"હે બેલ્ટશાસ્સાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે, તારામાં પવિત્ર દેવોનો આત્મા છે, કોઈપણ રહસ્ય સમજાવવું તારા માટે મુશ્કેલ નથી. મારા સ્વપ્નમાં મેં શું જોયું છે અને તેનો અર્થ શો છે તે તું મને કહે.
તેનાં પાંદડાં સુંદર હતાં, તેને ઘણાં ફળ હતા, તેથી બધાંને ખોરાક મળતો હતો, જંગલી પશુઓ તેની છાયા નીચે આશ્રય પામતાં, આકાશનાં પક્ષીઓ તેની ડાળીઓમાં વાસો કરતા હતા. બધા જીવોને તેનાથી પોષણ મળતું હતું.
તેણે મોટે અવાજે કહ્યું, 'આ વૃક્ષને કાપી નાખો; તેની ડાળીઓ પણ કાપી નાખો, તેનાં પાંદડાં ખંખેરી નાખો અને તેનાં ફળ તોડી નાખો. તેની છાયામાંથી પશુઓ નાસી જાઓ અને તેની ડાળીઓ ઉપરથી પક્ષીઓ ઊડી જાઓ.
તેના મૂળની જડને પૃથ્વીમાં, લોખંડ તથા સાંકળોથી બાંધીને તેને ખેતરના કુમળા ઘાસ મધ્યે રહેવા દો. તેને આકાશના ઝાકળથી પલળવા દો. તેને ભૂમિ પરના ઘાસમાં પશુઓ મધ્યે રહેવા દો અને પશુઓ સાથે પૃથ્વી પરના ઘાસમાંથી તેને હિસ્સો મળે.
આ નિર્ણય જાગૃત રહેનારાના હુકમથી છે. તે આજ્ઞા પવિત્ર દૂતોના વચનથી છે. જેથી જીવતા માણસો જાણે કે પરાત્પર ઈશ્વર લોકોના રાજ્ય પર અધિકાર ચલાવે છે, પોતાની મરજી હોય તેને તે આપે છે, નમ્ર માણસોને તેના પર અધિકારી ઠરાવે છે.'
મેં, રાજા નબૂખાદનેસ્સારે, આ સ્વપ્ન જોયું હતું. હવે હે બેલ્ટશાસ્સાર, તું મને તેનો અર્થ જણાવ, કેમ કે મારા રાજ્યના જ્ઞાની માણસો મને તેનો અર્થ સમજાવી શકે તેમ નથી. પણ તું તે કરવાને સમર્થ છે, કેમ કે તારામાં પવિત્ર દેવનો આત્મા રહે છે."
ત્યારે દાનિયેલ, જેનું નામ બેલ્ટશાસ્સાર પણ હતું, તે કેટલીક વાર સુધી ઘણો સ્તબ્ધ થઈ ગયો. તેના મનમાં જે વિચારો આવ્યા તેનાથી તે ભયભીત થઈ ગયો. પણ રાજાએ તેને કહ્યું, "બેલ્ટશાસ્સાર, સ્વપ્નથી કે તેના અર્થથી તું ગભરાઈશ નહિ." બેલ્ટશાસ્સારે જવાબ આપ્યો, "મારા સ્વામી, તે સ્વપ્ન તમારા દ્વેષીઓને તથા તેનો અર્થ તમારા દુશ્મનોને લાગુ પડો.
હે રાજા, તમે પવિત્ર દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો અને કહેતો હતો કે, 'આ વૃક્ષને કાપીને તેનો નાશ કરો, પણ તેના મૂળની જડને લોખંડ તથા પિત્તળથી બાંધીને ખેતરના કુમળા ઘાસમાં રહેવા દો. સાત વર્ષ પસાર થાય ત્યાં સુધી તેને આકાશમાંથી પડતા ઝાકળથી પલળવા દો. તેને ખેતરના જંગલી પશુઓ સાથે રહેવા દો.'
તમને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે, તમે ખેતરનાં જંગલી પશુઓ સાથે રહેશો. તમને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે, આકાશમાંથી વરસતા ઝાકળથી તમે પલળશો. પરાત્પર ઈશ્વર મનુષ્યોના સર્વ રાજ્યો ઉપર અધિકાર ચલાવે છે અને જેને ચાહે તેને તે સોંપે છે તે જાણ થતાં સુધી સાત વર્ષ પસાર થશે.
માટે, રાજા, મારી સલાહ તમારી આગળ માન્ય થાઓ. પાપ છોડો અને જે સત્ય છે તે કરો. ગરીબો પર દયા દર્શાવીને તમારા અન્યાયથી પાછા ફરો, જેથી તમારી જાહોજલાલી લાંબા કાળ સુધી ટકે."
તને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે, તારે ખેતરનાં પશુઓ સાથે રહેવું પડશે. તને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે. સાત વર્ષ પસાર થતાં સુધી તું સમજશે કે પરાત્પર ઈશ્વર લોકોના રાજ્ય ઉપર રાજ કરે છે અને જેને ચાહે તેનેે તે આપે છે."
તે જ સમયે આ વચન નબૂખાદનેસ્સારના બાબતમાં ફળીભૂત થયું. તેને લોકોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની જેમ ઘાસ ખાધું, તેનું શરીર આકાશના ઝાકળથી પલળી ગયું. તેના વાળ ગરુડના પીંછા જેવા લાંબા થઈ ગયા, તેના નખ પક્ષીઓના પંજા જેવા થઈ ગયા.
તે દિવસોને અંતે મેં નબૂખાદનેસ્સારે, મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, મારી સમજશકિત મને પાછી આપવામાં આવી. મેં પરાત્પર ઈશ્વરની સ્તુતિ કરી. જે સદાકાળ જીવે છે તેમની સ્તુતિ કરી અને તેમને માન આપ્યું. કેમ કે તેમનું રાજ અનંતકાળનું છે, તેમનું રાજ્ય પેઢી દરપેઢીનું છે.
પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કશી વિસાતમાં નથી. આકાશના સૈન્યમાં તથા પૃથ્વી પરના રહેવાસીઓમાં, તે પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે. તેમને કોઈ રોકી શકતું નથી કે કોઈ પડકાર આપી શકતું નથી. તેમને કોઈ કશું કહી શકતું નથી કે, 'તમે આ શા માટે કર્યું?'"
તેજ સમયે મારી બુદ્ધિ મારી પાસે પાછી આવી, મારા રાજ્યના પ્રતાપને કારણે મારું ગૌરવ તથા મારો વૈભવ મારી પાસે પાછાં આવ્યાં. મારા સલાહકારો અને મારા અમીર ઉમરાવોએ મારા પક્ષમાં પોકાર કર્યો. મને મારા સિંહાસન પર પાછો બેસાડવામાં આવ્યો અને મને ઘણું માહાત્મ્ય મળ્યું.
હવે હું, નબૂખાદનેસ્સાર, આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમની પ્રશંસા કરું છું, તેમનું સન્માન કરું છું, કેમ કે, તેમના બધાં કાર્યો સાચાં છે, તેમના માર્ગો ન્યાયી છે. જેઓ પોતાના ઘમંડમાં ચાલે છે તેઓને તે નીચા પાડે છે.