જેમ તેઓ ન્યાયીપણું કરનારી પ્રજા હોય અને તેઓના ઈશ્વરના નિયમને તજનાર ન હોય તે પ્રમાણે, તેઓ રોજ મને શોધે છે અને મારા માર્ગોના ડહાપણમાં આનંદ કરે છે. તેઓ મારી પાસે ન્યાયી ચુકાદા માગે છે; ઈશ્વર તેઓની પાસે આવે છે તેમાં તેઓ આનંદ માણે છે.
તેઓ કહે છે, "અમે ઉપવાસ કર્યો છે પણ તમે કેમ જોયું નહિ? અમે અમારી જાતોને નમ્ર કરી, પણ કેમ તમે ધ્યાન આપ્યું નહિ?" જુઓ, ઉપવાસને દિવસે તમે તમારા આનંદને શોધો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.
ખરેખર આ પ્રકારના ઉપવાસ હું ઇચ્છું છું: તે દિવસે દરેક માણસ પોતાની જાતને નમ્ર કરે, પોતાનું માથું બરુની જેમ નમાવે અને પોતાની બેઠક નીચે ટાટ તથા રાખનું પાથરણું કરે? શું ખરેખર તમે આને ઉપવાસ, યહોવાહનો માન્ય દિવસ કહો છો?
શું ભૂખ્યાઓની સાથે તારી રોટલી વહેંચવી અને દરિદ્રી તથા બેઘર લોકોને પોતાના ઘરે બોલાવવા એ ઉપવાસ નથી? જ્યારે તું કોઈને નિર્વસ્ત્ર જુએ ત્યારે તારે તેને વસ્ત્ર પહેરાવવું; અને તારા સંબંધીઓથી તારે સંતાવું નહિ.
ત્યારે તું હાંક મારશે અને યહોવાહ ઉત્તર આપશે; તું સહાય માટે પોકાર કરશે અને તે કહેશે, "હું આ રહ્યો." જો તું તારામાંથી ઝૂંસરીને દૂર કરે, દોષ મૂકનારી આંગળી અને ભૂંડું બોલવાનું દૂર કરે,
ત્યારે યહોવાહ તને નિત્ય દોરશે અને તારા આત્માના સૂકા પ્રદેશને તૃપ્ત કરશે અને તારાં હાડકાં મજબૂત કરશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો અને ઝરાના અખૂટ ભંડાર જેવો થશે.
જો તું સાબ્બાથને દિવસે મુસાફરી કરતાં તારા પગોને વાળે અને તે પવિત્ર દિવસે તારી પોતાની ખુશી માટે કાર્ય કરતા રોકશે. જો તું સાબ્બાથને આનંદદાયક કહે અને યહોવાહના પવિત્ર દિવસને પવિત્ર અને આદરણીય માનશે. જો તું સાબ્બાથને દિવસે પોતાનો ધંધોરોજગાર છોડીને તથા પોતાની ખુશી નહિ શોધીને તથા તારા પોતાના જ શબ્દો નહિ બોલીને માન આપશે.
તો તું યહોવાહમાં આનંદ પામશે; અને હું પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર તને સવારી કરાવીશ; હું તારા પિતા યાકૂબના વારસાથી તારું પોષણ કરીશ - કેમ કે યહોવાહનું મુખ એ બોલ્યું છે.