યહૂદાપુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો. એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે, જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.
ત્યાંથી સરહદ આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ. અને કાદેશબાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ. ત્યાંથી હેસ્રોન થઈને આદ્દારથી ચકરાવો ખાઈને કાર્કા સુધી ગઈ.
પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.
પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ (એટલે યરુશાલેમ) સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.
પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની (એટલે કસાલોન) ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.
યહોશુઆએ યહોવાહની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા આનાકનો પિતા હતો.
જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના જાનવર પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, "તારે શું જોઈએ છે?"
આખ્સાહએ ઉત્તર આપ્યો, "મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ." અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.