ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી 2019
|
| 1 |
| અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી. |
| 2 |
| તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. |
| 3 |
| તેઓ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ. |
| 4 |
| એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા. |
| 5 |
| તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, 'મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો? |
| 6 |
| તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા, |
| 7 |
| ત્યારે તેમણે તમને કહ્યું હતું કે, પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.' |
| 8 |
| તેમની ઈસુની વાતો તેઓને યાદ આવી. |
| 9 |
| કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી. |
| 10 |
| હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ માગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી. |
| 11 |
| એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ. |
| 12 |
| પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો. |
| 13 |
| તે જ દિવસે તેઓમાં બે, એમ્મૌસ નામનું એક ગામ યરુશાલેમથી ચારેક ગાઉ દૂર છે, ત્યાં જતા હતા. |
| 14 |
| આ બધી બનેલી બીનાઓ વિષે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા. |
| 15 |
| એમ થયું કે તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા. |
| 16 |
| પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખે શક્યા નહિ. |
| 17 |
| ઈસુએ તેઓને કહ્યું કે, "તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો?" તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. |
| 18 |
| કલિયોપાસ નામે એકે ઉત્તર આપતાં કહ્યું કે, "શું, યરુશાલેમમાં રહેનારાઓમાંનો એકલા તમે જ આ દિવસોમાં બનેલા બિનાઓ નથી જાણતા?" |
| 19 |
| તેણે તેઓને કહ્યું કે, "કઈ બિનાઓ?" તેઓએ તેને કહ્યું કે, "ઈસુ નાઝીરી, જે ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા, તે સંબંધીની બિનાઓ; |
| 20 |
| વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મૃત્યુદંડ ભોગવવા સારુ પરાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યાં. |
| 21 |
| પણ અમે આશા રાખતા હતા કે, ઇઝરાયલને જે ઉદ્ધાર આપવાના હતા તે એ છે; વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દિવસ થયો. |
| 22 |
| વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ જેઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું, |
| 23 |
| એટલે તેઓએ તેમનો મૃતદેહ જોયો નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને સ્વર્ગદૂતોનું દર્શન પણ થયું હતું, કે જેઓએ કહ્યું કે તે જીવિત છે. |
| 24 |
| અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા, અને જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને જોવા મળ્યું; પણ તેમને તેઓએ જોયા નહિ." |
| 25 |
| તેમણે તેઓને કહ્યું કે, "ઓ મૂર્ખાઓ તથા પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિનાઓ! |
| 26 |
| શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?" |
| 27 |
| મૂસા (ના નિયમશાસ્ત્રથી) તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેમણે બધા પવિત્રશાસ્ત્રમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. |
| 28 |
| જે ગામે તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું કર્યું. |
| 29 |
| તેઓએ તેમને આગ્રહ કરીને કહ્યું કે, "અમારી સાથે રહો; કેમ કે સાંજ થવા આવી છે અને દિવસ નમી ગયો છે." અને તેઓની સાથે રહેવા સારુ તે અંદર ગયા. |
| 30 |
| એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપી. |
| 31 |
| ત્યારે તેઓની આંખો ઊઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્રશ્ય થઈ ગયા. |
| 32 |
| તેઓએ એકબીજાને કહ્યું કે, "જયારે તેઓ માર્ગમાં આપણી સાથે વાત કરતા હતા, અને પવિત્રશાસ્ત્રનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં જ્વલંત નહોતાં થતાં શું?" |
| 33 |
| તે જ ઘડીએ તેઓ ઊઠીને યરુશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર [શિષ્યો] ને તથા તેઓની સાથેનાઓને એકઠા થએલાં જોયા, |
| 34 |
| કે, જેઓ કહેતાં હતા કે, 'પ્રભુ ખરેખર ઊઠ્યાં છે, અને સિમોનને તેમનું દર્શન થયું છે.' |
| 35 |
| ત્યારે તેઓએ માર્ગમાં બનેલા બનાવ તથા રોટલી ભાંગતાં તે તેઓથી કેવી રીતે ઓળખાયા હતા તે કહી બતાવ્યું. |
| 36 |
| તેઓ એ વાતો કહેતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે, 'તમને શાંતિ થાઓ.' |
| 37 |
| પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. |
| 38 |
| તેમણે તેઓને કહ્યું કે, 'તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં તર્કવિતર્ક કેમ થાય છે? |
| 39 |
| મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.' |
| 40 |
| એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં. |
| 41 |
| તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને આશ્ચર્ય પામતા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી પાસે કંઈ ખાવાનું છે?' |
| 42 |
| તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો, |
| 43 |
| ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો. |
| 44 |
| ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મોઝિસના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.' |
| 45 |
| ત્યારે પવિત્રશાસ્ત્ર સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં. |
| 46 |
| ઈસુએ તેઓને કહ્યું કે, 'એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ; |
| 47 |
| યરુશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપોની માફી પ્રગટ કરાવાં જોઈએ. |
| 48 |
| એ વાતના સાક્ષીઓ તમે છો. |
| 49 |
| હું મારા પિતાનું આશાવચન તમારા પર મોકલું છું; પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.' |
| 50 |
| બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો. |
| 51 |
| એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા. |
| 52 |
| તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા. |
| 53 |
| અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા. |
|
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2017/luke/024.mp3
24
24