એક વર્ષમાં બાઇબલ
નવેમ્બર ૧૫

૧. પ્રભુનો સંદેશ મને મળ્યો,
૨. “હે મનુષ્યપુત્ર, યરુશાલેમ તરફ તારું મુખ ફેરવ, લોકોનાં પૂજાસ્થાનો વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.
૩. ઇઝરાયલ દેશને ચેતવણી આપ કે પ્રભુ આમ કહે છે: હું તારી વિરુદ્ધ છું. હું મારી તલવાર મ્યાનમાંથી કાઢીશ ને તારામાંના સૌનો સંહાર કરીશ.
૪. હું મ્યાનમાંથી મારી તલવાર કાઢીશ અને દક્ષિણથી ઉત્તર સુધી સદાચારી કે દુરાચારી સૌ કોઇ મારી તલવારનો ભોગ થઇ પડશે.
૫. ત્યારે સર્વ માણસો જાણશે કે મેં પ્રભુએ મારી તલવાર તાણી છે અને હું તે કદી પાછી મ્યાન કરવાનો નથી.
૬. “હે મનુષ્યપુત્ર, તારું હૃદય ભાંગી પડયું હોય તેમ દુ:ખથી નિસાસા નાખ. તું લોકોનાં દેખતાં દુ:ખના ઊંહકારા ભર.
૭. તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે કહેજે કે, ‘જે આવી પડવાનું છે તેના સમાચારને લીધે.’ એનાથી સૌનાં હૈયાં ભયથી કાંપી ઊઠશે, તેમના હાથ કમજોર થઇ જશે, તેમના હોશકોશ ઊડી જશે, ધૂંટણો લથડવા લાગશે. જે આવી પડવાનું છે તે આવી ગયું છે.” પ્રભુ પરમેશ્વર પોતે આમ બોલ્યા છે.
૮. પ્રભુનો સંદેશ મને મળ્યો,
૯. “હે મનુષ્યપુત્ર, સંદેશ પ્રગટ કર. લોકોને કહે કે પ્રભુ આમ કહે છે: તલવાર સરાણે ચડાવેલી અને ચકચકિત છે.
૧૦. તે સંહાર માટે સજાવાયેલી છે; વીજળીની જેમ ચમક્તી કરવા માટે તેને ચકચકિત બનાવવામાં આવી છે. એનાથી કોને હર્ષ થાય? પણ મારા લોકોએ શિક્ષાની સર્વ પ્રકારની સોટીઓ ગણકારી નથી.
૧૧. તેથી તો તલવારને વાપરવા ઓપ ચડાવાઇ રહ્યો છે. તેને ધાર ચડાવવામાં આવી રહી છે અને તેને ઓપ અપાઇ રહ્યો છે; જેથી તેને સંહારકના હાથમાં મૂકી શકાય.
૧૨. હે મનુષ્યપુત્ર, આક્રંદ કર, પોક મૂક. આ તલવાર મારા ઇઝરાયલી લોકો અને તેમના સર્વ આગેવાનો પર આવી પડી છે. તેઓ સૌ એક્સાથે તલવારથી માર્યા જવાના છે. માટે તારી છાતી કૂટ.
૧૩. ક્સોટી તો થશે જ; તમે જેને તુચ્છ ગણો છે એ સોટીથી જ એ થાય તો? હું પ્રભુ પરમેશ્વર આ કહું છું.
૧૪. “હે મનુષ્યપુત્ર, સંદેશ પ્રગટ કર. તારા હાથથી તાળી પાડ અને એ સંહારક તલવાર બે વાર, હા, ત્રણ વાર પ્રહાર કરશે. એ તો આસપાસ કત્લેઆમ કરનારી તલવાર છે.
૧૫. મેં તેમના શહેરના સર્વ પ્રવેશદ્વાર પર વીજળીની જેમ ઝબકારા મારતી અને સંહાર કરવાને તડપતી એવી તલવાર મૂકી છે; જેને જોઇને મારા લોકોનાં હૈયાં થરથર કાંપે છે અને તેઓ લથડિયાં ખાવા માંડે છે.
૧૬. હે ધારદાર તલવાર જમણી તરફ સંહાર કર, પછી ડાબી તરફ જા. જે તરફ ફર તે તરફ ક્તલ ચલાવ.
૧૭. હું પણ હાથ પછાડીશ ને મારો ક્રોધ શમાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”
૧૮. વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો,
૧૯. “બેબિલોનના રાજાને પોતાની તલવાર સાથે આવવાના બે માર્ગ અંક્તિ કર. બન્‍ને માર્ગો એક જ દેશમાંથી નીકળતા હોવા જોઇએ. જ્યાં રસ્તા ફંટાતા હોય ત્યાં માર્ગદર્શક નિશાની મૂક.
૨૦. એક નિશાની રાજાની તલવારને આમ્મોનીઓના રાબ્બાહનગરમાં જવાનો માર્ગ દર્શાવે અને બીજી નિશાની યહૂદિયાના કિલ્લેબંધીવાળા નગર યરુશાલેમમાં જવાનો માર્ગ દર્શાવે.
૨૧. બેબિલોનનો રાજા રસ્તાઓ જ્યાં ફંટાય છે ત્યાં માર્ગદર્શક નિશાની આગળ ઊભો છે. કયે રસ્તે જવું તે જાણવા માટે તે તીર હલાવે છે, પોતાની મૂર્તિઓને પૂછે છે અને બલિ ચડાવેલ પ્રાણીનું કાળજું તપાસી જુએ છે.
૨૨. જો, તેના જમણા હાથમાં આવેલા તીરમાં ‘યરુશાલેમ’ના નામની ચિઠ્ઠી નીકળી છે. તે તેને ત્યાં જઇને કોટભંજક યંત્રો ગોઠવવા, સંહારનો આદેશ આપવા, રણનાદ પાડવા, અને દરવાજાઓ સામે દ્વારભંજક યંત્રો ગોઠવવા, માટીના ઢોળાવો ઊભા કરવા અને ખાઇઓ ખોદવા સૂચવે છે.
૨૩. પોતે કરેલ સંધિઓના કારણે યરુશાલેમના રહેવાસીઓને આ બધું જૂઠા શકુન જેવું લાગશે, પણ આ આગાહી તેમનાં પાપોનું તેમને સ્મરણ કરાવવા અને તેઓ કેદ પકડાશે તેની ચેતવણી આપવા માટે છે.
૨૪. હું પ્રભુ પરમેશ્વર કહું છું કે સૌની આગળ તમારા અપરાધ ખુલ્લા પડી ગયા છે. તમારા પ્રત્યેક કાર્યમાં તમારાં પાપ પ્રગટ થાય છે. તમે દોષિત માલૂમ પડયા છો, તેથી હું તમને તમારા શત્રુઓના હાથમાં સોંપી દઇશ.
૨૫. દુષ્ટ અને અપવિત્ર શાસક, તારો અંત આવી ગયો છે. તારી આખરી શિક્ષાનો દિવસ આવી પહોંચ્યો છે.
૨૬. પ્રભુ પરમેશ્વર કહે છે: “તારો રાજમુગટ અને તારી પાઘડી ઉતારી નાખ. કશું જ યથાવત્ સ્થિતિમાં રહેવાનું નથી. નીચાને ઊંચો અને ઊંચાને નીચો બનાવવામાં આવશે.
૨૭. ‘ખંડેર,’ ‘ખંડેર’, નિ:સંદેહ હું આ નગરને ખંડેર બનાવી દઇશ. પણ આનો હક્કદાર શાસક આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી; પછી હું તેને તે આપીશ.
૨૮. “હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કર કે ઇઝરાયલનું અપમાન કરતાં આમ્મોનીઓ વિષે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તલવાર સંહાર માટે તાણેલી છે. સંહાર કરવા માટે તે વીજળીની જેમ ચમકે માટે તેને ઓપ આપવામાં આવ્યો છે.
૨૯. તમારાં સંદર્શન જૂઠાં છે, તમારી આગાહી ખોટી છે; તમે દુષ્ટ અને અધમ છો, તમારો અંત આવી પહોંચ્યો છે. તમારી આખરી શિક્ષાના દિવસ આવી પહોંચ્યા છે, તમારી ગરદન પર તલવાર વીંઝાનાર છે.
૩૦. તલવાર મ્યાન કરો; જે ભૂમિમાં તમે જનમ્યાં, જે સ્થળમાં તમારું સર્જન થયું ત્યાં હું તમારો ન્યાય કરીશ.
૩૧. હું તમારા પર મારો કોપ રેડીશ અને મારો ક્રોધાગ્નિ વરસાવીશ. હિંસાખોર અને ક્રૂર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ.
૩૨. તમે અગ્નિમાં બળતણરૂપ થઈ જશો. તમારા જ દેશમાં તમારું રક્ત રેડાશે. તમને હવે પછી કોઈ યાદ પણ કરશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.”
૧. વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો,
૨. “હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય આપવા બેઠો છે? શું તું ન્યાય કરવાનો? જ્યાં ખૂનની પરંપરા ચાલી છે એવા નગરનો ન્યાય તોળવા તું તૈયાર છે? તો તું એને એનાં બધાં ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવ.
૩. નગરને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેં તારા પોતાના ઘણા લોકોની હત્યા કરી છે અને તેં મૂર્તિઓ બનાવીને તેમની પૂજા દ્વારા તારી જાતને ભ્રષ્ટ કરી છે. હવે તારો વિનાશ આવી પહોંચ્યો છે.
૪. તેં કરેલાં ખૂનો માટે તું દોષિત છે અને તારી જ બનાવેલી મૂર્તિઓથી તું અશુદ્ધ થયેલ છે; એટલે, તારા વિનાશનો સમય આવી પહોંચ્યો છે. તેથી મેં તેને બધી પ્રજાઓની દષ્ટિમાં નિંદાપાત્ર અને સર્વ દેશની દષ્ટિમાં હાંસીપાત્ર બનાવ્યું છે.
૫. તું તો અંધાધૂંધીને માટે બદનામ થયેલું નગર છે. તારાથી દૂરના અને નિકટના દેશો તારી હાંસી ઉડાવે છે.
૬. જુઓ, ઇઝરાયલના બધા રાજપુરુષો પોતાની સત્તાને જોરે ખૂનરેજી ચલાવે છે.
૭. નગરમાં કોઇ પોતાનાં માતાપિતાનું સન્માન જાળવતું નથી. તેઓ પરદેશીઓનું બળજબરીથી પડાવી લે છે અને વિધવાઓ તથા અનાથો પર અત્યાચાર ગુજારે છે.
૮. તમે મારાં પવિત્રસ્થાનોને તુચ્છ ગણો છો અને તમે મારા સાબ્બાથો અપવિત્ર કર્યા છે.
૯. તમારામાં કેટલાક બીજાઓની હત્યા કરવા માટે તેમના ઉપર ખોટા આક્ષેપ મૂકે છે, કેટલાક મૂર્તિઓને ચડાવેલ બલિ ખાય છે, કેટલાક હંમેશા લંપટતા આચરે છે,
૧૦. કેટલાક પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે છે અને કેટલાક રજ:સ્વલા સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે.
૧૧. કેટલાક પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે, તો બીજા કેટલાક પોતાની પુત્રવધૂઓને ભ્રષ્ટ કરે છે, તો કોઇ પોતાની ઓરમાન બહેનોનો શીલભંગ કરે છે.
૧૨. કેટલાક માણસો લાંચ લઇને હત્યા કરે છે, કેટલાક નફો મેળવવા વ્યાજખોરી કરે છે, તો કેટલાકે પડોશીનું બળજબરીથી શોષણ કરીને લાભ મેળવ્યો છે. તેઓ સૌ મને વીસરી ગયા છે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.
૧૩. તમે મેળવેલા અપ્રામાણિક લાભને લીધે અને તમે ચલાવેલી ખૂનરેજીને લીધે હું ક્રોધિત થઇને મારા હાથ ઉગામીને પ્રહાર કરીશ.
૧૪. હું તારી ખબર લઇ નાખીશ ત્યારે તારી હિંમત અને તારું બાહુબળ ટકી રહેશે ખરાં? હું પ્રભુ એ બોલ્યો છું અને હું તે પાર પાડીશ.
૧૫. હું તમને અન્ય પ્રજાઓમાં અને વિવિધ દેશોમાં વિખેરી નાખીશ અને તમારા ભૂંડાં કામોનો અંત આણીશ.
૧૬. તમારે લીધે જ તમે અન્ય પ્રજાઓમાં અપમાનિત થશો ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”
૧૭. પ્રભુનો સંદેશ મને મળ્યો:
૧૮. “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો મારે માટે કચરા જેવા સાવ નકામા છે. તેઓ તો ચાંદી ગળાઇ ગયા પછી ભઠ્ઠીમાં રહી ગયેલાં તાંબુ, કલાઇ, લોખંડ અને સીસા જેવા છે; તેઓ તો રૂપાના ભેગ જેવા છે.
૧૯. આથી હું પ્રભુ પરમેશ્વર તેમને કહું છું કે તેઓ કચરા જેવા નકામા હોવાથી હું તેમને યરુશાલેમમાં એકત્ર કરીશ.
૨૦. જેમ લોકો રૂપાને, તાંબાને, લોઢાને, સીસાને અને કલાઇને ભઠ્ઠીમાં ભેગા કરીને તેમને આગથી ગાળે છે તેમ હું તમને મારા રોષમાં અને ક્રોધમાં આ શહેરમાં એકત્ર કરીને પિગાળીશ.
૨૧. હું તમને યરુશાલેમમાં એકઠા કરીશ, તમારી નીચે આગ પેટાવીશ અને મારા રોષની ભઠ્ઠીમાં તમને ઓગાળી નાખીશ.
૨૨. જેમ ચાંદી ભઠ્ઠીમાં પીગળી જાય છે તેમ તમને યરુશાલેમમાં પિગાળવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં પ્રભુએ તમારા પર ક્રોધાગ્નિ વરસાવ્યો છે.”
૨૩. પ્રભુનો સંદેશ ફરી મને મળ્યો:
૨૪. “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓને કહે કે તમારો દેશ અપવિત્ર અને કોપને દિવસે જેના પર વરસાદ વરસ્યો ન હોય તેવો દેશ છે.
૨૫. તમારા રાજપુરુષો કાવતરાંખોર છે. તેઓ તો શિકારને ફાડી ખાતી વખતે ગર્જના કરતા સિંહો જેવા છે. તેઓ માણસોને ફાડી ખાય છે. તેમની સંપત્તિ અને મૂલ્યવાન જરઝવેરાત લૂંટી લે છે અને ખૂનરેજી ચલાવી નગરમાં અનેક સ્ત્રીઓને વિધવા બનાવે છે.
૨૬. તમારા યજ્ઞકારો મારા નિયમોનો ભંગ કરે છે અને મને સમર્પિત થયેલી વસ્તુઓની પવિત્રતા જાળવતા નથી. તેમણે સમર્પિત અને સાધારણ વચ્ચે ભેદ રાખ્યો નથી અને લોકોને શુદ્ધ અને અશુધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ સાબ્બાથના દિવસોની ઉપેક્ષા કરે છે. પરિણામે, હું ઇઝરાયલી લોકોમાં સન્માન પામતો નથી.
૨૭. તેના રાજ્યાધિકારીઓ પોતાના શિકારને ફાડી ખાનાર વરુઓ જેવા છે. અપ્રામાણિક લાભ મેળવવા તેઓ હત્યા કરે છે અને લોકોના જીવનો ભોગ લે છે.
૨૮. કોઇ માણસ ચૂનાથી દીવાલ બબ્બેવાર ધોળે તેમ સંદેશવાહકો લોકોનાં પાપ ઢાંકે છે. તેઓ વ્યર્થ સંદર્શનો જૂએ છે અને જૂઠી આગાહી કર્યા કરે છે. હું તેમની સાથે બોલ્યો જ નથી, તો પણ તેઓ ‘પ્રભુ આમ કહે છે’ એવું લોકોને જણાવે છે.
૨૯. દેશના અનેક લોકો પણ ધાકધમકીથી પૈસા પડાવે છે. તેઓ ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર કરે છે અને પરદેશીઓ પર બળજબરી કરી ગેરલાભ ઉઠાવવામાં પાછા પડતા નથી.
૩૦. મેં તેમના એક એવા માણસની શોધ કરી છે જે કોટને બાંધે અને દેશને બચાવવા કોટમાં પડેલાં ગાબડામાં ઊભો રહે અને મારા કોપમાં દેશનો વિનાશ કરતા મને રોકે. પણ મને એવો એકેય માણસ મળ્યો નહિ.
૩૧. આથી હું તેમના પર મારો ક્રોધાગ્નિ વરસાવનાર છું અને તેમનાં આચરણના ફળરૂપે મારા ક્રોધરૂપી અગ્નિથી તેમને ભસ્મ કરનાર છું. હું પ્રભુ પરમેશ્વર બોલ્યો છું.”
૧. (આરોહણનું ગીત) જ્યારે પ્રભુ અમને દેશનિકાલમાંથી સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે તો અમે સ્વપ્ન જોતા હોઈએ એવું લાગ્યું.
૨. અમારા મુખ પર હાસ્ય ઊભરાતું હતું; અમારી જીભ આનંદપૂર્વક જયજયકાર કરતી હતી. ત્યારે બીજા દેશોએ એકબીજાને અમારે વિષે કહ્યું, “પ્રભુએ પોતાના લોક માટે મહાન કાર્યો કર્યાં છે.”
૩. પ્રભુએ સાચે જ અમારે માટે મહાન કાર્યો કર્યાં હતાં, અને તેથી અમે અત્યંત આનંદમાં આવી ગયા હતા.
૪. જેમ નેગેવના રણપ્રદેશમાં વરસાદ સુકાં ઝરણામાં પાણી લાવે છે, તેમ હે પ્રભુ, તમે અમને દેશનિકાલમાંથી પાછા લાવ્યા છો.
૫. અલબત્ત, આંસુ સારતાં સારતાં વાવનારા જયજયકાર સહિત લણે છે.
૬. ઝોળીમાં મૂઠીભર બી લઈને વાવણી માટે રડતાં રડતાં જનારા કાપણી વખતે ધાન્યના પૂળા લઈને ઈશ્વરનો જયજયકાર કરતાં કરતાં ઘેર પાછા આવશે.
૨૩. ખોટા વખાણ કરનાર કરતાં મોઢામોઢ ઠપકો આપનારની વધુ કદર થશે.
૧૯. તેથી ભાઈઓ, ઈસુના મૃત્યુ દ્વારા પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવા માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ.
૨૦. તેમણે પડદામાં થઈને એટલે કે, તેમના શરીરમાં થઈને આપણે માટે એક નવો અને જીવંત માર્ગ ખોલ્યો છે.
૨૧. આપણને તો ઈશ્વરના ઘરના વહીવટર્ક્તા તરીકે મહાન યજ્ઞકાર મળેલા છે.
૨૨. તેથી, દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે નિષ્ઠાવાન હૃદય અને સંપૂર્ણ નિશ્ર્વયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની પાસે આવીએ.
૨૩. જે આશા આપણે પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી વળગી રહીએ. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે એવો ભરોસો આપણે રાખી શકીએ છીએ.
૨૪. આપણે એકબીજાની કાળજી રાખીએ, મદદ કરીએ અને પ્રેમ દર્શાવીએ તથા સારાં કાર્યો કરીએ.
૨૫. કેટલાક કરે છે તેમ આપણે એકત્ર થવાનું પડતું ન મૂકીએ. એને બદલે, પ્રભુના દિવસને નજીક આવતો જોઈએ તેમ આપણે એકબીજાને વધુને વધુ ઉત્તેજન આપીએ.
૨૬. કારણ, આપણને સત્ય પ્રગટ કરવામાં આવ્યું હોવા છતાં આપણે જાણી જોઈને પાપ કર્યા કરીએ, તો તે પાપનું નિવારણ કરવા માટે બીજું કોઈ બલિદાન નથી.
૨૭. એને બદલે, આપણે આવનાર ન્યાયશાસનની તથા ઈશ્વરના વિરોધીઓને ભરખી જનાર અગ્નિની બીક રાખીએ.
૨૮. જે કોઈ મોશેના નિયમનું ઉલ્લંઘન કરે, અને બે કે ત્રણ સાક્ષીઓ દ્વારા તેનો ગુનો સાબિત થાય, તો તેને ક્રૂરતાથી મારી નાખવામાં આવે છે.
૨૯. તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!
૩૦. કારણ, “વેર વાળવું મારું ક્મ છે. હું જરૂર બદલો લઈશ,” અને “પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,” એવું કહેનારને આપણે ઓળખીએ છીએ.
૩૧. જીવંત ઈશ્વરના હાથમાં પડવું તે કેવું ભયંકર છે!
૩૨. તમારા ભૂતકાળને યાદ કરો. તે દિવસોમાં તમારા પર ઈશ્વરનો પ્રકાશ પ્રકાશ્યો. ત્યાર પછી તમે ઘણી બાબતો સહન કરી, છતાં મુશ્કેલીઓમાં તમે હારી ગયા નહિ.
૩૩. ઘણીવાર તમારું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું અને તમારા પર સિતમો ગુજારવામાં આવ્યા. વળી, કેટલીકવાર જેમના પ્રત્યે આવું વર્તન દાખવવામાં આવતું હતું તેમની પડખે ઊભા રહેવા તમે તૈયાર હતા.
૩૪. કેદીઓનાં દુ:ખોમાં તમે ભાગીદાર બન્યા, અને જ્યારે તમારી મિલક્ત લૂંટવામાં આવી, ત્યારે એ ખોટ તમે હસતે મુખે સહન કરી. કારણ, તમે જાણતા હતા કે તમારે માટે વધુ સારી અને અક્ષય સંપત્તિ સ્વર્ગમાં છે.
૩૫. તેથી હિંમત હારશો નહિ. કારણ, તમને એનું મોટું ઈનામ મળશે.
૩૬. તમે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરી શકો અને તેમણે આપેલાં વચનો પામી શકો તે માટે તમારે ધીરજવાન થવાની જરૂર છે.
૩૭. કારણ, જેમ શાસ્ત્ર કહે છે તેમ, “હવે બહુ જ થોડો સમય બાકી છે, અને જે આવનાર છે તે જરૂર આવશે; તે વિલંબ કરશે નહિ.
૩૮. મારા ધોરણ પ્રમાણે વર્તનાર વિશ્વાસથી જ જીવશે; પરંતુ તેમાંનો કોઈ પાછો પડે તો, હું તેના ઉપર પ્રસન્‍ન નહીં થાઉં.”
૩૯. પણ આપણે પાછા પડીને નાશ પામીએ એવા લોકો નથી. એને બદલે, આપણે વિશ્વાસ રાખીએ છીએ અને ઉદ્ધાર પામીએ છીએ.
Gujarati Bible 2016 (GUCL)
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L. Copyright © 2016 by The Bible Society of India Used by permission. worldwide