|
| 1 |
|
| અને મૂસાએ એક કૂશી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. તેને લીધે મરિયમ અને હારુન મૂસાની વિરુદ્ધ બોલ્યા. |
|
| 2 |
|
| તેઓએ કહ્યું, "શું યહોવાહ ફક્ત મૂસા મારફતે જ બોલ્યા છે? શું તેઓ આપણી મારફતે બોલ્યા નથી? "હવે યહોવાહે તેઓએ જે કહ્યું તે સાંભળ્યું. |
|
| 3 |
|
| મૂસા ખૂબ નમ્ર હતો, પૃથ્વી પર નમ્ર તેના જેવો બીજો કોઈ ન હતો. |
|
| 4 |
|
| યહોવાહે મૂસા, હારુન અને મરિયમને એકાએક કહ્યું; ''તમે ત્રણે મુલાકાતમંડપની પાસે બહાર આવો." અને તેઓ ત્રણે બહાર આવ્યાં. |
|
| 5 |
|
| પછી યહોવાહ મેઘસ્તંભમાં ઊતર્યા. અને તેઓ તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. તેમણે હારુનને અને મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્ને આગળ આવ્યાં. |
|
| 6 |
|
| યહોવાહે કહ્યું, "હવે મારા શબ્દો સાંભળો. જ્યારે તમારી સાથે મારો પ્રબોધક હોય, તો હું પોતે સંદર્શનમાં તેને પ્રગટ થઈશ. અને સ્વપ્નમાં હું તેની સાથે બોલીશ. |
|
| 7 |
|
| મારો સેવક મૂસા એવો નથી તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. |
|
| 8 |
|
| હું મૂસા સાથે તો મુખોપમુખ બોલીશ, મર્મો વડે નહિ. તે મારું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહિ?" |
|
| 9 |
|
| પછી યહોવાહનો કોપ તેઓના પર સળગી ઊઠ્યો અને તે તેમની પાસેથી ચાલ્યા ગયા. |
|
| 10 |
|
| અને તંબુ પરથી મેઘ હઠી ગયો મરિયમ કુષ્ઠરોગથી બરફ જેવી શ્વેત થઈ ગઈ. જ્યારે હારુને પાછા વળી મરિયમ તરફ જોયું, તો જુઓ તે કુષ્ઠરોગી થઈ ગયેલી હતી. |
|
| 11 |
|
| હારુને મૂસાને કહ્યું કે, "ઓ મારા માલિક, કૃપા કરીને અમારા પર આ દોષ ન મૂક. કેમ કે અમે મૂર્ખાઈ કરી અને પાપ કર્યું છે. |
|
| 12 |
|
| પોતાની માતા જન્મ આપે તે વખતે જેનું અડધું શરીર ખવાઈ ગયું હોય એવી મૃત્યુ પામેલા જેવી તે ન થાઓ." |
|
| 13 |
|
| તેથી, મૂસાએ યહોવાહને વિનંતી કરી. તેણે કહ્યું કે, ઓ ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે તેને સાજી કરો." |
|
| 14 |
|
| યહોવાહે મૂસાને કહ્યું કે, "જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લાજત. તેથી સાત દિવસ તે છાવણીની બહાર રખાય. અને પછી તે પાછી આવે." |
|
| 15 |
|
| આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકોએ આગળ મુસાફરી કરી નહિ. |
|
| 16 |
|
| પછી લોકો હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી. |
|
|
|
|