જો, તું સગર્ભા થશે. અને પુત્રને જન્મ આપશે. તું તેના માથા પર કદી અસ્ત્રો ફેરવીશ નહિ, કેમ કે તે છોકરો ગર્ભસ્થાનથી જ ઈશ્વરને માટે નાઝીરી થશે. અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને છોડાવશે.
ત્યારે તે સ્ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું કે, "ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો, તેનો દેખાવ ઈશ્વરના દૂત જેવો હતો, તેથી મને ઘણી બીક લાગી. તે ક્યાંથી આવ્યો તે મેં પૂછ્યું નહિ, તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહિ.
તેણે મને કહ્યું, જો! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેથી દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ, કંઈ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ, કેમ કે તે બાળક ગર્ભસ્થાનના સમયથી માંડીને તેના મરણના દિવસ સુધી ઈશ્વરને સારુ નાઝીરી થશે".
પછી માનોઆએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું, "ઓ પ્રભુ, ઈશ્વર કૃપા કરીને જે માણસને તમે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે મોકલો કે જેથી જે બાળક જન્મશે તેને અમારે શું કરવું તે વિષે તે અમને શીખવે."
માનોઆ ઊઠીને પોતાની સ્ત્રીની પાછળ ચાલ્યો. અને તે માણસની પાસે આવ્યો. તેણે પૂછ્યું, "શું તમે તે જ માણસ છો કે જેમણે મારી પત્ની સાથે વાત કરી હતી?" તેણે કહ્યું "હા હું એ જ છું."
ઈશ્વરના દૂતે માનોઆને કહ્યું, "જો હું રોકાઈ જાઉં તો પણ હું તારો ખોરાક ખાઈશ નહિ. પણ જો તું દહનીયાર્પણ તૈયાર કરે છે, તો તારે તે ઈશ્વરને ચઢાવવું જોઈએ." (માનોઆ જાણતો ન હતો કે તે ઈશ્વરનો દૂત છે).
ત્યાં અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશની તરફ ચઢી, ત્યારે ઈશ્વરનો દૂત વેદી પરથી જ્વાળામાં થઈને ઉપર ચઢી ગયો. માનોઆ અને તેની પત્ની તે જોઈ રહ્યાં અને તેઓ ભૂમિ પર નમી પડ્યાં.
પણ તેની પત્નીએ તેને કહ્યું, "જો ઈશ્વર આપણને મારી નાખવા ઇચ્છતા હોત, તો તેઓ આપણાં દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણનો સ્વીકાર કરત નહિ. અને તેઓ આપણને આ બધી બાબતો બતાવત નહિ અને આ સમયે તેઓ આપણને આ વાતો સંભળાવત નહિ."