હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે, પણ ઇઝરાયલમાં રાજ કરવા, તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે, તે મારી પાસે આવશે, જેનો પ્રારંભ પ્રાચીન કાળથી, અનંતકાળથી છે.
યહોવાહના સામર્થ્યથી તથા પોતાના ઈશ્વર યહોવાહના નામના પ્રતાપથી તે પુરુષ ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે. તેઓ કાયમ રહેશે. કેમ કે હવે તે પૃથ્વીના છેડા સુધી મોટો ગણાશે.
તે આપણી શાંતિ થશે, જ્યારે આશૂરીઓનું સૈન્ય આપણા દેશમાં આવશે, જ્યારે તેઓ આપણા કિલ્લાઓ ઉપર કૂચ કરશે, ત્યારે આપણે તેની વિરુદ્ધ સાત પાળકોને તથા આઠ આગેવાનોને ઊભા કરીશું.
આ માણસો આશૂરના દેશ પર તલવારથી, નિમ્રોદના દેશ પર તેઓના હાથોમાંની તલવારોથી શાસન કરશે, જ્યારે તેઓ આપણા દેશમાં આવીને, આપણી સરહદોમાં ફરશે. ત્યારે તે આપણને આશૂરથી બચાવશે.
ત્યારે યાકૂબના બચેલા ઘણાં લોકો મધ્યે તેઓ, યહોવાહે મોકલેલા ઝાકળ જેવા, ઘાસ ઉપર વરસતા વરસાદ જેવા થશે. તેઓ મનુષ્ય માટે રોકાતા નથી, કે માનવજાત માટે રાહ જોતા નથી.
યાકૂબના બચેલા ઘણી પ્રજાઓ મધ્યે, ઘણાં લોકો મધ્યે, જંગલના પશુઓ મધ્યે સિંહના જેવા, ઘેટાંના ટોળાંમાં સિંહના બચ્ચા જેવા થશે. જ્યારે તે તેઓમાં થઈને જાય છે, ત્યારે તે તેઓને કચડી નાખીને ટુકડા કરી દે છે, તેમને છોડાવનાર કોઈ હોતું નથી.