"જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે; જેઓ મને શોધતા નહોતા તેઓને મળવા હું તૈયાર હતો. જે પ્રજાએ મને નામ લઈને બોલાવ્યો નહિ તેને મેં કહ્યું, 'હું આ રહ્યો!
હું તેઓનાં પાપોને તથા તેઓના પૂર્વજોનાં પાપોનો બદલો વાળી આપીશ," એમ યહોવાહ કહે છે. "જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારી નિંદા કરી તેનો બદલો વાળીશ. વળી હું તેઓની અગાઉની કરણીઓને તેઓના ખોળામાં માપી આપીશ."
આ યહોવાહ કહે છે: "જેમ દ્રાક્ષનાં ઝૂમખાંમાં નવો દ્રાક્ષારસ મળે છે, ત્યારે કોઈ કહે છે, 'તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં રસ છે,' તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તેઓ સર્વનો નાશ ન થાય.
તેઓને એટલે તમને તરવારને માટે હું નિર્માણ કરીશ અને તમે સર્વ સંહારની આગળ ઘૂંટણે પડશો, કારણ કે જ્યારે મેં તમને હાંક મારી ત્યારે તમે ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ; પણ તેને બદલે, મારી દૃષ્ટિમાં જે ખરાબ હતું તે તમે કર્યું અને હું જે ચાહતો નહોતો તે તમે પસંદ કર્યું."
જે કોઈ પૃથ્વી પર આશીર્વાદ માગશે તે મારા, એટલે સત્યના ઈશ્વર દ્વારા આશીર્વાદ પામશે. જે કોઈ પૃથ્વી પર શપથ લેશે તે મારા, એટલે સત્યના ઈશ્વરને નામે શપથ લેશે, કારણ કે અગાઉની વિપત્તિઓ વીસરાઈ ગઈ છે, કેમ કે તેઓ મારી આંખોથી સંતાડવામાં આવી હશે.
તેઓ ઘર બાંધશે અને તેમાં બીજા વસશે નહિ; તેઓ રોપે અને બીજા ખાય, એવું થશે નહિ, કેમ કે વૃક્ષના આયુષ્યની જેમ મારા લોકોનું આયુષ્ય થશે. મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.
વરુ તથા ઘેટું સાથે ચરશે અને સિંહ બળદની જેમ ઘાસ ખાશે; પણ ધૂળ સાપનું ભોજન થશે. મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કે વિનાશ કરશે નહિ." એવું યહોવાહ કહે છે.