પવિત્ર બાઇબલ OV (GUOV) 2016
|
| 1 |
| કેમ કે, હે ભાઈઓ, તમારામાં અમારો પ્રવેશ નિષ્ફળ ગયો નથી તે તમે જાણો છો. |
| 2 |
| વળી તમે જાણો છો કે, અમે પહેલાં ફિલિપીમાં દુ:ખ તથા અપમાન સહન કર્યાં, તોપણ ઘણા કષ્ટથી તમારી આગળ ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરવાને આપણા ઈશ્વરથી હિંમતવાન થયા. |
| 3 |
| કેમ કે અમારા બોધમાં છળ કે અશુદ્ધતા કે કપટ નહોતું, |
| 4 |
| પણ જેમ ઈશ્વરે સુવાર્તાનો ઉપદેશ કરવાને અમને પસંદ કર્યાં, તેમ અમે માણસોને પ્રસન્ન કરનારાની જેમ નહિ, પણ અમારાં હ્રદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્ન કરવાને બોલીએ છીએ. |
| 5 |
| કેમ કે તમે જાણો છો કે, અમે કદી ખુશામતનાં વચનો બોલ્યા નહોતા, તેમ જ ઢોંગ કરીને દ્રવ્યનો લોભ કર્યો નહોતો [તે વિષે] ઈશ્વર સાક્ષી છે. |
| 6 |
| અમે ખ્રિસ્તના પ્રેરિત તરીકે અધિકારી હતા, તોપણ માણસોથી, તમારાથી કે કોઈ બીજાથી, અમે માન માગતા નહોતા. |
| 7 |
| પણ જેમ મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે સાલસપણાથી વર્ત્યા. |
| 8 |
| વળી અમે તમારા પર બહુ મમતા રાખીને, તમને માત્ર ઈશ્વરની સુવાર્તા [પ્રગટ કરવાને જ] નહિ, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા, કારણ કે તમે અમને બહુ પ્રિય થઈ પડયા હતા. |
| 9 |
| ભાઈઓ, તમે અમારો શ્રમ તથા કષ્ટ સંભારો છો, કેમ કે તમારામાંના કોઈને ભારરૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી. |
| 10 |
| તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, નીતિથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા, તે વિષે તમે સાક્ષી છો, અને ઈશ્વર પણ [સાક્ષી] છે. |
| 11 |
| તેમ જ તમે જાણો છો કે જેમ પિતા પોતાનાં છોકરાંને, તેમ અમે તમારામાંના દરેકને બોધ, ઉત્તેજન તથા ચેતવણી આપતા હતા, |
| 12 |
| એ માટે કે ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેમને યોગ્ય તમે ચાલો. |
| 13 |
| તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન, એટલે ઈશ્વરનું વચન, સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચન જેવું નહિ, પણ જેમ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું. એ કારણ માટે અમે ઈશ્વરની આભારસ્તુતિ નિરંતર કરીએ છીએ; તે જ [વચન] તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે. |
| 14 |
| કેમ કે, ભાઈઓ, ખ્રિસ્ત ઈસુ [પર વિશ્વાસ રાખનારી] ઈશ્વરની જે મંડળીઓ યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનારા તમે થયા; કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુ:ખ સહન કર્યાં તેમ તમે પણ તમારા દેશના લોકો તરફથી તેવાં જ દુ:ખો સહન કર્યાં છે. |
| 15 |
| [યહૂદીઓએ] પ્રભુ ઈસુને તથા [પોતાના] પ્રબોધકોને પણ મારી નાખ્યા, અને અમને કાઢી મૂક્યા! તેઓ ઈશ્વરને પ્રસન્ન કરતા નથી, અને બધા માણસોના વિરોધી છે. |
| 16 |
| વિદેશીઓને તારણ ન મળે માટે વાત કહેવાને તેઓ અમને મના કરે છે. તેથી તેઓ નિત્ય પોતાનાં પાપનો ઘડો ભરે છે. પણ તેઓ પર અત્યંત કોપ આવી ચૂક્યો છે. |
| 17 |
| પણ, ભાઈઓ, અમે મનથી નહિ, પણ દેહથી જ થોડી મુદત સુધી તમારાથી વિયોગી થયાને લીધે, ઘણી આતુરતાથી તમારા મુખનાં દર્શન કરવાને ઘણા પ્રયત્નો કર્યા; |
| 18 |
| કેમ કે, અમે, અને ખાસ મેં પાઉલે એક વાર નહિ, પણ અનેક વાર તમારી પાસે આવવાની ઇચ્છા કરી. પણ શેતાને અમને અટકાવ્યા. |
| 19 |
| કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુગટ શું છે? શું અપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેમની સમક્ષ તમે જ એ [મુગટ] નથી? |
| 20 |
| હા, તમે અમારો મહિમા તથા આનંદ છો. |
|
| નોંધો સાચવો |
https://beblia.bible:81/BibleAudio/gujaratiguov/1thessalonians/002.mp3
5
2