અને યહોવાહે યહોશુઆને કહ્યું, "બીશ નહિ, હિંમત હારીશ નહિ. તારી સાથે સર્વ લડવૈયાઓને લે અને આય જા. જો, મેં આયનો રાજા, તેના લોક, તેનું નગર અને તેનો દેશ તારા હાથમાં આપ્યાં છે.
જેમ તેં યરીખો અને તેના રાજાને કર્યું તેમ આયને અને તેના રાજાને કર, તેનો માલ અને પશુઓ તમારા પોતાને માટે લૂંટી લેજો. તું નગરની પાછળ માણસોને છુપાવી રાખજે."
તેથી યહોશુઆ આય પર ચઢાઈ કરવા માટે તૈયાર થયો. સર્વ લડવૈયાને સાથે લીધાં. યહોશુઆએ ત્રીસ હજાર માણસોને પસંદ કર્યા, તેઓ બળવાન તથા હિંમતવાન પુરુષો હતા. તેણે તેઓને રાત્રે બહાર મોકલ્યા.
યહોશુઆએ તેઓને બહાર મોકલ્યા અને તેઓ હુમલો કરવાની જગ્યાએ ગયા. તેઓ બેથેલ તથા આય વચ્ચે એટલે કે પશ્ચિમ તરફ આયની વચ્ચે સંતાયા. પણ તે રાતે યહોશુઆ લોકોની વચ્ચે રહ્યો.
સર્વ લડવૈયા પુરુષો કે જે તેની સાથે હતા તેઓ ઉપર ગયા અને નગર પાસે પહોંચ્યા. તેઓએ નગરની નજીક જઈને આયની ઉત્તર બાજુએ છાવણી કરી. ત્યાં આય અને તેઓની વચ્ચે ખીણ હતી.
જયારે આયના રાજાએ તે જોયું ત્યારે એમ બન્યું કે, તે અને તેના સૈનિકો વહેલા ઊઠયા અને યર્દન નદીની ખીણ તરફ ઇઝરાયલ પર હુમલો કરવાને ધસી આવ્યા. તેને ખબર ન હતી કે છાપો મારનારાઓ પાછળથી હુમલો કરવાનો લાગ જોઈ રહ્યા છે.
હવે આય અને બેથેલમાં ઇઝરાયલની પાછળ બહાર ગયો ન હોય એવો કોઈ પુરુષ રહ્યો ન હતો. નગરને નિરાશ્રિત મૂકીને તથા તેના દરવાજા ખુલ્લાં મૂકીને તેઓ ઇઝરાયલની પાછળ પડયા.
યહોવાહે યહોશુઆને કહ્યું, "તારા હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર. કેમ કે હું આયને તારા હાથમાં સોંપીશ." યહોશુઆએ પોતાના હાથમાં જે ભાલો હતો તે નગર તરફ લાંબો કર્યો.
જયારે તેણે પોતાનો હાથ લાંબો કર્યો ત્યારે સંતાઈ રહેલા સૈનિકો ઝડપથી તેમની જગ્યાએથી બહાર ધસી આવ્યા. તેઓએ દોડીને નગરમાં પ્રવેશ કર્યો અને તેને કબજે કર્યું. તેઓએ ઝડપથી નગરને આગ લગાડી.
આયના માણસો પાછા વળ્યા. અને તેઓએ જોયું કે નગરનો ધુમાડો આકાશ પર ચઢતો હતો. તેઓને માટે બચવાનો કોઈ માર્ગ રહ્યો નહિ. કેમ કે જે સૈનિકો અરણ્ય તરફ નાસી ગયા હતા તેઓ હવે તેમની પાછળ પડનારાઓનો સામનો કરવા પાછા આવ્યા હતા.
ઇઝરાયલના બીજા સૈનિકો જેઓ નગરમાં હતા તેઓ પણ હુમલો કરવાને બહાર નીકળી આવ્યા. તેથી આયના માણસો, કેટલાક આ બાજુ અને કેટલાક પેલી બાજુ એમ ઇઝરાયલની સેના વચ્ચે સપડાયા. ઇઝરાયલે તેમની પર હુમલો કર્યો અને તેઓમાંના કોઈને પણ બચી કે નાસી જવા દીધા નહિ.
એમ થયું કે, અરણ્યની નજીકની જગ્યામાં જ્યાં તેઓ તેમની પાછળ પડયા હતા ત્યાં ઇઝરાયલીઓએ પાછા ફરીને તેઓમાંના સર્વને, એટલે, આયના સઘળાં રહેવાસીઓને મારી નાખ્યા. તેઓનો તરવારની ધારથી નાશ કર્યો.
તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર લટકાવી રાખ્યો. જયારે સૂર્ય આથમતો હતો ત્યારે યહોશુઆએ તેઓને આજ્ઞા આપી. તેથી તેઓ રાજાનું શબ ઝાડ ઉપરથી ઉતારી લાવ્યા અને નગરના દરવાજાની આગળ નાખ્યું. તેના ઉપર તેઓએ પથ્થરનો મોટો ઢગલો કર્યો. તે આજ દિવસ સુધી છે.
જેમ યહોવાહનાં સેવક મૂસાએ ઇઝરાયલના લોકોને આજ્ઞા આપી, જેમ મૂસાના નિયમશાસ્ત્ર લખેલું છે તે પ્રમાણે, "તે પથ્થરથી કોતરેલી નહિ એવી અને જેના પર કોઈએ કદી લોખંડનું સાધન ચલાવ્યું ના હોય એવી વેદી હતી." અને તેના પર તેણે યહોવાહને સારુ દહનીયાર્પણ અને શાંત્યર્પણના યજ્ઞ કર્યા.
અને સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, અધિકારીઓ, અને તેઓના ન્યાયાધીશો, પરદેશી તેમ જ ત્યાંના વતનીઓ પણ, લેવીઓ અને યાજકો જેમણે યહોવાહનો કરારકોશ ઊંચક્યો હતો તે કોશની આગળ બન્ને બાજુ ઊભા રહ્યા, તેઓમાંના અડધા ગરીઝીમ પર્વતની સામે; અને અડધા એબાલ પર્વતની સામે યહોવાહનાં સેવક મૂસાએ અગાઉ ઇઝરાયલ લોકોને આશીર્વાદ આપવા તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઊભા રહ્યા.
ઇઝરાયલ આગળ તથા સ્ત્રીઓ, નાના બાળકો તથા પરદેશીઓ જે તેઓની મધ્યે રહેતા હતા તેઓની સભા સમક્ષ મૂસાએ ફરમાવેલી આજ્ઞાઓમાંથી એક પણ એવી નહિ હોય કે જે યહોશુઆએ તેઓની સમક્ષ વાંચી સંભળાવી ના હોય.