મૂસા તથા હારુનની વિરુદ્ધ તેઓએ સભા બોલાવીને તેઓને કહ્યું, "તમે હવે હદ પાર કરો છો. આખી જમાત પવિત્ર છે, તેઓમાંનો દરેક યહોવાહ માટે મુકરર કરાયેલો છે અને યહોવાહ તેઓની મધ્યે છે. તમે પોતાને યહોવાહની જમાત કરતાં ઊંચા શા માટે કરો છો?"
તે કોરા તથા તેની આખી ટોળી સાથે બોલ્યો, તેણે કહ્યું, "સવારે યહોવાહ બતાવશે કે કોણ તેઓના છે અને કોણ યહોવાહ માટે મુકરર કરાયેલા છે. જેને તેઓ પસંદ કરશે તેને ઈશ્વર પોતાની પાસે બોલાવશે. યહોવાહ તેને પોતાની પાસે બોલાવશે.
આવતીકાલે અગ્નિ તથા ધૂપ લઈ યહોવાહની આગળ મૂકો. યહોવાહ જેને પસંદ કરશે, જે મુકરર થયેલ છે તે વ્યક્તિ પવિત્ર બનશે. હે લેવીના વંશજ તમે ઘણાં દૂર જતા રહ્યા છો."
ઇઝરાયલના ઈશ્વરે તમને પોતાની નજીક લાવવા માટે, તેમના મંડપની સેવા કરવા માટે અને તેમના લોકની સામે ઊભા રહીને તેમની સેવા કરવા માટે ઇઝરાયલ પ્રજામાંથી અલગ કર્યા છે શું એ તમને ઓછું લાગે છે?
મૂસાને ઘણો ક્રોધ ચઢ્યો અને તેણે યહોવાહને કહ્યું, "તેઓના અર્પણનો સ્વીકાર કરશો નહિ. મેં તે લોકો પાસેથી એક ગધેડું પણ લીધું નથી અને તેઓમાંના કોઈનું કંઈ નુકસાન પણ કર્યુ નથી."
તમારામાંનો પ્રત્યેક માણસ પોતાનું ધૂપપાત્ર લે તેમાં ધૂપ નાખે. પછી પ્રત્યેક માણસ પોતાનું ધૂપપાત્ર એટલે બસો પચાસ ધૂપપાત્રો યહોવાહ સમક્ષ લાવે. તું અને હારુન પોતપોતાનાં ધૂપપાત્ર લાવો."
તેથી તે પ્રત્યેક માણસે પોતાનું ધૂપપાત્ર લીધું, તેમાં અગ્નિ મૂક્યો તથા ધૂપ નાખ્યું અને મૂસા તથા હારુનની સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.
મૂસાએ તથા હારુને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, "ઈશ્વર, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, જો એક માણસ પાપ કરે તો શું તમે આખી જમાત પ્રત્યે કોપાયમાન થશો?"
મૂસાએ જમાત સાથે વાત કરીને કહ્યું કે, "હવે આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જાઓ અને એમની કોઈ વસ્તુને અડકશો નહિ. રખેને તેઓનાં બધાં પાપોને કારણે તમારો નાશ થાય."
તેથી જમાત કોરા, દાથાન તથા અબિરામના તંબુઓની દરેક બાજુએથી ચાલ્યા ગયા. દાથાન તથા અબિરામ પોતાની પત્નીઓ, દીકરાઓ તથા નાનાં બાળકો સાથે બહાર નીકળીને તંબુઓના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.
પણ જો યહોવાહ કરે અને પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને સ્વાહા કરી જાય અને તેઓ જીવતેજીવત મૃત્યુલોકમાં ગરક થઈ જાય તો તમારે જાણવું કે, એ માણસોએ યહોવાહને ધિક્કાર્યા છે."
"હારુન યાજકના દીકરા એલાઝાર સાથે વાત કર અને કહે કે, અગ્નિમાંથી ધૂપદાનીઓ લઈ લે, કેમ કે તે ધૂપ પવિત્ર છે, મારા માટે મુકરર થયેલ છે. તે કોલસા અને રાખ વિખેરી નાખ.
જેઓએ પાપ કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે તે ધૂપપાત્ર લઈ લે. તેમને ટીપીને વેદીને ઢાંકવા માટે પતરાં બનાવવાં. તે પુરુષોએ તેઓનું અર્પણ મને કર્યું, તેથી તેઓ પવિત્ર છે, મારા માટે મુકરર કરેલ છે. તેઓ ઇઝરાયલી લોકોને માટે ચિહ્નરૂપ થશે."
તેઓએ જે પિત્તળનાં ધૂપપાત્રનું અર્પણ કર્યું હતું તે યાજક એલાઝારે લીધાં. મૂસા દ્વારા યહોવાહ જેમ બોલ્યા હતા તે મુજબ તેણે તેઓને ટીપીને વેદીને ઢાંકવા માટે આવરણ બનાવડાવ્યાં.
તે ઇઝરાયલીપુત્રોને માટે સ્મરણમાં રહે કે, જેથી કોઈ વ્યક્તિ એટલે હારુનના વંશજમાંની કોઈ પણ વ્યક્તિએ યહોવાહ સમક્ષ ધૂપ ચઢાવવાને આવવું નહિ. આ રીતે, તેના હાલ કોરા અને તેના સાથીઓ જેવા ન થાય.
જ્યારે મૂસા અને હારુનની વિરુદ્ધ સમગ્ર સમાજ એકઠો થયો ત્યારે એમ થયું કે, તેઓએ મુલાકાતમંડપ તરફ જોયું તો એકાએક વાદળે તેના પર આચ્છાદન કર્યું. યહોવાહનું ગૌરવ દેખાયું.
મૂસાએ હારુનને કહ્યું, "ધૂપદાની લે, વેદીમાંથી અગ્નિ લે અને તેમાં નાખ, તેમાં ધૂપ નાખ, તરત જ તે જમાત પાસે લઈ જા અને તેમના પાપનું પ્રાયશ્ચિત કર, કેમ કે યહોવાહનો કોપ આવ્યો છે. મરકી શરૂ થઈ છે.''