો છે.
તેથી યહોવાહનો કોપ પોતાના લોકો વિરુદ્ધ સળગ્યો છે અને તેઓના પર યહોવાહે હાથ ઉગામીને તેમને સજા કરી છે; પર્વતો ધ્રૂજ્યા અને લોકોના મૃત દેહ ગલીઓમાં કચરાની જેમ પડ્યા છે. તેમ છતાં, તેમનો ક્રોધ શાંત થયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે.
તે દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે. જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ અંધકાર તથા વિપત્તિ દેખાશે અને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે.