હે યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓ યહોવાહને માટે તમે પોતાની સુન્નત કરો. અને પોતાના હૃદયની સુન્નત કરો, નહિ તો તમારા કામની ભૂંડાઈને લીધે મારો કોપ અગ્નિની જેમ પ્રગટે. અને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.
આ પ્રમાણે યરુશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે, આખા દેશમાં રણશિંગડું વગાડો. અને પોકારીને કહો કે, "આપણે એકઠા થઈએ" અને ચાલો કિલ્લેબંધ નગરોમાં જઈએ'
સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે; તે તો પ્રજાઓનો વિનાશક છે. તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર આવ્યો છે. તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.
તે સમયે આ લોકને તથા યરુશાલેમને કહેવામાં આવશે કે, 'અરણ્યમાં ખાલી ટેકરીઓ પરથી લૂ મારા લોકની દીકરીઓ તરફ આવશે. તે તો ઊપણવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવશે નહિ.
ઘોડેસવાર અને ધનુર્ધારીઓના અવાજ સાંભળી નગરમાંના સર્વ લોકો નાસે છે, તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છે; તથા ખડકો પર ચઢી જાય છે. સર્વ લોક નગરોને તજે છે. તેઓમાં કોઈ વસનાર નથી.
હેં લૂંટાયેલી તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્રો પહેરે અને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, અને કાજળ લગાવીને તારી આંખોને આંજે તોપણ તું પોતાને ફોગટ શોભિત કરે છે. તારા પ્રેમીઓ તારો ધિક્કાર કરે છે અને તારો વિનાશ કરવાનું ઇચ્છે છે.
સિયોનની દીકરીનો સાદ મેં સાંભળ્યો છે. એ તો પ્રસૂતાની વેદના જેવો તથા તેના પહેલા બાળકને જન્મ આપતાં કષ્ટાતી સ્ત્રીનાં જેવો સાદ છે. તેઓ હાંફે છે તેઓ પોતાના હાથ પ્રસારે છે અને કહે છે કે, 'મને અફસોસ!' કેમ કે ઘાતકીઓને લીધે મારો જીવ ચિંતાતુર થઈ ગયો છે.'''