એક વર્ષમાં બાઇબલ ઓગસ્ટ ૯જોબ ૯:૧-૩૫૧. તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું;૨. અલબત્ત, એ બધું તો હું જાણું છું, પરંતુ માણસ ઈશ્વર સમક્ષ કઈ રીતે નિર્દોષ ઠરી શકે?૩. જો કોઈ તેમની સાથે વિવાદ કરવા ચાહે તો તેમના હજારમાંથી એકપણ પ્રશ્ર્નનો ઉત્તર કોણ આપી શકે?૪. એ તો સર્વજ્ઞ અને સર્વસમર્થ છે; તેમની સામે પડીને કોણ સફળ થઈ શકે?૫. તે પહાડોને અચાનક ખસેડી નાખે છે, અને પોતાના કોપમાં તેમને ઉથલાવી નાખે છે.૬. તે ધરતીને તેના સ્થાનમાંથી હચમચાવે છે અને પૃથ્વીના આધારસ્તંભો કંપે છે.૭. તે સૂર્યને આજ્ઞા કરે તો તે ઊગતો નથી અને તે તારાગણનો પ્રકાશ રોકી દે છે.૮. તે એકલે હાથે આકાશોને વિસ્તારે છે, અને સમુદ્રનાં મોજાં ખૂંદી નાખે છે.૯. સપ્તર્ષિ, મૃગશીર્ષ, કૃત્તિકાનાં નક્ષત્રો અને દક્ષિણના તારાગણોના તે સર્જનહાર છે.૧૦. ઈશ્વરનાં કાર્યો મહાન અને અગમ્ય છે; તેમના અજાયબ ચમત્કારો અગણિત છે.૧૧. ઈશ્વર મારી નજીકથી પસાર થાય તો પણ હું તેમને જોતો નથી. તે મારી આગળ જાય તો પણ મને દેખાતા નથી.૧૨. જો તે કંઈ ઝૂંટવી લેવા માગે તો પણ તેમને કોણ અટકાવી શકે? અથવા ‘આ શું કરી રહ્યા છો?’ એમ કહેવાની હિંમત કોણ કરી શકે?૧૩. કોઈ આવા ઈશ્વરનો કોપ પાછો વાળી શકે નહિ. અરે, જળરાક્ષસ રાહાબના સાથીદારો પણ તેમનાં ચરણો નીચે કચડાયેલા છે.૧૪. તો પછી હું કોણ કે તેમને યોગ્ય જવાબ આપી શકું, અને મારી દલીલો રજૂ કરી શકું?૧૫. જો હું નિર્દોષ હોઉં તો પણ તેમની આગળ હું દલીલ નહિ કરું; મારા ન્યાયાધીશ ઈશ્વર પાસે તો માત્ર ક્ષમાની યાચના જ કરું!૧૬. જો તે મારી વિનંતીથી હાજર થયા હોત, તો પણ તેમણે મારી ફરિયાદ સાંભળી હોત કે કેમ તે માન્યામાં આવતું નથી.૧૭. તે તો મને ઝંઝાવાતથી કચડી નાખે છે અને વિનાકારણ મારા ઘા વધારે છે.૧૮. તે મને શ્વાસ પણ લેવા દેતા નથી અને તે મારા જીવને કડવાશથી ભરી દે છે.૧૯. જો હું તેમની સામે બળનો પ્રયોગ કરું, તો જુઓ, તે તો કેવા બળવાન છે! જો હું તેમના પર દાવો માંડુ, તો કોણ તેમને હાજર થવા ફરમાવે?૨૦. કદાપિ હું નિર્દોષ હોઉં તો પણ મારા જ મુખે તે મને દોષિત ઠરાવે! કદાપિ હું ભોળો હોઉ તો પણ તે મને કુટિલ ઠરાવે!૨૧. હું નિર્દોષ છું. હવે મને મારી જાતની દરકાર નથી. કારણ, આ જિંદગીથી હું ત્રાસી ગયો છું.૨૨. એ બધું એકનું એક છે, તેથી હું બોલી ઊઠું છું: ‘ઈશ્વર નિર્દોષ કે અપરાધી સૌનો નાશ કરે છે!’૨૩. જ્યારે કોઈ કુદરતી આફત મૃત્યુ લાવે છે ત્યારે નિર્દોષ જનોની અવદશાની તે મજાક ઉડાવે છે.૨૪. જ્યારે કોઈ દેશ દુષ્ટોના હાથમાં પડે છે ત્યારે ઈશ્વર તેના ન્યાયાધીશોને અંધ બનાવે છે. એવું કરનાર ઈશ્વર વિના બીજું કોણ હોય?૨૫. મારા દિવસો ઝડપી ખેપિયા કરતાંય વિશેષ વેગે પસાર થાય છે; તેઓ ઊડી જાય છે અને એમાં સુખની ઝાંખી સરખી ય નથી.૨૬. પાણીમાં સરક્તી બરુની હલકી હોડીઓની જેમ, અને શિકાર પર તરાપ મારતા ગરૂડની જેમ તેઓ વેગે ચાલ્યા જાય છે.૨૭. જો હું મારી વિપત્તિને વીસરી જવાનો પ્રયત્ન કરું, જો મારી ઉદાસીનતા દબાવી દઈ હસમુખો દેખાવાનો યત્ન કરું,૨૮. તો મારાં દુ:ખો મને ડરાવે છે! કારણ, મને ખાતરી છે કે તમે મને નિર્દોષ ગણવાના નથી.૨૯. જો હું દોષિત ઠરવાનો જ હોઉં તો મારે શા માટે નકામી મહેનત કરવી?૩૦. જો હું ગાળેલા શુદ્ધ પાણીથી સ્નાન કરું, અને ઘસી ઘસીને મારા હાથ સાફ કરું,૩૧. તો પણ તમે મને કીચડમાં જ રગદોળશો, અને મારાં મલીન વસ્ત્રો પણ મને ધૂત્કારશે.૩૨. ઈશ્વર કંઈ માણસ નથી કે હું તેમને પડકારું કે, “તો ચાલો, અદાલતે જઈને ન્યાય મેળવીએ!”૩૩. અમારા બન્ને વચ્ચે કોઈ મયસ્થ પણ નથી કે, જે અમારા બન્ને પર હાથ મૂકીને સમાધાન કરાવે.૩૪. હે ઈશ્વર, તમારી સોટી મારાથી દૂર રાખો, અને મને ડરાવો નહિ.૩૫. ત્યારે તો હું નિર્ભયતાથી બોલીશ; કારણ, હું જાતે કંઈ ગુનેગાર નથી.જોબ ૧૦:૧-૨૨૧. “મારો જીવ આ જિંદગીથી ત્રાસી ગયો છે; તેથી હું મારી ફરિયાદનો ઊભરો ઠાલવીશ; મારા અંતરની વેદનાનું વિષ ઓકીશ.૨. હું ઈશ્વરને કહીશ, મને દોષિત ઠરાવશો નહિ. મારી વિરુદ્ધનો આરોપ શો છે તે મને બતાવો.૩. જુલમ કરવો, પોતાના હાથની કૃતિને ધૂત્કારવી, દુષ્ટોની કુટિલ યોજનાઓની તરફેણ કરવી, એ બધું શું તમને શોભે છે?૪. શું તમારે ચર્મચક્ષુ છે? શું તમે માણસની જેમ જુઓ છો?૫. શું તમારા દિવસો મર્ત્ય માણસના દિવસો જેવા ટૂંકા છે? અને શું તમારાં વર્ષો મનુષ્યોનાં વર્ષો જેવાં અલ્પ છે?૬. કે તમે મારા અપરાધોની તપાસ રાખો છો અને મારાં પાપ શોધી કાઢો છો?૭. જો કે તમે તો જાણો જ છો કે હું દોષિત નથી, તો પણ તમારા હાથમાંથી કોઈ છોડાવી શકે તેમ નથી.૮. તમારા જ હાથોએ મને ઘડયો છે; તમે જ મને સર્જ્યો છે; હવે એ જ હાથે મારો વિનાશ પણ કરશો?૯. સંભારો કે તમે મને માટીમાંથી ઘડયો છે; અને હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?૧૦. તમે જ મને મારા પિતાથી પેદા કર્યો છે; અને મારી માતાના ઉદરમાં વિક્સાવ્યો છે.૧૧. તમે મને હાડકાં અને સ્નાયુઓથી ગૂંથ્યો છે, અને મને ચામડી અને માંસથી ઢાંક્યો છે.૧૨. તમે મને જીવન અને પ્રેમ આપ્યાં છે; તમે મારું જતન કર્યું છે, અને મને સંભાળ્યો છે.૧૩. છતાં હવે મને સમજાય છે કે મને દુ:ખ દેવાની યોજનાઓ તમે તમારા અંતરમાં છુપાવી હતી અને તેમને તમારા મનમાં ભરી રાખી હતી.૧૪. એટલે જ હું કંઈ પાપ કરી બેસું તેની તમે તપાસ રાખતા હતા; જેથી મારા અપરાધને લીધે તમે મને દોષિત ઠરાવી શકો.૧૫. જો હું દુષ્કર્મ કરું તો મને અફસોસ! પરંતુ જો હું નેક હોઉં તો પણ હું મારું માથું ઊંચું ઉઠાવીશ નહિ; કારણ, મારી પીડા પ્રતિ નજર કરું છું. ત્યારે હું શરમથી ઝૂકી જઉં છું.૧૬. જો હું સહેજ ઊંચો થાઉં તો તમે મારા પર સિંહની પેઠે ત્રાટકો છો, અને મારી વિરુદ્ધ તમારી અદ્ભુત શક્તિનો પરચો આપો છો.૧૭. તમે મારી વિરુદ્ધ તમારી દુશ્મનાવટ તાજી કરો છો અને મારી વિરુદ્ધ તમારો ક્રોધ સતત વધતો જાય છે અને મારા પર દુ:ખોના અવારનવાર હુમલા લાવો છો.૧૮. હે ઈશ્વર, તો પછી શા માટે તમે મને ગર્ભસ્થાનમાંથી બહાર લાવ્યા? કોઈની નજર પડે તે પહેલાં જ હું મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું!૧૯. જાણે કે હું કદી હયાત હતો જ નહિ એ રીતે ગર્ભસ્થાનમાંથી સીધો કબરસ્તાનમાં લઈ જવાયો હોત.૨૦. મારી જિંદગીના અલ્પ દિવસો પૂરા થવામાં છે માટે મારો કેડો મૂકો; થોડીવાર મને નિરાંત લેવા દો;૨૧. જ્યાંથી હું કદી પાછો ફરવાનો નથી, એવા અંધકાર અને ગમગીનીના;૨૨. જ્યાં પ્રકાશ પણ અંધકારમય છે એવા ઘોર અંધાર અને ગાઢ રાત્રિના પ્રદેશમાં હું જાઉં તે પહેલાં મને જંપવા દો.”ગીતશાસ્ત્ર ૯૩:૧-૫૧. પ્રભુ રાજ કરે છે, તેમણે ભવ્યતા પરિધાન કરી છે; પ્રભુ વિભૂષિત છે, તેમણે પરાક્રમે કમર ક્સી છે. સાચે જ તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે; તે વિચલિત થશે નહિ.૨. હે પ્રભુ, તમારું રાજ્યાસન આરંભથી અચલ છે. અનાદિકાળથી તમે હયાત છો!૩. હે પ્રભુ, સમુદ્રના પ્રવાહો મોટે અવાજે ગર્જે છે. સમુદ્રના પ્રવાહો ભયાનક મોજાં ઉછાળે છે.૪. મહાસાગરની પ્રચંડ ગર્જના કરતાં અધિક પ્રચંડ અને સાગરનાં મોજાં કરતાં વધુ શક્તિશાળી તેવા પ્રભુ આકાશોમાં સર્વોપરી છે.૫. તમારી આજ્ઞાઓ અફર છે; હે પ્રભુ, પવિત્રતા તમારા મંદિરને સદા સર્વકાળ શોભાવે છે.ઉકિતઓ ૨૨:૨૨-૨૩૨૨. ગરીબની લાચારીનો ગેરલાભ ઉઠાવીશ નહિ, અને ન્યાયસભામાં જુલમપીડિતો પર અત્યાચાર કરીશ નહિ.૨૩. કારણ, પ્રભુ પોતે તેમનો પક્ષ લઈને લડશે, અને તે તેમને લૂંટી લેનારનો જીવ છીનવી લેશે.રોમન ૯:૧૬-૩૩૧૬. આથી પસંદગીનો આધાર માણસની ઇચ્છા કે કાર્ય ઉપર નહિ, પણ ફક્ત ઈશ્વરની દયા ઉપર છે.૧૭. કારણ, શાસ્ત્રકથન ઇજિપ્તના રાજા ફેરો વિષે કહે છે: “તારી મારફતે હું મારું સામર્થ્ય દર્શાવું, અને મારું નામ આખી પૃથ્વી ઉપર જાહેર થાય, માટે મેં તને રાજા બનાવ્યો છે.”૧૮. આમ, ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કરે છે, અને કોઈનું હૃદય કઠણ કરે છે.૧૯. તમારામાંથી કદાચ કોઈ કહેશે કે, “જો એમ જ હોય, તો ઈશ્વર માણસનો વાંક કેવી રીતે કાઢી શકે? કારણ, ઈશ્વરની ઇચ્છાને કોણ અટકાવી શકે?”૨૦. મારા મિત્ર, ઈશ્વરની સામે દલીલ કરનાર તું કોણ છે? “તેં મને આવું કેમ બનાવ્યું?” એવું માટીનું પાત્ર પોતાના બનાવનારને પૂછી શકે નહિ.૨૧. ગારામાંથી પાત્ર ઘડનારને માટીનો ફાવે તેવો ઉપયોગ કરવાનો હક્ક છે. માટીના એક જ લોંદામાંથી એક ખાસ પ્રસંગને માટે અને બીજું સામાન્ય વપરાશને માટે, એમ બે પ્રકારનાં પાત્ર તે બનાવી શકે છે.૨૨. એ જ પ્રમાણે ઈશ્વરે જે કર્યું છે તે સાચું છે. ઈશ્વર પોતાનો કોપ પ્રગટ કરવા તથા પોતાનું સામર્થ્ય બતાવવા માગતા હતા. જે માણસો ઈશ્વરના કોપને પાત્ર હતા, અને નાશને માટે તૈયાર થઈ ચૂક્યા હતા, તેમના ઉપર કોપ કરવામાં ઈશ્વરે ખૂબ ધીરજ રાખી.૨૩. વળી, આપણે, જેમને ઈશ્વરે મહિમાવંત કરવા અગાઉથી તૈયાર કર્યાં એવા કૃપાનાં પાત્રો સમક્ષ તે પોતાના મહિમાની સમૃદ્ધિ પ્રગટ કરે.૨૪. એ માટે તેમણે આપણને ફક્ત યહૂદીઓમાંથી જ નહિ, પણ બિનયહૂદીઓમાંથી પણ બોલાવેલા છે.૨૫. હોશિયાના પુસ્તકમાં લખેલું છે: “જે પ્રજા મારી નથી, તેને હું મારી પ્રજા કરીશ; જે પ્રજા ઉપર મેં પ્રેમ કર્યો નથી, તેને હું પ્રિય પ્રજા કહીશ.”૨૬. વળી જે જગ્યાએ તેમને કહેવામાં આવેલું કે, “તમે મારી પ્રજા નથી.” તે જ જગ્યાએ, “તેઓ જીવંત ઈશ્વરના પુત્રો કહેવાશે.” એવું કહેલું છે.૨૭. યશાયા ઇઝરાયલીઓ વિષે ઘોષણા કરે છે: “જોકે ઇઝરાયલીઓની સંખ્યા સમુદ્રની રેતીના કણ જેટલી હોય, તો પણ તેમનામાંથી થોડા જ ઉદ્ધાર પામશે.૨૮. કારણ, ઈશ્વર પોતે ફરમાવેલી સજાનો પૂરેપૂરો અમલ પૃથ્વી ઉપર વિના વિલંબે કરશે.”૨૯. યશાયાએ પહેલાં કહ્યું હતું: “જો સર્વસમર્થ પ્રભુએ આપણી જાતિના થોડાક માણસો પણ રહેવા દીધા ન હોત, તો આપણી હાલત સદોમ અને ગમોરા નગરોના જેવી હોત.”૩૦. તો આપણે શું કહીશું? એ જ કે જે બિનયહૂદીઓ પોતાને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવા પ્રયાસ કરતા નહોતા, તેમને વિશ્વાસ કરવા દ્વારા તેમની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા છે.૩૧. એથી ઊલટું, ઇઝરાયલી લોકોએ તેમને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાય તે માટે નિયમ પાલનનો પ્રયાસ કર્યો; પણ તેમાં તેમને સિદ્ધિ મળી નહિ.૩૨. એવું શા માટે થયું? એટલા માટે કે તેમણે વિશ્વાસ કરવાને બદલે કાર્યો ઉપર આધાર રાખ્યો. તેમણે ઠોકર ખવડાવનાર પથ્થર આગળ ઠોકર ખાધી.૩૩. શાસ્ત્રમાં આ પ્રમાણે લખેલું છે: “જુઓ, હું સિયોનમાં એક પથ્થર મૂકું છું, જેના ઉપર લોકો ઠોકર ખાશે; એક એવો ખડક કે જેનાથી લોકો પડી જશે. પણ જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે, તે કદી નિરાશ થશે નહિ.” Gujarati Bible 2016 (GUCL) Bible Society of India