દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિક્લાગમાં પહોંચ્યા, ત્યારે એમ બન્યું કે, અમાલેકીઓએ નેગેબ ઉપર તથા સિક્લાગ ઉપર હુમલો કર્યો. તેઓએ સિક્લાગ પર હુમલો કર્યો. મારો ચલાવ્યો. અને તેને બાળી મૂક્યું.
દાઉદને ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કેમ કે સર્વ લોકો પોતપોતાના દીકરાઓને લીધે તથા પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુઃખી હતા; પણ દાઉદે પોતે પ્રભુ ઈશ્વરમાં બળવાન થયો.
દાઉદે પ્રાર્થના કરીને ઈશ્વરને પૂછ્યું, "જો હું ટુકડીની પાછળ પડું, તો શું હું તેઓને પકડી પાડી શકું?" ઈશ્વરે તેને ઉત્તર આપ્યો, "પાછળ લાગ, કેમ કે નિશ્ચે તું તેઓને પકડી પાડશે અને ચોક્કસ તું બધું જ પાછું મેળવશે."
અને તેઓએ તેને અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષાની બે લૂમો આપી. તેણે ખાધું એટલે તેનામાં તાકાત આવી, કેમ કે તેણે ત્રણ દિવસ તથા ત્રણ રાત દરમ્યાન કશું ખાધું ન હતું; કે પાણી પણ પીધું ન હતું.
દાઉદે તેને કહ્યું, "તું કોના તાબાનો છે? તું ક્યાંથી આવ્યો છે?" તેણે કહ્યું, "હું મિસરનો એક જુવાન છું, એક અમાલેકીનો ચાકર છું; મારા માલિકે મને ત્યજી દીધો છે. કેમ કે ત્રણ દિવસ અગાઉ હું બીમાર પડ્યો હતો.
દાઉદે તેને કહ્યું, "શું તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?" મિસરીએ કહ્યું, "તું ઈશ્વરના સોગન ખા કે તું મને મારી નહિ નાખે. અથવા મારા માલિકના હાથમાં મને સોંપી નહિ દે. તો હું તને તે ટુકડી પાસે લઈ જાઉં."
તે મિસરી દાઉદને ત્યાં લઈ ગયો. તે લોકો મેદાનનાં સર્વ ભાગમાં પ્રસરાઈ ગયા હતા, તેઓ ખાતા, પીતા તથા મિજબાની ઉડાવતા હતા, કેમ કે તેઓએ પલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી પુષ્કળ લૂંટ મેળવી હતી.
જે બસો માણસો એટલા થાકી ગયા હતા કે તેઓ દાઉદની સાથે જઈ શક્યા ન હતા, તેઓને તેઓએ બસોર નાળા આગળ રાખ્યા હતા. તેઓની નજીક દાઉદ આવી પહોંચ્યો. ત્યારે આ માણસો દાઉદને તથા તેની સાથેના માણસોને મળવાને સામા ગયા. જયારે દાઉદ તે લોકોની પાસે આવ્યો ત્યારે તેણે તેઓને નમસ્કાર કર્યા.
પછી સર્વ નકામા તથા અયોગ્ય માણસો જેઓ દાઉદ સાથે ગયા હતા તેઓએ કહ્યું, "કેમ કે આ માણસો આપણી સાથે પાછા આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેઓમાંથી આપણે કશું તેઓને આપીશું નહિ. માત્ર દરેકને તેની પત્ની તથા બાળકો આપવાં કે, તેમને લઈને તેઓ વિદાય થાય."
પછી દાઉદે કહ્યું, "મારા ભાઈઓ, ઈશ્વર કે જેમણે આપણને બચાવી રાખ્યા છે તેમની સમક્ષ આવી રીતે ન વર્તો. તેમણે આપણી વિરુદ્ધ આવેલી ટોળીને આપણા હાથમાં સોંપી દીધી છે.
જયારે દાઉદ સિક્લાગમાં આવ્યો, ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદિયાના વડીલોને, એટલે પોતાના મિત્રોને ત્યાં મોકલી અને કહાવ્યું, "જુઓ, ઈશ્વરના શત્રુઓ પાસેથી લીધેલી લૂંટમાંથી આ ભેટ તમારે માટે છે."