એક વર્ષમાં બાઇબલ જુલાઈ ૧૩૨ ક્રોનિકલ્સ ૨૧:૧-૨૦૧. યહોશાફાટ રાજા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો.૨. યહૂદિયાના રાજા યહોશાફાટના પુત્ર યહોરામને છ ભાઈઓ હતા: અઝાર્યા, યહિયેલ, ઝખાર્યા, અઝાર્યાહૂ, મિખાયેલ અને શફાટયા.૩. તેમના પિતાએ પ્રત્યેક ભાઈને પુષ્કળ સોનું, ચાંદી અને અન્ય કીમતી ચીજવસ્તુઓની બક્ષિસો આપી અને દરેકને યહૂદિયાના કિલ્લાવાળાં એક એક નગર પર નીમ્યો. પણ યહોરામ જયેષ્ઠ હોવાથી યહોશાફાટે તેને રાજગાદી સોંપી.૪. રાજ્ય પર યહોરામની સત્તા જામી એટલે તેણે પોતાના સર્વ ભાઈઓ અને કેટલાક ઇઝરાયલી અધિકારીઓને પણ મારી નંખાવ્યા.૫. યહોરામ બત્રીસ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું.૬. તે ઇઝરાયલના રાજાઓને અનુસર્યો અને આહાબ રાજાના કુટુંબીજનોની જેમ વર્ત્યો. કારણ, તેણે આહાબની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તેણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું,૭. પણ પ્રભુ દાવિદનો રાજવંશ ખતમ કરી નાખવા રાજી નહોતા. કારણ, તેમણે દાવિદ સાથે કરાર કર્યો હતો કે, “હું તારા વંશમાં રાજવારસરૂપી દીવો સતત સળગતો રાખીશ.”૮. યહોરામના અમલ દરમ્યાન અદોમે યહૂદિયા સામે બળવો પોકારીને પોતાનો આગવો રાજા ઠરાવ્યો.૯. તેથી યહોરામ અને તેના સેનાધિકારીઓએ રથો સહિત અદોમ પર આક્રમણ કર્યું. અદોમીઓએ તેમને ઘેરી લીધા, પણ તેઓ રાત્રે ભંગાણ પાડી નાસી છૂટયા.૧૦. આમ, અદોમે યહૂદિયાની તાબેદારી ફગાવી દીધી અને ત્યારથી અદોમ સ્વતંત્ર રાજ્ય રહ્યું છે. એ જ સમયે લિબ્નાહ નગરે પણ બંડ કર્યું. કારણ, યહોરામે, પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હતો.૧૧. વળી, તેણે યહૂદિયાના ઉચ્ચપ્રદેશમાં પૂજાનાં ઉચ્ચસ્થાનો પણ બાંધ્યાં અને એમ યહૂદિયા અને યરુશાલેમના લોકોને મૂર્તિપૂજા કરાવીને તેમને પ્રભુથી દૂર ભટકાવી દીધા.૧૨. સંદેશવાહક એલિયાએ યહોરામને પાઠવેલા પત્રમાં આમ લખ્યું હતું: “તમારા પૂર્વજ દાવિદના ઈશ્વર પ્રભુ તમને દોષિત ઠરાવે છે; કારણ, તમે તમારા પિતા યહોશાફાટ રાજા અથવા તમારા દાદા આસાનો નમૂનો અનુસર્યા નથી.૧૩. એને બદલે, તમે ઇઝરાયલના રાજાઓનું અનુકરણ કર્યું છે અને આહાબ તથા તેના અનુગામીઓએ ઇઝરાયલના લોકોને ઈશ્વર પ્રત્યે બેવફા બનાવ્યા, તેમ તમે પણ યહૂદિયા અને યરુશાલેમના લોકોને ઈશ્વર વિરુદ્ધ બેવફાદારીમાં દોર્યા છે. તમે તમારા કરતાં સારા એવા તમારા પિતૃપક્ષના ભાઈઓને મારી નાખ્યા છે.૧૪. પરિણામે, પ્રભુ તમારા લોકને, તમારાં સંતાનોને અને તમારી પત્નીઓને ભારે સજા કરશે અને તમારી બધી માલમિલક્તનો નાશ કરશે.૧૫. તમને આંતરડાંનો અસાય રોગ લાગુ પડશે. એ રોગ વધી જતાં છેવટે તમારાં આંતરડાં બહાર નીકળી પડશે.”૧૬. સમુદ્રકિનારે વસેલા કેટલાક કૂશીઓની નજીક કેટલાક પલિસ્તીઓ અને આરબો પણ રહેતા હતા. પ્રભુએ તેમને યહોરામ વિરુદ્ધ લડવા જવા ઉશ્કેર્યા.૧૭. તેમણે યહૂદિયા પર હુમલો કર્યો, રાજમહેલ લૂંટયો અને રાજાની બધી પત્નીઓને અને સૌથી નાના પુત્ર અહાઝયા સિવાયના બધા પુત્રોને કેદ કરી લઈ ગયા.૧૮. એ બનાવો પછી પ્રભુએ રાજાને આંતરડાનો ભારે દુ:ખદાયક રોગ લાગુ પાડયો.૧૯. લગભગ બે વર્ષ સુધી એ રોગ ઉગ્ર બનતો રહ્યો; રાજાના આંતરડાં બહાર નીકળી પડયાં તેના લોકે તેના પૂર્વજોના સંબંધમાં જેમ કર્યું હતું તેમ તેને માટે શોકદર્શક અગ્નિ પ્રગટાવ્યો નહિ.૨૦. યહોરામ બત્રીસ વર્ષની વયે રાજા થયો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. તેના મરણ પર કોઈએ શોક પાળ્યો નહિ. તેમણે તેને દાવિદનગરમાં દફનાવ્યો, પણ રાજવી કબરમાં નહિ.૨ ક્રોનિકલ્સ ૨૨:૧-૧૨૧. કેટલાક આરબોની દોરવણી હેઠળ થયેલા હુમલામાં યહોરામ રાજાના સૌથી નાના પુત્ર અહાઝયા સિવાય અન્ય બધા વડા પુત્રો છાવણીમાં માર્યા ગયા હતા. તેથી યહોરામ પછી તેનો પુત્ર અહાઝયા યહૂદિયાનો રાજા બન્યો.૨. અહાઝયા બાવીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. અહાઝયાએ પણ આહાબ રાજાના કુટુંબનું અનુકરણ કર્યું; કારણ, તેની માતા અથાલ્યા આહાબ રાજાની પુત્રી અને ઇઝરાયલના રાજા ઓમ્રીની પૌત્રી હતી અને તે અહાઝયાને દુષ્ટ સલાહ આપતી.૩. ૪. આહાબના રાજકુટુંબને અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું, કારણ, તેના પિતાના મરણ બાદ આહાબ રાજાના કુટુંબના બીજા સભ્યો પણ તેના સલાહકારો હતા અને એને લીધે તેનું પતન થયું.૫. તેમની સલાહ માનીને તે ઇઝરાયલના રાજા યોરામના પક્ષે અરામના રાજા હઝાએલની સામે યુદ્ધમાં ગયો. ગિલ્યાદમાંના રામોથ આગળ સૈન્યો ટકરાયાં અને એ લડાઈમાં યોરામ ઘવાયો.૬. પોતાને પડેલા ઘામાંથી સાજો થવા તે યિઝએલ નગરમાં પાછો ફર્યો અને અહાઝયા ત્યાં તેની મુલાકાતે ગયો.૭. અહાઝયાએ લીધેલી યોરામની એ મુલાકાતનો ઈશ્વરે અહાઝયાની પાયમાલી અર્થે ઉપયોગ કર્યો. તે ત્યાં હતો ત્યારે તેને અને યોરામને નિમ્શીના પુત્ર યેહૂનો ભેટો થઈ ગયો. પ્રભુએ તેને આહાબના રાજવંશનો ઉચ્છેદ કરવા પસંદ કર્યો હતો.૮. યેહૂ આહાબના રાજવંશ પરની ઈશ્વરની સજાનો અમલ કરી રહ્યો હતો ત્યારે અહાઝયાની મુલાકાત વખતે તેની સાથે આવેલ યહૂદિયાના આગેવાનો અને અહાઝયાના ભત્રીજાઓનો ભેટો થઈ ગયો. યેહૂએ એ સૌને મારી નાખ્યા.૯. યેહૂના માણસોએ અહાઝયાની શોધ ચલાવી તો તે સમરુનમાં સંતાયેલો પકડાયો. તેઓ તેને યેહૂ પાસે લઈ ગયા અને તેને મારી નાખ્યો, પણ પ્રભુ પ્રત્યે અંતરની સાચી નિષ્ઠા દાખવનાર તેના દાદા યહોશાફાટ પ્રત્યેના સન્માનને લીધે તેમણે તેને દફનાવ્યો. હવે અહાઝયાના કુટુંબમાં કોઈ રાજ કરનાર રહ્યું નહિ.૧૦. પોતાનો પુત્ર માર્યો ગયો છે એવું સાંભળતાં જ અહાઝયા રાજાની માતા અથાલ્યાએ યહૂદિયાના સર્વ રાજકુંવરોનો નાશ કરવા હુકમ આપ્યો.૧૧. પણ યહોરામની પુત્રી યહોશેબા અહાઝયાની સાવકીબહેન હતી. તેનાં લગ્ન યહોયાદા યજ્ઞકાર સાથે થયાં હતાં. તેણે ગુપ્ત રીતે અહાઝયાના એક પુત્ર યોઆશને બચાવી લીધો. માર્યા જનારા રાજકુમારો પાસેથી તેને લઈ જઈને તેણે તેને તથા તેની ધાવને મંદિરના શયનખંડમાં સંતાડી દીધાં અને અથાલ્યાને હાથે માર્યો જતો બચાવી લીધો.૧૨. પછી અથાલ્યા રાજ કરતી હતી ત્યાં સુધી યોઆશને પોતાની સાથે પ્રભુના મંદિરમાં છ વર્ષ સુધી સંતાડી રાખ્યો.ગીતશાસ્ત્ર ૮૩:૧-૮૧. (આસાફનું ગીત) હે ઈશ્વર, તમે મૌન ન રહો. હે ઈશ્વર, તમે શાંત ન રહો; તમે ચૂપ ન રહો.૨. જુઓ, તમારા શત્રુઓએ બંડ મચાવ્યું છે, અને તમારા દ્વેષીઓએ વિદ્રોહમાં માથાં ઉઠાવ્યાં છે.૩. તેઓ તમારા લોક વિરુદ્ધ ષડયંત્રો રચે છે, અને તમારા સંરક્ષિત લોક વિરુદ્ધ કાવતરાં કરે છે.૪. તેઓ કહે છે, “ચાલો, આપણે તેમને એક પ્રજા તરીકે મિટાવી દઈએ જેથી ઇઝરાયલ પ્રજાના નામનું સ્મરણ સુદ્ધાં ન રહે.”૫. શત્રુઓ એકમનના થઈ મસલત કરે છે; તેઓ તમારી વિરુદ્ધ એક થવા સંધિ-કરાર કરે છે.૬. તંબૂવાસી અદોમીઓ અને ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,૭. ગબાલ નગરના લોકો, આમ્મોનીઓ અને અમાલેકીઓ, પલિસ્તીઓ અને તૂર નગરના નિવાસીઓ સાથે છે.૮. આશ્શૂર દેશ પણ તેમની સાથે જોડાયો છે. તેઓ લોતના વંશજો આમ્મોનીઓ અને મોઆબીઓના સમર્થ મળતિયા બન્યા છે. (સેલાહ)ઉકિતઓ ૨૧:૧-૧૧. રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.અધિનિયમો ૧૭:૧૬-૩૪૧૬. પાઉલ સિલાસ અને તિમોથીની રાહ જોતો હતો. તેવામાં શહેરમાં અસંખ્ય મૂર્તિઓ જોઈને પાઉલનો જીવ અકળાઈ ઊઠયો.૧૭. તેથી તેણે ભજનસ્થાનમાં યહૂદીઓ સાથે, ઈશ્વરની ભક્તિ કરનાર ગ્રીકો સાથે અને જાહેરસ્થાનોમાં રોજરોજ એકત્ર થતા લોકો સાથે વાદવિવાદ કર્યો.૧૮. એપીકાયુરિયન અને સ્ટોઈક મતના કેટલાક ફિલસૂફોએ પણ તેની સાથે વાદવિવાદ કર્યો. કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહે છે?” બીજાઓએ કહ્યું, “તે કોઈ પરદેશી દેવદેવી સંબંધી બોલતો લાગે છે.” ઈસુ અને તેમના સજીવન થવા વિષે પાઉલ ઉપદેશ કરતો હોવાથી તેઓ એવું બોલ્યા.૧૯. તેથી તેઓ પાઉલને લઈને એરિયોપાગસના સભાગૃહમાં આવ્યા અને કહ્યું, “તું જે નવા શિક્ષણ વિષે બોલે છે તે વિષે અમારે વધારે જાણવું છે.૨૦. તારી પાસેથી જે વાતો અમે સાંભળીએ છીએ તેમાંની કેટલીક અમને વિચિત્ર લાગે છે અને અમે તેનો અર્થ જાણવા માગીએ છીએ.”૨૧. એથેન્સના સર્વ નાગરિકો અને ત્યાં વસતા પરદેશીઓ તેમનો બધો સમય નવી વિચારસરણીની ચર્ચા કરવામાં ગાળતા.૨૨. પાઉલ એરિયોપાગસના સભાગૃહના પ્રાંગણમાં ઊભો રહ્યો અને કહ્યું, “એથેન્સવાસીઓ! તમે સર્વ રીતે ખૂબ જ ધાર્મિક છો.૨૩. કારણ, તમારા શહેરમાંથી પસાર થતાં હું તમારાં ભજનસ્થાનો જોતો હતો. ત્યારે મેં એક એવી પણ વેદી જોઈ કે જેના પર “અજાણ્યા દેવના ભજન માટે.” એવો લેખ કોતરેલો હતો.૨૪. પણ દુનિયા અને તેની અંદરનું સર્વસ્વ ઉત્પન્ન કરનાર ઈશ્વર આકાશ તથા પૃથ્વીના પ્રભુ છે, અને તે માણસોએ બાંધેલાં મંદિરોમાં રહેતા નથી.૨૫. વળી, માણસોની મદદની તેમને કંઈ જરૂર નથી. કારણ, તે પોતે જ બધા માણસોને જીવન, શ્વાસોચ્છ્વાસ અને સઘળું આપે છે.૨૬. એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ પેદા કરી, અને તેમને આખી પૃથ્વી પર વસાવી. તેમના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળો તેમણે પોતે અગાઉથી નક્કી કર્યાં હતાં.૨૭. તેમણે એટલા માટે એવું કર્યું કે પ્રજાઓ તેમની શોધ કરે અને તેમની હાજરીનો અનુભવ કરતાં કદાચ તેમને પ્રાપ્ત કરે. છતાં હકીક્તમાં ઈશ્વર આપણામાંનાં કોઈથી દૂર નથી.૨૮. જેમ કોઈકે કહ્યું છે તેમ, ‘તેમનામાં આપણે જીવીએ છીએ, હરીએફરીએ છીએ અને આપણું અસ્તિત્વ ધરાવીએ છીએ.’ વળી, તમારા કવિઓમાંથી જ કોઈકે કહ્યું છે, ‘આપણે તેમનાં જ સંતાનો છીએ.’૨૯. “આપણે ઈશ્વરનાં સંતાન હોવાથી એવું ન ધારવું જોઈએ કે માણસે પોતાની કલ્પના અને કળાકૌશલ્યથી બનાવેલી સોના, રૂપા કે પથ્થરમાંથી ઘડેલી પ્રતિમા જેવું તેમનું સ્વરૂપ છે.૩૦. માણસના અજ્ઞાનપણાના સમયોમાં ઈશ્વરે એ ચલાવી લીધું, પણ હવે તે સર્વ જગ્યાએ વસતા માણસોને પોતાના બધા દુષ્ટ માર્ગોથી પાછા ફરવા આજ્ઞા કરે છે.૩૧. કારણ, તેમણે પસંદ કરેલા એક માણસ દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે તેમણે એક દિવસ નક્કી કર્યો છે. એ માણસને મરણમાંથી સજીવન કરીને તેમણે સૌની સમક્ષ એ વાતની સાબિતી આપી છે.”૩૨. મરણમાંથી સજીવન થવા અંગે પાઉલને બોલતો સાંભળીને કેટલાકે તેની મશ્કરી ઉડાવી. પણ કેટલાકે કહ્યું, “આ અંગે ફરીથી અમે તારી પાસેથી સાંભળવા માગીએ છીએ.”૩૩. એમ પાઉલ સભામાંથી જતો રહ્યો.૩૪. કેટલાક માણસો તેની સાથે જોડાયા અને વિશ્વાસ કર્યો; તેમાં એરિયોપાગસનો સભ્ય ડાયનીસીયસ, હેમેરિયસ નામની એક સ્ત્રી અને બીજા કેટલાક હતા. Gujarati Bible 2016 (GUCL) Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L. Copyright © 2016 by The Bible Society of India Used by permission. worldwide