ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી 2019
|
| 1 |
| હું પાઉલ પ્રેરિત, કોઈ માણસો કે માણસો દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત અને તેમને મૃત્યુમાંથી સજીવન કરનાર ઈશ્વર દ્વારા પ્રેરિત થવા માટે તેડાયેલો છું. |
| 2 |
| હું પોતે તથા અહીંના તમામ ભાઈઓ ગલાતીઓની તમામ મંડળીઓને (વિશ્વાસી સમુદાયોને) શુભેચ્છા પાઠવતા આ પત્ર લખીએ છીએ. |
| 3 |
| ઈશ્વરપિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો, |
| 4 |
| જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે. |
| 5 |
| ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન. |
| 6 |
| મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે, જેમણે તમને ખ્રિસ્તની કૃપા દ્વારા તેડાવ્યાં, તેમની પાસેથી તમે આટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ વળી ગયા છો. |
| 7 |
| એ કોઈ બીજી સુવાર્તા નથી, પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે. |
| 8 |
| પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી, તે સિવાય બીજી કોઈ સુવાર્તા, જો અમે અથવા કોઈ સ્વર્ગદૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. |
| 9 |
| જેમ અમે પહેલાં કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી કહું છું, કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી, તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. |
| 10 |
| તો શું હું અત્યારે માણસોની કૃપા ઇચ્છું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને ખુશ રાખતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી. |
| 11 |
| પણ, ભાઈઓ, હું તમને જણાવું છું કે, જે સુવાર્તા મેં પ્રગટ કરી, તે માણસે આપેલી નથી. |
| 12 |
| કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી પામ્યો છું. |
| 13 |
| હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું જે જીવન હતું તે વિષે તો તમે સાંભળ્યું છે, કે હું ઈશ્વરની મંડળીને અતિશય સતાવતો અને તેની પાયમાલી કરતો હતો. |
| 14 |
| અને મારા પિતૃઓના ધર્મ વિષે હું બહુ ઝનૂની બનીને, મારા જાતિ ભાઈઓમાંના ઘણાં સાથીઓ કરતાં યહૂદી સંપ્રદાયમાં વધારે પારંગત થયો. |
| 15 |
| પણ ઈશ્વર જેમણે મને મારા જન્મનાં દિવસથી જ અલગ કર્યો હતો તથા પોતાની કૃપામાં મને તેડાવ્યો હતો, તેમને જયારે એ પસંદ પડ્યું |
| 16 |
| કે તે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે, એ માટે કે હું તેમની સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું, ત્યારે મેં કોઈ જ મનુષ્યની સલાહ લીધી નહિ, |
| 17 |
| કે મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરુશાલેમ ગયો નહિ પણ અરબસ્તાનમાં ગયો અને ફરીથી દમસ્કસમાં પાછો આવ્યો. |
| 18 |
| ત્યાર પછી ત્રણ વરસ બાદ કેફા (પિતર) ને મળવાને હું યરુશાલેમ ગયો, અને તેની સાથે પંદર દિવસ રહ્યો; |
| 19 |
| પણ પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ, કેવળ પ્રભુના ભાઈ યાકૂબને મળ્યો. |
| 20 |
| જુઓ, હું તમને જે લખું છું, તે ઈશ્વરની સમક્ષ કહું છું; હું જૂઠું કહેતો નથી. |
| 21 |
| પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો. |
| 22 |
| અને ખ્રિસ્તમાંના યહૂદિયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી. |
| 23 |
| તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે, અગાઉ જે અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો, તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે. |
| 24 |
| મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો. |
|
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujarati2017/galatians/001.mp3
6
1