તેઓ ધનુષ્યની માફક પોતાની જીભ વાળીને પોતાનાં અસત્યનાં બાણો ફેંકે છે. તેઓ પરાક્રમી થયા છે ખરા, પણ સત્યને માટે તેઓ પરાક્રમી નથી તેઓ દુષ્કર્મ કર્યા પછી વધુ ને વધુ દુષ્ટ બનતા જાય છે. તેઓ મને ઓળખતા નથી. એમ યહોવાહ કહે છે.
હું પર્વતોને માટે શોક અને રુદન કરીશ. અને જંગલમાં બીડોને માટે વિલાપ કરીશ. કેમ કે તેઓ એટલાં બધાં બળી ગયા છે કે કોઈ તેમાં થઈને જતું નથી. જાનવરોનો અવાજ સંભળાતો નથી. અને આકાશનાં પક્ષીઓ તથા પશુઓ પણ ત્યાંથી નાસી ગયાં છે.
કોણ એવો બુદ્ધિમાન માણસ છે કે જે આ સમજી શકે? જેને યહોવાહે પોતાના મુખે પ્રગટ કરવાનું કહ્યું તે કોણ છે? વળી આ ભૂમિ શા માટે નષ્ટ થઈ ગઈ છે? તે રાનની પેઠે એવી બળી ગઈ છે કે તેમાં થઈને કોઈ જતું નથી.
આ પ્રગટ કર- યહોવાહ આ પ્રમાણે કહે છે; જેમ ખેતરમાં ખાતર તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે, તેમ મનુષ્યના મૃતદેહો પડશે. અને તેઓને એકઠા કરનાર કોઈ હશે નહિ.
યહોવાહ કહે છે, જ્ઞાનીએ પોતાના ડહાપણ વિષે અભિમાન કરવું નહિ. તેમ જ બળવાને પોતાના બળ વિષે અભિમાન કરવું નહિ. વળી ધનવાને પોતાના ધન વિષે અભિમાન કરવું જોઈએ નહિ.
પણ જે કોઈ અભિમાન કરે તે આ બાબતમાં અભિમાન કરે કે, તેઓ સમજીને મને ઓળખે છે કે, હું પૃથ્વી પર દયા, ન્યાય અને નીતિ કરનાર યહોવાહ છું કેમ કે, આ જ મને પસંદ છે. એમ યહોવાહ કહે છે.
જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબીઓ જેઓની દાઢી બાજુએથી મૂંડેલી છે તેમ જ જેઓ રણમાં વસે છે તેઓને હું જોઈ લઈશ. કેમ કે, સર્વ વિદેશીઓ બેસુન્નતીઓ છે. અને સર્વ ઇઝરાયલીઓના હૃદયમાં બેસુન્નત છે."'