૧. દાવિદે પૂછયું, “શાઉલના કુટુંબમાંનું હજુ સુધી કોઈ બાકી રહ્યું છે? જો હોય તો યોનાથાનને લીધે હું તેના પર પ્રેમ દર્શાવવા માગું છું.”
૨. સીબા નામે શાઉલના કુટુંબનો એક નોકર હતો. તેને દાવિદ પાસે જવાનું કહેવામાં આવ્યું. રાજાએ તેને પૂછયું, “તું સીબા છે?” તેણે જવાબ આપ્યો, “જી, મહારાજ.”
૩. રાજાએ તેને પૂછયું, “શાઉલના કુટુંબમાંનું કોઈ બાકી રહ્યું છે કે હું તેના પર ઈશ્વરના જેવો અપાર પ્રેમ દાખવું?” સીબાએ જવાબ આપ્યો, “હજુ યોનાથાનનો એક પુત્ર બાકી છે, તે લંગડો છે.”
૮. મફીબોશેથે ફરીથી નમન કરીને કહ્યું, “મહારાજા, હું તો મરેલા કૂતરા જેવો છું. તો પણ તમે મારા પ્રત્યે આટલી ભલાઈ દર્શાવો છો!”
૯. પછી રાજાએ શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “તારા માલિકના પૌત્ર મફીબોશેથને શાઉલ તથા તેના કુટુંબનું સર્વસ્વ આપી દઉં છું.
૧૦. તારે, તારા પુત્રોએ અને તારા નોકરોએ તારા માલિક શાઉલના કુટુંબને વાસ્તે એ જમીનમાં ખેતી કરવાની છે અને તેની ઊપજમાંથી તેમનું ભરણપોષણ કરવાનું છે. પણ મફીબોશેથ પોતે તો હંમેશા મારી સાથે જ જમશે.” (સીબાને પંદર પુત્રો અને વીસ સેવકો હતા.)
૧૧. સીબાએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના કહેવા પ્રમાણે હું બધું કરીશ.” એમ મફીબોશેથ રાજાના એક પુત્રની માફક રાજાની સાથે જ જમતો.
૧૨. મફીબોશેથને મિખા નામે એક યુવાન પુત્ર હતો. સીબાના કુટુંબના બધા સભ્યો મફીબોશેથના નોકર બન્યા.
૧૩. આમ, બન્ને પગે લંગડો મફીબોશેથ યરુશાલેમમાં રહ્યો અને રાજાની સાથે જ જમતો.
૧. થોડાએક સમય બાદ આમ્મોનનો રાજા નાહાશ મરણ પામ્યો અને તેનો પુત્ર હાનૂન રાજા બન્યો.
૨. દાવિદ રાજાએ કહ્યું, “હાનૂનના પિતા નાહાશે મારા પ્રત્યે જેવો સદ્ભાવ દાખવ્યો હતો તેવો જ સદ્ભાવ હું હાનૂન પ્રત્યે દાખવીશ.” દાવિદે તેના પિતાના મૃત્યુ સંબંધી તેને દિલાસો દેવા રાજદૂત મોકલ્યા.
૩. તેઓ આમ્મોનમાં આવી પહોંચ્યા એટલે આમ્મોનના રાજદરબારીઓએ રાજાને કહ્યું, “તમે એમ માનો છો કે દાવિદે તમારા પિતાના માનમાં તમારા પ્રત્યે હમદર્દી દર્શાવવા આ સંદેશકો મોકલ્યા છે? અલબત્ત, નહિ. તેણે તો તેમને નગરની જાસૂસી કરવા મોકલ્યા છે, જેથી તે આપણને જીતી લે.”
૪. હાનૂને દાવિદના સંદેશકોને પકડીને તેમની દાઢી એકબાજુથી કાપી નખાવી અને કમરથી નીચેના ભાગનાં વસ્ત્ર વચ્ચોવચ્ચથી ફાડી નખાવીને તેમને મોકલી દીધા.
૫. તેમને ઘેર જતાં ઘણી શરમ લાગતી હતી. એ બનાવ વિષે સાંભળીને દાવિદે તેમના પર સંદેશો મોકલ્યો કે તેઓ યરીખોમાં જ રહે અને તેમની દાઢી વધે પછી પાછા આવે.
૬. આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.
૭. દાવિદે એ સાંભળીને યોઆબને સમગ્ર સૈન્ય લઈને તેમની સામે લડવા મોકલ્યો.
૮. આમ્મોનીઓ કૂચ કરી બહાર આવ્યા અને તેમની રાજધાની રાબ્બાના પ્રવેશદ્વારે મોરચો નાખ્યો, જ્યારે અરામીઓ, ટોબના માણસો અને માખાએ સીમના ખુલ્લા મેદાનમાં મોરચો નાખ્યો.
૯. યોઆબે જોયું કે શત્રુની લશ્કરી ટુકડીઓ સામેથી અને પાછળથી હુમલો કરશે. તેથી ઇઝરાયલી સેનામાંથી ચુનંદા સૈનિકોને અરામીઓ સામે લડવાને ગોઠવ્યા.
૧૦. પોતાની બાકીની લશ્કરી ટુકડીઓને તેણે પોતાના ભાઈ અબિશાયની સરદારી હેઠળ રાખી. તેમને આમ્મોનીઓની સામે લડવાના મોરચે રાખ્યા.
૧૧. યોઆબે તેને કહ્યું, “તને એમ ખબર પડે કે અરામીઓ મને હરાવી રહ્યા છે તો તું મારી મદદે આવજે અને આમ્મોનીઓ તને હરાવતાં જણાય તો હું તારી મદદે આવીશ.
૧૨. બળવાન થઈને હિમ્મત રાખજે. આપણે આપણા લોકો અને આપણા ઈશ્વરનાં શહેરો માટે ઉગ્ર જંગ ખેલીને શૌર્ય દાખવીએ. પછી જેવી પ્રભુની ઇચ્છા.”
૧૩. યોઆબ અને તેના માણસોએ હુમલો કર્યો. અને અરામીઓ ભાગ્યા.
૧૪. અરામીઓને ભાગતા જોઈને આમ્મોનીઓએ પણ અબિશાય આગળથી પીછેહઠ કરી અને નગરમાં ધૂસી ગયા. પછી યોઆબ આમ્મોનીઓ સામેની લડાઈમાંથી પાછો ફર્યો અને યરુશાલેમ ગયો.
૧૫. અરામીઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે તેથી તેમણે તેમનાં સર્વ સૈન્યો એકઠાં કર્યાં.
૧૬. યુફ્રેટિસ નદીની પૂર્વ બાજુએથી હદાદએઝેરે અરામીઓને આમંત્રણ આપ્યું. તેઓ સોબાના રાજા હદાદએઝેરના સેનાપતિ શોબાખની આગેવાની નીચે હેલામમાં આવ્યા.
૧૭. એ સાંભળીને દાવિદે ઇઝરાયલી લશ્કરની જમાવટ કરીને યર્દન નદી પાર ઊતરીને હેલામ તરફ કૂચ કરી. પછી અરામીઓએ આક્રમણ કર્યું.
૧૮. ઇઝરાયલીઓએ અરામીઓને હરાવ્યા. દાવિદે અને તેના માણસોએ સાતસો સારથિઓને અને ૪૦,૦૦૦ ઘોડેસ્વારોને મારી નાખ્યા. તેમણે શત્રુઓના સેનાપતિ શોબાખને એવો માર્યો કે તે રણક્ષેત્ર પર જ મરણ પામ્યો.
૧૯. હદાદએઝેરની સરદારી નીચેના રાજાઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે ત્યારે તેમણે તેમની સાથે સલાહશાંતિ કરી. તેમને આધીન થયા પછી આમ્મોનીઓને ફરીથી મદદ કરતાં અરામીઓ ગભરાતા.
૧. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) હે સિયોનવાસી ઈશ્વર, તમારી સમક્ષ મૌન એ પણ સ્તુતિ છે. તમારી સમક્ષ માનતાઓ પૂર્ણ કરાશે.
૩. અમારા અપરાધ અમારા પર ફાવી જાય છે; પણ તમે તેમને માફ કરો છો.
૪. જેમને તમે પસંદ કરો છો, અને તમારા પ્રાંગણમાં વસાવો છો તેમને ધન્ય છે. અમે તમારા ઘરની, તમારા પવિત્ર મંદિરની ઉત્તમ આશિષોથી સંતુષ્ટ થઈશું.
૫. હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારા ઉદ્ધારને માટે ભયાનક કામો કરીને તમે અમને ઉત્તર આપો છો. પૃથ્વીની સીમાઓએ વસેલા લોકો અને દરિયાપારના નિવાસીઓ તમારો જ આશરો લે છે.