તમે આ પ્રમાણે અર્પણો ચઢાવો નહિ ત્યાં સુધી એટલે કે તે અગાઉ તમારે નવા પાકમાંથી કશું ખાવું નહિ. તાજો પોંક, રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. તમારી વંશપરંપરા તમારા સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય.
રોટલી ઉપરાંત યહોવાહને દહનીયાર્પણરૂપે તમારે એક વર્ષના ખામી વગરનાં ઘેટાંનાં સાત બચ્ચા, એક વાછરડું અને બે ઘેટાં અર્પણ કરવા. આ સર્વને અનુરૂપ ખાદ્યાર્પણ અને પેયાર્પણથી યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ થાય.
તમે જયારે પાક લણો, ત્યારે તમારે છેક ખેતરના ખૂણા સુધી પૂરેપૂરું કાપવું નહિ. તેમ જ તેમાંથી પડી રહેલો પાક વીણી લેવો નહિ. તમારે તેને ગરીબો તથા પરદેશીઓ માટે રહેવા દેવો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.'"
પર્વના સાતેય દિવસ તમારે યહોવાહ સમક્ષ હોમયજ્ઞો અર્પણ કરવા. આઠમા દિવસે ફરીથી પવિત્ર મેળાવડો કરવો અને ફરીથી હોમયજ્ઞો અર્પણ કરવા. આ પછી પર્વની ઊજવણી પૂરી કરવી, આ દિવસે પણ તમારે કોઈ પણ સાંસારિક કામ કરવાં નહિ.
આ બધા યહોવાહના વાર્ષિક પર્વો છે. આ પર્વો પર પવિત્ર મેળાવડા યોજવા, એ દિવસો દરમ્યાન નક્કી કરેલા નિયમ મુજબ દહનીયાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ યહોવાહને અર્પણ કરવા.
તેમ છતાં સાતમા માસના પંદરમા દિવસે જમીનની ઊપજનો સંગ્રહ કરી રહ્યા બાદ તમારે યહોવાહને સારુ સાત દિવસ સુધી આ પર્વ ઊજવવું. પહેલો દિવસ અને આઠમો દિવસ પવિત્ર વિશ્રામ પાળવો.
પ્રથમ દિવસે તમારે વૃક્ષોના ઉત્તમ ફળ, ખજૂરીની ડાળીઓ, તથા ઘટાદાર વૃક્ષોના ડાળખાં અને નાળાના વેલાઓ લઈને તમારે યહોવાહ તમારા ઈશ્વરની સંમુખ સાત દિવસ સુધી ઉત્સવ કરવો.
જેથી તમારા વંશજોને, પેઢી દર પેઢી યાદ રહે કે હું તમને ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને માંડવાઓમાં વસાવ્યા હતા. હું યહોવાહ તમારો ઈશ્વર છું.'"