હવે તું જઈને અમાલેકને તથા તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર. તેમના પર દયા કરીશ નહિ, પણ પુરુષ તથા સ્ત્રી, મોટાં અને નાનાં બાળકો, બળદ અને ઘેટાં, ઊંટ અને ગધેડાં, એ સર્વને મારી નાખ.'"
ત્યારે શાઉલે કેનીઓને કહ્યું કે, "જાઓ, પ્રયાણ કરો, અમાલેકીઓની વચ્ચેથી બહાર નીકળી પડો, તેથી તેઓની સાથે તમારો નાશ હું ન કરું. કેમ કે તમે ઇઝરાયલના સર્વ લોકો સાથે જયારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે માયાળુપણે વર્ત્યા હતા." તેથી કેનીઓ અમાલેકીઓમાંથી નીકળી ગયા.
પણ શાઉલે તથા લોકોએ અગાગનો તથા તેના ઘેટાં, બળદો તથા પુષ્ટ જાનવરો, હલવાનોમાંથી ઉત્તમ તથા સર્વ સારી વસ્તુઓનો તેઓએ નાશ કર્યો નહિ. પ્રત્યેક નકામી અને ધિક્કારપાત્ર વસ્તુઓનો સંપૂર્ણ નાશ કર્યો.
"શાઉલને રાજા ઠરાવ્યો છે તેથી મને અનુતાપ થાય છે, કેમ કે મારી પાછળ ચાલવાનું મૂકી દઈને તે પાછો ફરી ગયો છે અને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી." શમુએલને ગુસ્સો આવ્યો તેણે આખી રાત ઈશ્વરની આગળ રડીને વિનંતી કરી.
સવારે શાઉલને મળવાને શમુએલ વહેલો ઊઠ્યો. શમુએલને કહેવામાં આવ્યું, "શાઉલ કાર્મેલમાં આવ્યો છે. તેણે પોતાને માટે એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, ત્યાંથી પાછો વળીને આગળ ચાલીને નીચે ગિલ્ગાલમાં ગયો છે."
શાઉલે કહ્યું કે, "તેઓને તેઓ અમાલેકીઓ પાસેથી લાવ્યા છે. લોકોએ ઉત્તમ ઘેટાં અને બળદો, તમારા પ્રભુ ઈશ્વર આગળ યજ્ઞ કરવા રાખ્યાં છે, બાકીનાઓનો અમે સંપૂર્ણ નાશ કર્યો છે."
શમુએલે કહ્યું, "તું પોતાની દ્રષ્ટિમાં જૂજ જેવો હતો તો પણ તને ઇઝરાયલનાં કુળો પર મુખ્ય બનાવ્યો નહોતો શું? અને ઈશ્વરે તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો;
શાઉલે શમુએલને કહ્યું, "મેં ઈશ્વરની વાણી માની છે, જે માર્ગે ઈશ્વરે મને મોકલ્યો હતો તે માર્ગે હું ગયો છું. મેં અમાલેકના રાજા અગાગને પકડ્યો છે અને અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કર્યો છે.
શમુએલે કહ્યું કે, "શું ઈશ્વર પોતાની વાણી માનવામાં આવ્યાથી જેટલા રાજી થાય છે, તેટલાં દહનીયાર્પણો તથા બલિદાનોથી થાય છે શું? બલિદાન કરતાં આજ્ઞાપાલન સારું છે, ઘેટાંની ચરબી કરતાં વચન પાળવું સારું છે.
કેમ કે વિદ્રોહ એ જોષ જોવાના પાપ જેવો છે, હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. કેમ કે તેં ઈશ્વરના શબ્દનો ઇનકાર કર્યો છે, માટે તેમણે પણ તને રાજપદેથી પડતો મૂક્યો છે."
ત્યારે શાઉલે કહ્યું, "મેં પાપ કર્યું છે. પણ કૃપા કરી હાલ મારા લોકોના વડીલો આગળ અને ઇઝરાયલ આગળ મારું માન રાખ, ફરીથી મારી સાથે પાછો આવ જેથી મારા પ્રભુ ઈશ્વરની સ્તુતિ હું કરું."
શમુએલે પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી જોયો નહિ, તો પણ શમુએલ શાઉલને માટે શોક કરતો હતો. અને શાઉલને ઇઝરાયલ ઉપર રાજા ઠરાવ્યાને લીધે ઈશ્વરને અનુતાપ થયો.