એક વર્ષમાં બાઇબલ જાન્યુઆરી ૨૫જિનેસિસ ૪૯:૧-૩૩૧. યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, "તમે ભેગા થાઓ કે ભવિષ્યમાં તમારું શું થશે તે હું તમને કહી જણાવું.૨. "યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ અને સાંભળો. તમારા પિતા ઇઝરાયલને સાંભળો.૩. રુબેન, તું મારો જયેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા સામર્થ્યમાં પ્રથમ છે, ગૌરવમાં તથા તાકાતમાં તું ઉત્કૃષ્ટ છે.૪. તું વહેતા પાણી જેવો અસ્થિર હોવાથી અગ્રીમસ્થાનની પ્રતિષ્ઠા પામશે નહિ, તું તારા પિતાની પથારીએ ગયો અને તેને ભ્રષ્ટ કરી; તેં આવું દુરાચરણ કર્યું તેથી સૌ કરતાં તારું સ્થાન ઊતરતું રહેશે.૫. શિમયોન તથા લેવી ભાઈઓ છે. હિંસાખોરીના હથિયારો તેઓની તરવારો છે.૬. તેથી હે મારા આત્મા તું અલગ રહે, તેઓની બેઠકોમાં સામેલ ન થા. જો કે મારા હૃદયમાં તેઓને માટે ગર્વ તો છે. તેઓએ ક્રોધમાં માણસની હત્યા કરી છે. ઉન્મત્તાઈથી બળદની નસ કાપી નાખીને તેને લંગડો કર્યો છે.૭. તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે ઉગ્ર હતો - તેઓનો રોષ શાપિત થાઓ - કેમ કે તેઓ નિર્દય હતા. હું તેઓને યાકૂબના સંતાનોમાંથી અલગ કરીશ અને ઇઝરાયલમાં તેઓને વિખેરી નાખીશ.૮. યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓનો નાશ કરશે. તારા ભાઈના પુત્રો તને નમન કરશે.૯. યહૂદા સિંહનું બચ્ચું છે. મારા દીકરા, તું શિકારનું ભોજન પતાવીને આવ્યો છે. તે સિંહ તથા સિંહણની જેમ શાંતિથી નીચે બેઠો છે. તેને ઉઠાડવાની હિંમત કોણ કરશે?૧૦. જ્યાં સુધી શીલો આવશે નહિ ત્યાં સુધી યહૂદાથી રાજદંડ અલગ થશે નહિ, લોકો તેની આધીનતામાં રહેશે.૧૧. તેણે તેના વછેરાને દ્રાક્ષવેલાએ બાંધ્યો છે, તેણે તેના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે અને તેનો ઝભ્ભો દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે.૧૨. દ્રાક્ષારસને લીધે તેની આંખો લાલ અને દૂધને લીધે તેના દાંત શ્વેત થશે.૧૩. ઝબુલોન સમુદ્રના કાંઠાની પાસે રહેશે. તે વહાણોને સારુ બંદરરૂપ થશે અને તેની સરહદ સિદોન સુધી વિસ્તારવામાં આવશે.૧૪. ઇસ્સાખાર બળવાન ગધેડો, ઘેટાંના વાડાની વચ્ચે સૂતેલો છે.૧૫. તેણે સારી આરામદાયક જગ્યા અને અને સુખપ્રદ પ્રદેશ જોયો છે. તે બોજો ઊંચકવાને તેનો ખભો નમાવશે; અને તે વૈતરું કરનારો ગુલામ થશે.૧૬. ઇઝરાયલનાં અન્ય કુળોની માફક, દાન તેના લોકોનો ન્યાય કરશે.૧૭. દાન માર્ગની બાજુમાંના સાપ જેવો, અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે, તે ઘોડાની એડીને એવો ડંખ મારશે, કે તેનો સવાર લથડી પડશે.૧૮. હે ઈશ્વર, મેં તમારા ઉદ્ધારની રાહ જોઈ છે.૧૯. ગાદ પર હુમલાખોરો હુમલો કરશે, પણ ગાદ પ્રતિકાર કરીને તેમને પછાડશે.૨૦. આશેરનું અન્ન પુષ્ટિકારક થશે; અને તે રાજવી મિષ્ટાન પૂરા પાડશે.૨૧. નફતાલી છૂટી મૂકેલી હરણી છે, તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.૨૨. યૂસફ ફળદ્રુપ ડાળી છે; તે ઝરા પાસેના વૃક્ષ પરની ફળવંત ડાળી છે, આ ડાળી દીવાલ પર વિકસે છે.૨૩. ધનુર્ધારીઓએ તેના પર હુમલો કર્યા, અને તેના પર તીરંદાજી કરી, તેને ત્રાસ આપ્યો અને તેને સતાવ્યો.૨૪. પણ તેનું ધનુષ્ય સ્થિર રહેશે, પણ યાકૂબના સામર્થ્યવાન ઈશ્વરના હાથે એ તીરો નાકામયાબ કર્યા. અને તે ઘેટાંપાળક તથા ઇઝરાયલનો ખડક થયો.૨૫. તારા પિતાના ઈશ્વર જે તારી સહાય કરશે તેમનાંથી, એટલે સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપર આકાશના આશીર્વાદોથી તથા નીચે ઊંડાણના આશીર્વાદોથી, જાનવરો તથા સંતાનોના આશીર્વાદોથી તને વેષ્ટિત કરશે.૨૬. તારા પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો કરતાં અતિ વિશેષ થયેલા છે, તે અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વિસ્તરેલા છે; તેઓ યૂસફના શિર પર રહેશે, આ આશીર્વાદો પોતાના ભાઈથી જુદા કરાયેલા યૂસફના માથા પર મુગટ સમાન થશે.૨૭. બિન્યામીન પશુને ફાડી ખાનાર ભૂખ્યા વરુ જેવો છે: સવારે તે શત્રુઓનો શિકાર કરશે; અને સંધ્યાકાળે લૂંટ વહેંચશે."૨૮. એ સર્વ ઇઝરાયલનાં બાર કુળ છે; તેઓના પિતાએ તેઓને જે કહ્યું અને તેઓને જે આશીર્વાદો આપ્યાં તે એ છે. તેણે પ્રત્યેકને તેઓની યોગ્યતા પ્રમાણેના આશીર્વાદ આપ્યાં.૨૯. પછી તેણે તેઓને સૂચનો આપીને કહ્યું, "હું મારા પૂર્વજો પાસે જવાનો છું; એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે,૩૦. એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલા ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દફનાવજો.૩૧. ત્યાં મારા દાદા ઇબ્રાહિમને તથા દાદી સારાને દફનાવવામાં આવેલા છે. વળી મારા પિતા ઇસહાક તથા માતા રિબકાને દફનાવેલા છે. ત્યાં મેં લેઆને પણ દફનાવી છે.૩૨. એ ખેતર તથા તેમાંની ગુફા હેથના લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતાં."૩૩. જયારે યાકૂબે તેના દીકરાઓને સૂચનો તથા અંતિમ વાતો કહેવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના પલંગ પર લંબાવીને પ્રાણ છોડ્યો અને પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.જિનેસિસ ૫૦:૧-૨૬૧. પછી યૂસફ તેના પિતાના દેહને ભેટીને રડ્યો અને તેને ચુંબન કર્યું.૨. યૂસફે તેના દાસોમાં જે વૈદો હતા તેઓને તેના પિતાના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી. તેથી વૈદોએ ઇઝરાયલના દેહમાં સુગંધીઓ ભરી.૩. સુગંધીઓ ભરવાનું કામ ચાલીસ દિવસ પછી પૂરું થયું. યાકૂબના મરણ નિમિત્તે મિસરીઓએ સિત્તેર દિવસ શોક પાળ્યો.૪. જયારે તેના શોકના દિવસો પૂરા થયા ત્યારે યૂસફે ફારુનની રાજસભાને કહ્યું, "તમે મારા પર સહાનુભૂતિ દર્શાવેલી છે. તો હવે મારા વતી ફારુનને એમ કહો,૫. 'મારા પિતાએ મને સમ આપીને કહ્યું હતું કે, "હું મૃત્યુ પામવાનો છું. મેં મારા માટે કનાન દેશમાં કબર ખોદાવેલી છે, ત્યાં મને દફનાવજો." તો હવે ફારુન મારા પિતાને દફનાવવા માટે મને જવા દે. એ વિધિ પૂરી કર્યા પછી હું પાછો આવીશ.'"૬. ફારુને જવાબ આપ્યો, "તારા પિતાએ તને સમ આપ્યાં છે તે મુજબ તારા પિતાને દફનાવવા માટે જા."૭. યૂસફ તેના પિતાને દફનાવવા માટે ગયો. ફારુનના સર્વ અધિકારીઓ, તેના ઘરના સભ્યો, મિસર દેશના સર્વ ઉચ્ચ અધિકારીઓ પણ તેની સાથે ગયા.૮. યૂસફના ઘરનાં સર્વ, તેના ભાઈઓ અને તેના પિતાના ઘરનાં સર્વ પણ ગયાં. તેઓએ તેમનાં નાનાં બાળકો, તેમના ટોળાં તથા તેમનાં અન્ય જાનવરોને ગોશેન દેશમાં રહેવા દીધાં.૯. તેની સાથે રથો તથા ઘોડેસવારો સહિત લોકોનો વિશાળ સમુદાય હતો.૧૦. જયારે તેઓ યર્દનની સામે પાર આટાદની ખળી છે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ આક્રંદ કર્યું. પિતાને માટે સાત દિવસ સુધી શોક કર્યો.૧૧. આટાદની ખળીમાં તે દેશના કનાનીઓએ તે શોકનું વાતાવરણ જોયું, ત્યારે તેઓ બોલ્યા, "મિસરીઓના માટે આ એક શોકની મોટી જગ્યા છે." તે માટે તે જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ કહેવાય છે, જે યર્દન પાર છે.૧૨. પોતાના દીકરાઓને જેવા સલાહસૂચનો યાકૂબે આપ્યાં હતાં તે પ્રમાણે તેઓએ પિતાને સારુ કર્યું.૧૩. તેના દીકરાઓ તેને કનાન દેશમાં લાવ્યા અને મામરે નજીક, માખ્પેલાના ખેતરમાંની ગુફામાં તેને દફ્નાવ્યો. ઇબ્રાહિમે કબરસ્તાન માટે તે ખેતર ગુફા સહિત એફ્રોન હિત્તી પાસેથી વેચાતું લીધું હતું.૧૪. તેના પિતાને દફનાવ્યા પછી યૂસફ તથા તેના ભાઈઓ અને જેઓ તેના પિતાને દફનાવવા માટે તેની સાથે ગયા હતા, તે સર્વ મિસરમાં પાછા આવ્યા.૧૫. પિતાના મૃત્યુને લીધે યૂસફના ભાઈઓ ગભરાઈ ગયા. તેઓને મનમાં થયું કે, "જો યૂસફ આપણો દ્વેષ કરશે અને આપણે તેની સાથે જે દુર્વ્યવહાર કર્યો હતો તેનું વેર વાળવાનું તે ઇચ્છશે તો આપણું શું થશે?"૧૬. તેથી તેઓએ યૂસફને સંદેશ કહેવડાવી મોકલ્યો, "તારા પિતાએ મૃત્યુ પામ્યા અગાઉ સૂચન આપીને અમને કહ્યું હતું,૧૭. 'તમે આ પ્રમાણે યૂસફને કહેજો, "તેઓએ તારી સાથે જે ખરાબ વર્તન કર્યું અને તારો અપરાધ કર્યો તે માટે કૃપા કરીને તારા ભાઈઓને માફ કરજે."' તેથી અમને તારા ભાઈઓને કૃપા કરીને તું માફ કર." જયારે તે સંદેશ તેને મળ્યો ત્યારે યૂસફ ગળગળો થઈ ગયો.૧૮. તેના ભાઈઓએ જઈને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેઓએ કહ્યું, "જો, અમે તારા દાસો છીએ."૧૯. પણ યૂસફે તેઓને જવાબ આપ્યો, "બીશો નહિ. શું હું ઈશ્વરના સ્થાને છું?૨૦. તમે તો મારું ખરાબ કરવા ઇચ્છ્યું હતું પણ તમે આજે જેમ જોયું તેમ ઘણાં લોકોના જીવ બચાવવા ઈશ્વરે તેમાં સારું કર્યું.૨૧. તે માટે હવે ગભરાશો નહિ. હું પોતે તમારી તથા તમારાં બાળકોની સંભાળ રાખીશ." એમ તેણે તેઓને દિલાસો આપ્યો અને તેઓની સાથે હેતથી વાત કરી.૨૨. યૂસફ પોતાના ભાઈઓ અને સંતાનો સાથે મિસરમાં રહ્યો. તે એકસો દસ વર્ષની વયે મરણ પામ્યો.૨૩. યૂસફે ત્રીજી પેઢી સુધી એફ્રાઇમનાં બાળકો જોયાં. તેણે મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓ પણ જોયા. તેઓ યૂસફના ખોળામાં મોટા થયા.૨૪. જ્યારે મૃત્યુ થવાનું હતું ત્યારે યૂસફે તેના ભાઈઓ અને પરિવારને કહ્યું, "હું તો મૃત્યુ પામી રહ્યો છું પણ ઈશ્વર નિશ્ચે તમારી ખબર લેશે અને તેમણે જે દેશ સંબંધી આપણા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તે મુજબ ઈશ્વર આ દેશમાંથી આપણા દેશમાં તમને લઈ જશે."૨૫. પછી યૂસફે ઇઝરાયલપુત્રોને પ્રતિજ્ઞા લેવડાવીને કહ્યું, "ઈશ્વર તમારી પાસે નિશ્ચે આવશે; તમે અહીંથી જાઓ તે સમયે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો."૨૬. યૂસફ એકસો દસ વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસરમાં શબપેટીમાં સાચવી રાખ્યો.ગીતશાસ્ત્ર ૧૪:૧-૭૧. મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, "ઈશ્વર છે જ નહિ." તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી.૨. કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાહે આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી.૩. દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.૪. શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી? તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે, પણ યહોવાહને વિનંતિ કરતા નથી.૫. તેઓ બહુ ભયભીત થયા, કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.૬. તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો પણ યહોવાહ તો તેનો આશ્રય છે.૭. સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું! જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.ઉકિતઓ ૪:૨૦-૨૪૨૦. મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ.૨૧. તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે; તેને તારા હૃદયમાં સંઘરી રાખ.૨૨. જે કોઈને મારાં વચનો મળે છે તેના માટે તે જીવનરૂપ છે અને તેઓના આખા શરીરને આરોગ્યરૂપ છે.૨૩. પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.૨૪. કુટિલ વાણી તારી પાસેથી દૂર કર અને ભ્રષ્ટ વાત તારાથી દૂર રાખ.મેથ્યુ ૧૬:૧-૨૮૧. ફરોશીઓએ તથા સદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં માંગણી કરી કે, 'અમને સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિહ્ન કરી બતાવો.'૨. પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ઉઘાડ થશે, કેમ કે આકાશ લાલ છે.૩. સવારે તમે કહો છો કે, આજે વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ તથા અંધરાયેલું છે. તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા.૪. દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાના ચમત્કારિક ચિહ્ન વગર બીજું કોઈ ચમત્કારિક ચિહ્ન તેઓને અપાશે નહિ.' ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.૫. શિષ્યો સરોવરને પેલે પાર ગયા, પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા.૬. ઈસુએ તેઓને કહ્યું કે, 'ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન થાઓ અને સચેત રહો.'૭. ત્યારે તેઓએ પરસ્પર વિચાર કર્યો કે, 'આપણે રોટલી નથી લાવ્યા માટે ઈસુ એમ કહે છે.'૮. ઈસુએ તેમના વિચાર જાણીને તેઓને કહ્યું કે, 'ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે પરસ્પર કેમ વિચારો છો?'૯. શું હજી સુધી તમે નથી સમજતા? પેલા પાંચ હજાર પુરુષ માટે પાંચ રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી?૧૦. વળી પેલા ચાર હજાર પુરુષ માટે સાત રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું તમને સ્મરણ નથી?૧૧. તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો એમ મેં કહ્યું હતું.૧૨. ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પરંતુ ફરોશીઓના તથા સદૂકીઓના મત વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.૧૩. ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, 'માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?'૧૪. ત્યારે તેઓએ કહ્યું કે, 'કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.'૧૫. ઈસુ તેઓને પૂછ્યું, 'પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?'૧૬. ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.૧૭. ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંનાં મારા પિતાએ તને એ જણાવ્યું છે.૧૮. હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સમુદાય સ્થાપીશ, તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર ચાલશે નહીં.૧૯. આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.'૨૦. ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે, 'હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહિ.'૨૧. ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવાં લાગ્યા કે, 'હું યરુશાલેમમાં જાઉં, વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરું, માર્યો જાઉં અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.'૨૨. પિતર તેમને એક બાજુ પર લઈ જઈને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે, અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદાપિ ન થાઓ.'૨૩. પણ તેમણે પાછળ ફરીને પિતરને કહ્યું કે, 'અરે શેતાન, મારી પછવાડે જા; તું મને અવરોધરૂપ છે; કેમ કે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર તું મન લગાડે છે.'૨૪. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'જો કોઈ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.'૨૫. કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.૨૬. કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?૨૭. કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે.૨૮. હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ. Gujarati Bible 2017 © 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0