પછી શમુએલે તેલની કુપ્પી લઈને તેમાંનું તેલ, શાઉલના માથા ઉપર રેડયું અને તેને ચુંબન કર્યું. પછી કહ્યું, "શું ઈશ્વરે પોતાના વારસા પર અધિકારી થવા સારુ તને અભિષિક્ત કર્યો નથી?
પછી ત્યાંથી આગળ ચાલતા, તું તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે. ત્યાં ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે. તેમાંના એકે બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકેલા હશે, બીજા પાસે ત્રણ રોટલી હશે. અને ત્રીજાએ દ્રાક્ષાસવની કુંડી ઊંચકેલી હશે.
ત્યાર પછી, તું જ્યાં પલિસ્તીઓની છાવણી છે, ત્યાં ઈશ્વરના પર્વત પાસે આવશે. જયારે તું ત્યાં નગર પાસે પહોંચશે, ત્યારે પ્રબોધકોની એક ટોળી, તેની આગળ સિતાર, ડફ, વાંસળી, વીણા વગાડનારા સહિત ઉચ્ચસ્થાનથી ઊતરતી તને મળશે; તેઓ પ્રબોધ કરતા હશે.
તું મારી અગાઉ ગિલ્ગાલમાં જજે. પછી હું દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરવાને તારી પાસે આવીશ. હું આવીને તારે શું કરવું એ બતાવું ત્યાં સુધી એટલે સાત દિવસ સુધી રાહ જોજે."
જે સર્વ તેને પૂર્વે ઓળખતા હતા તેઓએ જયારે જોયું કે, પ્રબોધકોની સાથે તે પ્રબોધ કરે છે, ત્યારે લોકોએ એકબીજાને કહ્યું, "કીશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ એક પ્રબોધક છે?"
ત્યારે શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને કહ્યું, "તમે ક્યાં ગયા હતા?" તેણે કહ્યું, "ગધેડાંની શોધ કરવાને; જયારે અમે જોયું કે અમે તેને શોધી શક્યા નથી ત્યારે અમે શમુએલ પાસે ગયા હતા."
શાઉલે પોતાના કાકાને જવાબ આપ્યો, "તેણે ઘણી સ્પષ્ટતાથી કહ્યું કે ગધેડાં મળ્યાં છે." પણ રાજ્યની વાત જે વિષે શમુએલે તેને કહ્યું હતું તે સંબંધી તેણે તેને કશું કહ્યું નહિ.
તેણે ઇઝરાયલ લોકોને કહ્યું, "ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર આમ કહે છે: 'હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો, મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યાં.'
પણ તેં તમારા ઈશ્વરનો આજે તમે નકાર કર્યો છે, જેમણે તમને તમારી સર્વ વિપત્તિઓથી તથા તમારા સંકટોથી તમને છોડાવ્યાં છે; અને તમે તેમને કહ્યું, 'અમારા ઉપર તમે રાજા નીમી આપો.' હવે ઈશ્વરની આગળ તમે તમારાં કુળો પ્રમાણે તથા તમારા કુટુંબો પ્રમાણે હાજર થાઓ."
પછી તે બિન્યામીનના કુળને તેઓનાં કુટુંબો પાસે લાવ્યો; તેમાંથી માટ્રીનનું કુટુંબ માન્ય થયું; પછી કીશનો દીકરો શાઉલ માન્ય કરાયો. પણ જયારે તેઓ તેને શોધવા ગયા, ત્યારે તે મળ્યો નહિ.