ત્યાંના વતનીઓએ તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહ્યું કે, નિશ્ચે આ માણસ ખૂની છે, જોકે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.
પણ તેઓ ધારતા હતા કે, તેનો હાથ હમણાં સૂજી જશે, અથવા તે એકાએક પડીને મરી જશે, પણ ઘણીવાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કશું નુકસાન થયું નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે, તે કોઈ દેવ છે.
તે વેળાએ પબ્લિયુસના પિતાને તાવ આવ્યો હતો. અને મરડો થયો હતો, પાઉલ તેની પાસે અંદર ગયો, પછી પાઉલે પ્રાર્થના કરી, તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો.
ત્રણ મહિના પછી એલેકઝાંન્ડ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેનું ચિહ્ન અશ્વિનીકુમાર [જોડિયા દેવો] હતું, તેમાં બેસીને અમે રવાના થયા.
ત્રણ દિવસ પછી એમ થયું કે, [પાઉલે] યહૂદીઓના મુખ્ય [આગેવાનોને] બોલાવીને એકત્ર કર્યા અને તેઓને કહ્યું કે, "ભાઈઓ, મેં કોઈનું અહિત કે કોઈની વિરુધ્ધ કશું કર્યું નથી, અને આપણા પૂર્વજોના નીતિનિયમોનો ભંગ પણ કર્યો નથી. તોપણ યરુશાલેમથી રોમન સરકારના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવેલો છે.
ત્યારે તેઓએ તેને કહ્યું કે, યહૂદિયામાંથી અમને તારા વિષે કોઈ પત્રો મળ્યા નથી, તેમ જ [અમારા] ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તારા વિષે કંઈ ખરાબ જાહેર કર્યું અથવા કહ્યું નથી.
તેઓએ તેને સારુ એક દિવસ નિયત કર્યો તે દિવસે ઘણાં લોકો તેની પાસે તેના ઉતારામાં આવ્યા; તેઓને પાઉલે સાબિતીઓ સાથે ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને મોઝિસના નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત સવારથી સાંજ સુધી તેઓને કહી અને સમજાવી.
કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ કરેલી છે, કદાપિ તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજાં કરું.