જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના નથી પાડતો, પણ જે વિષે તેઓ મારા પર આરોપ મૂકે છે તેમાંની જો એક પણ વાત સાચી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે દાદ માંગુ છું.'
મેં તેઓને ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને [મારી નાખવાને] સોંપી દેવો એ રોમનોની રીત નથી.
પણ તેઓના પોતાના ધર્મ વિષે, તથા ઈસુ નામે કોઈ માણસ જે મરણ પામ્યા છે પણ જેનાં વિષે પાઉલ કહે છે કે તે જીવતા છે, તે વિષે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક સવાલ ઉઠાવ્યાં.
માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબા સાથે દરબારમાં આવ્યાં, સરદારો તથા શહેરના મુખ્ય માણસો પણ દરબારમાં હાજર થયા, ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને ત્યાં રજૂ કર્યો.
ત્યારે ફેસ્તસે કહ્યું કે, 'ઓ આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ ગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને બૂમ પાડી કે, તેને જીવતો રહેવા દેવો [યોગ્ય] નથી, તેને તમે જુઓ છો.
પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણની શિક્ષાને યોગ્ય કંઈ નથી કર્યું, તેણે પોતે કાઈસાર પાસે દાદ માગી, તેથી મેં તેને [રોમ] મોકલી આપવાનો નિશ્ચય કર્યો છે.
તેના વિષે એવી કંઈ ચોક્ક્સ વાત મારી પાસે નથી કે જે હું મારા અધિકારી પર લખું, માટે મેં તમારી આગળ, અને, ઓ આગ્રીપા રાજા, વિશેષે કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, એ માટે કે તપાસ થયા પછી મને કંઈ લખી જણાવવાંનું મળી આવે.