એક વર્ષમાં બાઇબલ
ડિસેમ્બર ૧૦

૧. પ્રભુ કહે છે, “જ્યારે ઇઝરાયલ બાળક હતો ત્યારે મેં તેના પર પ્રેમ રાખ્યો અને ઇજિપ્તમાંથી મેં તેને મારા પુત્ર તરીકે બોલાવી લીધો.
૨. પણ જેમ જેમ હું તેને બોલાવતો રહ્યો તેમ તેમ તે મારાથી દૂર થતો ગયો. તેમણે બઆલને બલિદાનો ચડાવ્યાં ને મૂર્તિઓ આગળ ધૂપ બાળ્યો.
૩. મેં જ એફ્રાઇમને ચાલતાં શીખવ્યું. મેં જ તેમને મારા હાથમાં ઉછેર્યા. પણ મેં તેમની સારસંભાળ લીધી છે એવું તેમણે સ્વીકાર્યું નહિ.
૪. મમતા અને પ્રેમથી મેં તેમને મારી તરફ ખેંચ્યા. મેં તેમને ઉઠાવીને ગાલસરસા ચાંપ્યા અને તેમને લળી લળીને ખવડાવ્યું.
૫. પણ તેમણે મારી તરફ પાછા ફરવાનો ઇનકાર કર્યો છે એટલે તેમણે ઇજિપ્તમાં પાછા જવું પડશે અને આશ્શૂર તેમના પર રાજ કરશે.
૬. તેમનાં શહેરોમાં લડાઈ વ્યાપી જશે; શહેરોના દરવાજાઓ તોડી પડાશે અને મારા લોકનો વિનાશ કરાશે કારણ, તેઓ પોતાની મરજી મુજબ વર્તે છે.
૭. મારા લોકનું વલણ મારાથી વિમુખ થવાનું છે. તેમના પર લાદવામાં આવેલી ધૂંસરીને લીધે તેઓ પોક મૂકશે પણ કોઈ તે ઉઠાવી લેશે નહિ.
૮. હે એફ્રાઈમ, હું તને કેવી રીતે તજી દઈ શકું? હું તને કેવી રીતે તરછોડું? આદમા નગરના જેવો તમારો નાશ કરું? અથવા તારા પ્રત્યે સબોઈમના જેવો વર્તાવ કરું? મારું મન મને એમ કરવા દેશે નહિ. કારણ, તમારા પ્રત્યેનો મારો પ્રેમ પ્રબળ છે.
૯. હું મારા કોપમાં તમને સજા કરીશ નહિ, હું એફ્રાઈમનો બીજીવાર નાશ કરીશ નહિ; કારણ, હું ઈશ્વર છું, માણસ નહિ. હું, પવિત્ર ઈશ્વર તમારી સાથે છું; તમારી પાસે હું કોપાયમાન થઈને આવીશ નહિ.
૧૦. “હું પ્રભુ તેમના શત્રુઓ પર સિંહની જેમ ગર્જીશ અને મારા લોક મને અનુસરશે. તેઓ પશ્ર્વિમમાંથી મારી પાસે ઉતાવળે આવશે.
૧૧. તેઓ પક્ષીઓની ઝડપે ઇજિપ્તથી અને કબૂતરોની જેમ આશ્શૂરથી આવશે. હું તેમને તેમના વતનમાં પાછા લાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”
૧. એફ્રાઈમના લોકો આખો દિવસ નકામાં અને નુક્સાનકારક કામોમાં રચ્યાપચ્યા રહે છે. દગાખોરી અને હિંસાના બનાવો વધી રહ્યા છે. તેઓ આશ્શૂર દેશ સાથે કરાર કરે છે અને ઇજિપ્તમાં તેલની ખંડણી મોકલે છે.
૨. પ્રભુને યહૂદિયાના લોકો વિરુદ્ધ આરોપ છે અને ઇઝરાયલના લોકોની વર્તણૂક માટે તે તેમને સજા કરવાના છે.
૩. તેમના પૂર્વજ યાકોબે ગર્ભસ્થાનમાં પોતાના જોડક્ભાઈ એસાવની એડી પકડી અને તે મોટો થયો ત્યારે ઈશ્વર સાથે બાથ ભીડી.
૪. હા, તે દૂતની સામે પણ ઝઝૂમ્યો અને ટક્કર લીધી. તેણે રડીને આશિષની માગણી કરી. ઈશ્વર આપણા પૂર્વજ યાકોબને બેથેલમાં મળ્યા અને ત્યાં તેની સાથે વાત કરી.
૫. એ તો સર્વશક્તિમાન ઈશ્વર યાહવે હતા. યાહવે એ નામથી જ તેમની ભક્તિ થવી જોઈએ.
૬. તે માટે, હે યાકોબના વંશજો, તમારા ઈશ્વર તરફ પાછા ફરો! પ્રેમ અને ન્યાય જાળવી રાખો અને તમારા ઈશ્વરની નિરંતર ઝંખના રાખો.
૭. પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકો કનાનીઓ જેટલા જ અપ્રામાણિક છે. તેઓ પોતાના ગ્રાહકોને ખોટાં ત્રાજવાં રાખી છેતરે છે.
૮. તેઓ કહે છે, ‘અમે ધનવાન થઈ ગયા છીએ; અમે સંપત્તિ પ્રાપ્ત કરી છે. અમારી પાસે અપ્રામાણિક કમાણીનો એક પૈસોય નથી.’
૯. પણ તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો પ્રભુ પરમેશ્વર છું, હું તમારી પાસે વેરાનપ્રદેશમાં આવ્યો ત્યારે તમે રહેતા હતા તેમ ફરીથી તમને તંબૂઓમાં રહેતા કરી દઈશ.
૧૦. “હું સંદેશવાહકો સાથે બોલ્યો અને તેમને ઘણાં દર્શનો આપ્યાં. સંદેશવાહકો દ્વારા મારા લોકોને મેં ચેતવ્યા છે.
૧૧. છતાં ગિલ્યાદમાં મૂર્તિઓની પૂજા થાય છે, અને તેમને પૂજનારા માર્યા જશે. ગિલ્ગાલમાં આખલાઓનો બલિ ચડાવવામાં આવે છે એટલે વેદીઓ ખેતરોમાંના પથ્થરના ઢગલા સમાન થઈ જશે.”
૧૨. આપણા પૂર્વજ યાકોબને મેસોપોટેમિયામાં નાસી જવું પડયું. ત્યાં પત્ની મેળવવા માટે તેણે બીજા માણસનાં ઘેટાં સાચવવાનું કામ કર્યું.
૧૩. ઇઝરાયલના લોકોને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવા અને તેમની સંભાળ લેવા પ્રભુએ પોતાના સંદેશવાહકને ઇજિપ્તમાં મોકલ્યો.
૧૪. ઇઝરાયલના લોકોએ ભારે રોષ ચડાવ્યો છે તેમના ગુના માટે તેઓ મૃત્યુદંડને લાયક છે; તેમણે ઈશ્વરની માનહાનિ કરી હોવાથી તે તેમને સજા કરશે.
૧૭. હે ઈશ્વર, મારા વિષેના તમારા વિચારો મને કેટલા મૂલ્યવાન લાગે છે! તેમની સંખ્યા કેટલી મોટી છે!
૧૮. જો હું તેમને ગણવા ચાહું, તો તે રેતીના કણ કરતાં અધિક છે: જ્યારે હું જાગું ત્યારે હજી હું તમારી સાથે હોઉં છું.
૧૯. હે ઈશ્વર, તમે દુષ્ટોનો સંહાર કરો તો કેવું સારું! ખૂની માણસોને મારાથી દૂર કરો.
૨૦. તેઓ તમારી નિંદા કરે છે; તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે.
૨૧. હે પ્રભુ, તમને ધિક્કારનારાઓને શું હું ન ધિક્કારું? તમારી વિરુદ્ધ પડનારાઓની શું હું ઘૃણા ન કરું?
૨૨. હું તેમને મારા સંપૂર્ણ દયથી ધિક્કારું છું; હું તેમને મારા શત્રુ ગણું છું.
૨૩. હે ઈશ્વર, મને પારખો અને મારા દયને ઓળખો, મને બારીકાઈથી ચક્સો અને મારા વિચારોને જાણો.
૨૪. હું કોઈ દુરાચારને માર્ગે ચાલતો હોઉં તો તે શોધી કાઢજો અને મને સનાતન માર્ગે ચલાવજો.
૨૨. ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે અને ઉગ્ર સ્વભાવનો માણસ ઘણા અપરાધ કરે છે.
૧. જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેઓ ઈશ્વરપિતાને પ્રિય છે અને જેમને ઈસુ ખ્રિસ્ત માટે સાચવી રાખવામાં આવ્યા છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને યાકોબના ભાઈ યહૂદા તરફથી શુભેચ્છા.
૨. તમને દયા, શાંતિ અને પ્રેમ ભરપૂરપણે પ્રાપ્ત થાઓ.
૩. પ્રિયજનો, જે ઉદ્ધારના આપણે સહભાગી છીએ તે અંગે તમને લખવા હું ઘણો આતુર હતો; ઈશ્વરે પોતાના લોકોને કાયમને માટે એકીવારે આપેલા વિશ્વાસને માટે ઝઝૂમવા તમને પ્રોત્સાહન મળે તે માટે તમને લખવાની મને જરૂર જણાઈ છે.
૪. કારણ, કેટલાક નાસ્તિકો આપણામાં ખબર ન પડે એવી રીતે ધૂસી ગયા છે. પોતાના અનૈતિક સંબંધોને યોગ્ય ઠરાવવા માટે તેઓ ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરે છે અને ઈસુ ખ્રિસ્ત, જે એકલા જ આપણા માલિક અને પ્રભુ છે, તેમનો ઇનકાર કરે છે. આ લોકોને થનાર સજા વિષે શાસ્ત્રમાં બહુ પ્રાચીન સમયથી લખવામાં આવ્યું છે.
૫. જો કે તમે બધું જાણો છો તોપણ કેવી રીતે પ્રભુએ ઇઝરાયલ પ્રજાને ઇજિપ્તમાંથી બચાવી હતી અને જેમણે વિશ્વાસ ન કર્યો તેમનો કેવો નાશ કર્યો તેની હું તમને યાદ અપાવવા માગું છું.
૬. જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ તેમને માટે ઠરાવેલ ક્ષેત્ર છોડી દીધું તેમને ઈશ્વરે ન્યાયના મહાન દિવસ સુધી નીચે ઘોર અંધકારમાં સનાતન બંધનની સાંકળોથી બાંધી રાખ્યા છે.
૭. એ જ પ્રમાણે સદોમ અને ગમોરા તથા તેની આસપાસના વિસ્તારના નગરના લોકોએ વ્યભિચાર અને વિકૃત જાતીયકર્મો આચર્યાં હતાં. તેઓ સાર્વકાલિક અગ્નિની સજા ભોગવી રહ્યા છે અને સર્વને સ્પષ્ટ ચેતવણી મળે તે માટે ઉદાહરણરૂપ બન્યા છે.
૮. એ જ પ્રમાણે આ લોકો પોતાનાં સ્વપ્નમાં રાચીને પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે છે, ઈશ્વરની સત્તા અવગણે છે અને સ્વર્ગીય દૂતોનું અપમાન કરે છે.
૯. મોશેનું શબ કોણ રાખે તે વિષે શેતાનની સાથે વિવાદ થયો, ત્યારે મિખાએલે શેતાનની નિંદા કરીને તેના પર આરોપ મૂક્યો નહિ, પણ માત્ર આટલું જ કહ્યું, “પ્રભુ તને ધમકાવો.”
૧૦. પણ આ લોકો જે બાબતો સમજતા નથી તેની નિંદા કરે છે અને જંગલી પ્રાણીઓની માફક જે બાબતો તેઓ લાગણીથી જાણે છે તે જ બાબતમાં પોતાને ભ્રષ્ટ કરે છે. તેમની કેવી દુર્દશા થશે!
૧૧. તેઓ કાઈનને માર્ગે ચાલે છે, પૈસાને માટે બલઆમના જેવી ભૂલમાં પડે છે, કોરાહની માફક બળવો કરે છે અને વિનાશ વહોરી લે છે.
૧૨. તેઓ તમારી સંગતના ભોજન સમારંભમાં કલંકરૂપ છે અને શરમ વગર ખાયપીએ છે. તેઓ ફક્ત પોતાની જ કાળજી રાખે છે. તેઓ પવનથી ઘસડાતાં નક્માં નિર્જળ વાદળ જેવા છે. વળી, તેઓ મોસમમાં ફળ નહિ આપનાર, બિલકુલ મરી ગએલાં તથા મૂળમાંથી ઉખાડી નાખવામાં આવેલા વૃક્ષ જેવા છે.
૧૩. તેઓ તો સમુદ્રનાં ફીણ ઉપજાવનાર તોફાની મોજાંની જેમ પોતાનાં શરમજનક કાર્યોનો ઊભરો કાઢે છે. તેઓ ભટક્તા ધૂમકેતુ જેવા છે અને ઈશ્વરે તેમને માટે ઘોર અંધકાર સદાકાળને માટે તૈયાર કરી મૂકેલો છે.
૧૪. આદમથી સાતમી પેઢીના હનોખે ઘણા સમય અગાઉ તેમને માટે આવું ભવિષ્યકથન કહ્યું હતું: “જુઓ, પ્રભુ પોતાના હજારોહજાર સંતો સાથે આવશે,
૧૫. અને તે સર્વ પર ન્યાયશાસન લાવશે. દુષ્ટ પાપીઓએ કરેલાં દુષ્ટ કૃત્યો, અને ઈશ્વર વિરુદ્ધ ઉચ્ચારેલા ઉદ્ધત શબ્દો અંગે તે તેમને સજા કરશે.”
૧૬. આ લોકો હંમેશાં કચકચ કરે છે અને બીજાઓનો દોષ કાઢે છે. તેઓ પોતાની દુષ્ટ વાસનાઓ પ્રમાણે ચાલે છે અને મોટી મોટી બડાશો મારે છે તથા પોતાનો સ્વાર્થ સાધવા ખુશામત કરે છે.
૧૭. પ્રિયજનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોએ તમને ભૂતકાળમાં કહેલી વાત યાદ રાખો.
૧૮. તેમણે કહ્યું હતું, “અંતિમ દિવસોમાં તમારી મશ્કરી ઉડાવનારા માણસો ઊભા થશે, અને તેઓ પોતાની અપવિત્ર વાસનાઓ પ્રમાણે ચાલશે.”
૧૯. એવા જ લોકો ભાગલા પાડનાર, વિષયવાસનાઓના ગુલામ અને પવિત્ર આત્મા રહિત છે.
૨૦. પણ પ્રિયજનો, તમે તો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાનું બાંધક્મ ચાલુ રાખો. પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રાર્થના કરો.
૨૧. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને પોતાની દયાથી તમને સાર્વકાલિક જીવન આપે તે માટે તમે તેમના આગમનની રાહ જોતાં જોતાં ઈશ્વરના પ્રેમમાં દૃઢ રહો.
૨૨. શંકાશીલોને ખાતરી પમાડો.
૨૩. કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો, બીજાઓ પ્રત્યે પણ દયા દેખાડો, પણ તેમની દુર્વાસનાઓથી કલંક્તિ થયેલાં તેમનાં વસ્ત્રોનો ભયપૂર્વક તિરસ્કાર કરો.
૨૪. હવે જે તમને આત્મિક અધ:પતનથી બચાવી લેવા શક્તિમાન છે અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ ગણી આનંદપૂર્વક આવકારવાના અધિકારી છે એવા એક જ ઈશ્વ૨, જે આપણા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધારક છે. તેમને અનાદિકાળ, હમણાં અને સદાસર્વકાળ મહિમા, પ્રતાપ, પરાક્રમ અને સત્તા હો! આમીન.
Gujarati Bible 2016 (GUCL)
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L. 2016 by The Bible Society of India Used by permission. worldwide