એક વર્ષમાં બાઇબલ
ઓગસ્ટ ૧૬

૧. તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું,
૨. “આજે પણ મારી ફરિયાદ વિદ્રોહભરી છે; કારણ, હું કણસું છું તો પણ તે મને કચડે છે.
૩. ઈશ્વરને ક્યાં શોધવા એ હું જાણતો હોત તો કેવું સારું! તો તો હું તેમના આસને પહોંચી,
૪. તેમની સમક્ષ મારો દાવો ક્રમશ: રજૂ કરત, અને દલીલોથી મારું મોં ભરી દેત.
૫. તે મને કેવા શબ્દોમાં ઉત્તર આપે છે તેની ખબર પડત, અને તે શું કહે છે તેની સમજ પડત.
૬. શું ઈશ્વર પોતાના પૂરા જોરથી મારી સાથે વિવાદ કરત? ના, ના, તે તો જરૂર મારી વાત લક્ષમાં લેત.
૭. ત્યાં તેમની સમક્ષ પ્રામાણિક માણસ ચર્ચા કરી શકે છે, અને તેથી હું મારા ન્યાયાધીશની સમક્ષ કાયમને માટે નિર્દોષ ઠરત.
૮. મેં પૂર્વમાં તેમની તપાસ કરી, પણ ઈશ્વર ત્યાં નથી, પશ્ર્વિમમાં ગયો, પણ તેમનો અણસાર મળ્યો નથી;
૯. ઉત્તરમાં શોધું, તોપણ તે ત્યાં દેખાતા નથી; દક્ષિણમાં ફરી વળું પણ તે મને જડતા નથી.
૧૦. પરંતુ ઈશ્વર તો મારી ચાલચલગત બરાબર જાણે છે, અને તે મારી ક્સોટી કરશે ત્યારે હું સોનાની જેમ ચળકી ઊઠીશ.
૧૧. હું તેમને પગલે પગલે જ ચાલ્યો છું, અને તેમના માર્ગમાંથી આમતેમ ભટકી ગયો નથી.
૧૨. તેમના મુખની આજ્ઞાઓ મેં તરછોડી નથી. તેમના મુખના શબ્દો મેં મારા અંતરમાં ખજાનાની જેમ સંઘર્યા છે.
૧૩. તે નિર્ણય લે તો કોણ બદલી શકે? તે જે ચાહે છે, તે જ તે કરે છે.
૧૪. પછી તે મારે માટે ઠરાવેલો ચુકાદો જાહેર કરશે; એમના મનમાં તો એવી ઘણી બાબતો સંઘરેલી હશે.
૧૫. તેથી તો તેમની રૂબરૂ જવાની વાતથી હું ભયભીત થાઉં છું, અને એ વિષે વિચારું છું ત્યારે ધ્રૂજી ઊઠું છું.
૧૬. ઈશ્વરે મારા દિલને હતાશ કરી દીધું છે, અને સર્વસમર્થે મને ગભરાવ્યો છે.
૧૭. ઘોર અંધકારે મારા ચહેરાને ઢાંકી દીધો છે, તેમ છતાં અંધકારે મને નષ્ટ કર્યો નથી!”
૧. “સર્વસમર્થ શા માટે ન્યાયનો સમય ઠરાવતા નથી? શા માટે તેમના ભક્તો ન્યાયના દિવસો જોતા નથી?
૨. દુષ્ટો જમીનની હદ દર્શાવતા પથ્થરો ખસેડે છે, અને બીજાંનાં ઘેટાં ચોરી લઈને પોતાના ટોળામાં સમાવી દે છે.
૩. તેઓ અનાથોનાં ગધેડાં હાંકી જાય છે અને વિધવાના બળદને ગીરવે રાખે છે.
૪. તેઓ કંગાલોને માર્ગમાંથી હડસેલી કાઢે છે, અને ગ્રામ્ય દરિદ્રીઓને સંતાવાની ફરજ પાડે છે.
૫. જેથી ગરીબો જંગલી ગધેડાની જેમ રણપ્રદેશમાં ખોરાક શોધવાના કામે જાય છે, અને તેઓ વગડામાં પોતાનાં બાળકો માટે આહાર શોધે છે.
૬. તેઓ શોષણખોરોના ખેતરોમાં ઘાસ કાપે છે, અને દુષ્ટોની દ્રાક્ષવાડીઓમાં દ્રાક્ષ વીણે છે.
૭. તેઓ આખી રાત ઓઢયા વગર ઉઘાડાં સૂઈ જાય છે, અને ઠંડીમાં પણ તેમની પાસે કંઈ ઓઢવાનું હોતું નથી.
૮. તેઓ ડુંગરાઓમાં વરસાદથી પલળી જાય છે, અને કોઈ આશરો નહિ હોવાથી ખડકની ઓથે જાય છે.
૯. દુષ્ટો ધાવતાં અનાથ બાળકોને આંચકી લે છે, અને ગરીબોનાં સંતાનોને દેવા પેટે ગીરવે રાખે છે.
૧૦. એ ગરીબો નવસ્ત્રા રખડે છે, અને અનાજના પૂળા ઊંચકનારા જ ભૂખ્યા રહે છે.
૧૧. તેઓ નીકમાં ઓલિવ તેલ પીલે છે; તેઓ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષ ખૂંદે છે, છતાં તરસ્યા રહે છે.
૧૨. નગરમાં મરવા પડેલા લોકો કણસે છે, અને મરણતોલ ઘવાયેલાંના ગળાં ચીસો પાડે છે; તો પણ ઈશ્વર તે અન્યાયને ધ્યાનમાં લેતા નથી.
૧૩. દુષ્ટો પ્રકાશની વિરુદ્ધ બંડ પોકારે છે, અને તેમને પ્રકાશના માર્ગની જાણ નથી; અને એ માર્ગમાં તેઓ ટકી શક્તા નથી.
૧૪. નિર્બળ અને લાચાર ગરીબની હત્યા કરવા ખૂની પરોઢિયે જ ઊઠી જાય છે, અને પાછા રાત્રે ચોરી કરે છે.
૧૫. વ્યભિચારીની આંખ સાંજના અંધારાની વાટ જુએ છે. એ વિચારે છે કે કોઈ મને જોશે નહિ. વળી, તે પોતાનું મોં ઢાંકવા બુકાની બાંધે છે.
૧૬. તેઓ રાત્રે ઘરોમાં ખાતર પાડે છે, અને દિવસે બંધબારણે ભરાઈ રહે છે; તેઓ અજવાળાને ઓળખતા જ નથી.
૧૭. કારણ, ઘોર અંધકાર તેમને માટે સવાર જેવો છે, અને તેઓ અંધકારભર્યા આંતકના મિત્રો છે.”
૧૮. “દુષ્ટો પૂરના સપાટે તણાઈ જાય છે, અને તેમના હિસ્સાની જમીન શાપિત હોય છે; અને તેમની દ્રાક્ષવાડી તરફ કોઈ વળતું નથી.
૧૯. જેમ ગરમી અને અનાવૃષ્ટિમાં બરફનાં પાણી પણ શોષાઈ જાય છે, તેમ મૃત્યુલોક શેઓલ પાપીઓને ગળી જાય છે.
૨૦. દુષ્ટને તેની જનેતા પણ ભૂલી જાય છે; કીડા તેને કોતરી ખાય છે, કોઈ તેને યાદ કરતું નથી અને સડેલા વૃક્ષની જેમ તે નાશ પામે છે.
૨૧. કારણ, વાંઝણી નિ:સંતાન સ્ત્રીઓને તેણે ફોલી ખાધી હતી, અને કોઈ વિધવાનું ભલું કર્યું નથી.
૨૨. પરંતુ ઈશ્વર પોતાની શક્તિથી જુલમીઓને અંકુશમાં લે છે; ઈશ્વર ઊઠે છે એટલે તેમનાં જીવન સલામત રહેતાં નથી.
૨૩. ઈશ્વરે જ તેમને સલામત રાખ્યા અને સદ્ધર કર્યા; પણ ઈશ્વરની આંખો સતત તેમની ચાલચલગત પર હોય છે.
૨૪. અલ્પ સમય માટે તેઓ ઊગી નીકળે છે, પણ પછી નષ્ટ થાય છે; નકામા છોડની જેમ તેઓ કરમાઈ જાય છે; તેઓ ધાન્યના કણસલાંની જેમ કપાઈ જાય છે.
૨૫. આ જો એમ ન હોય તો કોઈ મને જૂઠો સાબિત કરે; અને મારા શબ્દોમાં કંઈ તથ્ય નથી એ પુરવાર કરે.”
૧. તે પછી બિલ્દાદ શૂહીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું;
૨. “ઈશ્વર સર્વશક્તિમાન છે, સૌ તેમનો આદરયુક્ત ભય રાખે; તે પોતાનાં સર્વોચ્ચ સ્થાનોમાં શાંતિ પ્રવર્તાવે છે.
૩. તેમનાં સ્વર્ગી સૈન્યોની કોઈ ગણતરી છે? તેમનો પ્રકાશ કોના પર પથરાતો નથી?
૪. તો ઈશ્વર સમક્ષ કોઈ માણસ કેવી રીતે નિર્દોષ ઠરી શકે? કયો સ્ત્રીજન્ય તેમની દષ્ટિમાં વિશુદ્ધ સાબિત થાય?
૫. ઈશ્વરની દષ્ટિમાં તો ચંદ્ર પણ નિસ્તેજ છે, અને તારાઓ પણ નિર્મળ નથી.
૬. તો પછી ઈયળસમાન મનુષ્ય અને કીડાસમાન માણસની શી વિસાત?”
૭. હે સર્વ પ્રજાઓનાં કુળો, પ્રભુને મહાન માનો; તેમનાં ગૌરવ અને સામર્થ્યનો સ્વીકાર કરો!
૮. પ્રભુના મહાન નામને છાજે એવી એમની સ્તુતિ કરો; અર્પણો લઈને તેમના મંદિરના આંગણામાં આવો!
૯. ગૌરવ અને શોભાનાં પવિત્ર વસ્ત્ર પહેરીને પ્રભુને ભજો; આખી પૃથ્વીના લોકો તેમની આગળ ધ્રૂજી ઊઠો.
૧૦. સર્વ દેશોને કહો કે, પ્રભુ રાજ કરે છે, તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે, અને તે વિચલિત થશે નહિ; તે નિષ્પક્ષપાતપણે લોકોનો ન્યાય કરશે.
૯. મૂર્ખના સાંભળતા કશી વાત ન કર; કારણ, તારા શાણપણભર્યા શબ્દોને તે તુચ્છ ગણશે.
૧. આપણે જેઓ વિશ્વાસમાં દૃઢ છીએ, તેમણે નિર્બળોને તેમના બોજ ઊંચકવામાં મદદ કરવી જોઈએ. આપણે માત્ર આપણને પોતાને જ સંતુષ્ટ રાખવા તરફ લક્ષ રાખવું ન જોઈએ.
૨. એને બદલે, આપણે સૌએ આપણા ભાઈની ઉન્‍નતિ કરવા માટે તે સંતુષ્ઠ રહે એ વાત લક્ષમાં રાખવાનો યત્ન કરવો જોઈએ.
૩. ખ્રિસ્તે પણ પોતાની જ સંતુષ્ટતા લક્ષમાં રાખી નહોતી. શાસ્ત્રમાં લખેલું છે, “તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી.”
૪. શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું છે, તે તો આપણને શિક્ષણ આપવા માટે છે; જેથી શાસ્ત્રમાંથી મળતાં ધીરજ અને પ્રોત્સાહનથી આપણામાં આશા ઉત્પન્‍ન થાય.
૫. તમે ખ્રિસ્તના નમૂનાને અનુસરો અને એમ તમારામાં એક્સરખી વિચારસરણી રાખી શકો તે માટે ધીરજ તથા પ્રોત્સાહનના દાતા ઈશ્વર તમને સહાય કરો;
૬. એ માટે કે તમે બધા સાથે મળીને એકી અવાજે ઈશ્વર એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાની સ્તુતિ કરો.
૭. જેમ ખ્રિસ્તે તમારો સ્વીકાર કર્યો, તેમ તમે ઈશ્વરના મહિમાને અર્થે એકબીજાનો સ્વીકાર કરો.
૮. ખ્રિસ્ત યહૂદીઓના સેવક બન્યા; જેથી આદિપૂર્વજોને આપેલાં ઈશ્વરનાં વચનો સાચાં ઠરે અને એમ ઈશ્વર વિશ્વાસુ છે એ વાત પુરવાર થાય.
૯. વળી, બિનયહૂદીઓ પણ ઈશ્વરની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખેલું છે: “માટે હું બિનયહૂદીઓમાં તમારી સ્તુતિ કરીશ, અને તમારા નામનાં સ્તોત્રો ગાઈશ.”
૧૦. વળી, તે કહે છે: “ઓ બિનયહૂદીઓ, ઈશ્વરના પસંદ કરાયેલા લોકની સાથે આનંદ કરો.”
૧૧. વળી, “ઓ સર્વ બિનયહૂદીઓ, પ્રભુની સ્તુતિ કરો, અને બધા લોકો તેમની મોટેથી સ્તુતિ કરો.”
૧૨. યશાયાએ લખેલું છે: “યિશાઈનો વંશજ આવશે, તેને બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને ઊભો કરવામાં આવશે, અને તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.”
૧૩. હવે ઈશ્વર, જે આશાનું મૂળ છે, તે તેમના પરના તમારા વિશ્વાસની મારફતે તમને આનંદ તથા શાંતિથી ભરી દો; જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા સતત વૃદ્ધિ પામતી જાય.
૧૪. મારા ભાઈઓ, તમારે વિષે મને પૂરી ખાતરી છે કે તમે ભલાઈથી ભરેલા છો. તમે સર્વ જ્ઞાનથી સંપન્‍ન છો. તમે એકબીજાને શીખવી શકો તેવા છો.
૧૫. પરંતુ આ પત્રમાં કેટલાક વિષયો અંગે મેં બહુ સ્પષ્ટ વાત કરી છે. હવે હું તમને એ યાદ દેવડાવવા માગું છું કે ઈશ્વરે મને આપેલા હક્કને આધારે હું સ્પષ્ટ રીતે લખું છું.
૧૬. ઈસુ ખ્રિસ્તના સેવક તરીકે મને બિનયહૂદીઓ મયે ક્મ કરવાનો હક્ક મળેલો છે. ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરીને હું યજ્ઞકારનું ક્મ કરું છું, જેથી પવિત્ર આત્માની મારફતે ખ્રિસ્તી થયેલા બિનયહૂદીઓ ઈશ્વરને માન્ય અર્પણ થાય,
૧૭. અને એમ ઈસુ ખ્રિસ્તમાં મેળવાયો હોવાથી હું ઈશ્વરની જે સેવા કરું છું તેનો ગર્વ લઈ શકું.
૧૮. હું તો તમને ખ્રિસ્તે મારા દ્વારા કરેલું કાર્ય હિંમતથી જણાવીશ.
૧૯. તે આવું છે: વાણીથી અને કાર્યોથી, ચિહ્નોથી, ચમત્કારોથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી બિનયહૂદીઓ ઈશ્વરને આધીન થયા છે. યરુશાલેમથી ઈલુરીકમ સુધી ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે.
૨૦. જ્યાં ખ્રિસ્તનું નામ કદી યે સાંભળવામાં આવ્યું ન હોય, તેવી જગ્યાઓમાં શુભસંદેશ પ્રગટ કરવાની મારી મહત્ત્વાક્ંક્ષા છે. કારણ, મારે બીજાના પાયા ઉપર બાંધક્મ કરવું નથી.
૨૧. શાસ્ત્રમાં લખેલું છે: “જેમને તેમના સંબંધીના સમાચાર આપવામાં આવ્યા નહોતા, તેઓ જોશે; અને જેમણે સાંભળ્યું નહોતું, તેઓ સમજશે.”
૨૨. એ કારણને લીધે તમારી મુલાકાત લેવાનું અટવાઈ પડયું છે.
૨૩. હવે આ પ્રદેશોમાં મેં મારું કાર્ય પૂરું કર્યું છે.
૨૪. ઘણા વર્ષોથી હું તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી રહ્યો છું. સ્પેન જતી વખતે હું તમને મળવાની આશા રાખું છું. તમારી મુલાકાતથી મળતો આનંદ તથા તમારી મદદ મેળવીને હું સ્પેન જવા વિદાય થઈશ.
Gujarati Bible 2016 (GUCL)
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L. 2016 by The Bible Society of India Used by permission. worldwide