એક વર્ષમાં બાઇબલ
ઓક્ટોબર ૧૫

૧. પછી યહોવાહે મને કહ્યું કે, "જો મૂસા તથા શમુએલ મારી સમક્ષ ઊભા રહે, તોપણ હું આ લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઈ જા, તેઓ દૂર જતા રહે.
૨. અને જયારે તેઓ તને એમ કહે કે, અમે ક્યાં જઈએ? ત્યારે તું તેઓને કહેજે કે, યહોવાહ આ પ્રમાણે કહે છે; જેઓ મરણને માટે નિર્માણ થયેલા છે તેઓ મરણ તરફ; જેઓ તરવારને માટે નિર્માણ થયેલા છે તેઓ તરવાર તરફ; જેઓ દુકાળને માટે તેઓ દુકાળ તરફ; અને જેઓ બંદીવાસમાં જવા નિર્માણ થયેલા છે તેઓએ બંદીવાસમાં જવું.'
૩. હું આ લોકોને માટે ચાર પ્રકારની વિપત્તિ લાવીશ. એટલે મારી નાખવા માટે તરવાર, ઘસડી લઈ જવા સારુ કૂતરાઓ, ખાઈ જવા અને નાશ કરવા સારુ આકાશનાં પક્ષીઓ તથા પૃથ્વી પરનાં શ્વાપદો.
૪. વળી યહૂદિયાના રાજા હિઝકિયાના દીકરા, મનાશ્શાને લીધે એટલે યરુશાલેમમાં તેણે કરેલાં દુષ્ટ કાર્યોને લીધે, હું તેઓને પૃથ્વીના સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ.
૫. હે યરુશાલેમ, તારા પર કોણ દયા કરશે? કોણ તારે માટે શોક કરશે? તારી ખબર અંતર પૂછવા કોણ આવશે?
૬. યહોવાહ કહે છે, તમે મારો ત્યાગ કર્યો છે અને મારા તરફથી પાછા હઠી ગયા છો. તેથી તમારી વિરુદ્ધ મારો હાથ ઉઠાવીને હું તમારો વિનાશ કરીશ. હું પશ્ચાતાપ કરતાં થાકી ગયો છું.
૭. દેશની ભાગોળોમાં મેં તેઓને સૂપડાથી ઝાટક્યા છે; મેં મારા લોકોને નિ:સંતાન તથા નષ્ટ કર્યા છે; જો તેઓ પોતાના દુષ્ટ માર્ગોમાંથી પાછા ફરશે નહિ તો હું તેમનો નાશ કરીશ.
૮. હું તેઓની વિધવાઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી કરીશ. લૂંટારાઓને હું જુવાનોની માતાઓ પર લાવ્યો છું. મેં તેઓના પર એકાએક દુ:ખ અને ભય આણ્યાં છે.
૯. જેણે સાત દીકરાઓને જન્મ આપ્યો હતો તે ઝૂરે છે, તેણે પ્રાણ છોડ્યો છે. દિવસ છતાં તેનો સૂર્ય અસ્ત પામ્યો છે. તે લજ્જિત તથા વ્યાકુળ થઈ છે. તેઓના શત્રુઓ આગળ જેઓ હજુ જીવતા હશે તેઓને તરવારને સ્વાધીન કરીશ. એમ યહોવાહ કહે છે.
૧૦. હે મારી મા, મને અફસોસ! તેં મને આખા જગત સાથે ઝગડો તથા તકરાર કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે. મેં વ્યાજે ધીર્યું નથી કે તેઓએ મને વ્યાજે આપ્યું નથી, તેમ છતાં તેઓ બધાં મને શાપ આપે છે.
૧૧. યહોવાહે કહ્યું; શું હું તારા હિતને અર્થે તને સામર્થ્ય નહિ આપું? નિશ્ચે વિપત્તિના સમયે તથા સંકટ સમયે હું વૈરીઓ પાસે તારી આગળ વિનંતી કરાવીશ.
૧૨. શું કોઈ માણસ લોખંડ એટલે ઉત્તર દેશમાંથી લાવેલું લોખંડ તથા કાંસુ ભાંગી શકે?
૧૩. હું તારું સર્વ દ્રવ્ય અને ખજાનાઓને લૂંટાવી દઈશ. તારી સર્વ સીમામાં કરેલા તારા પાપને લીધે આ તારી શિક્ષા હશે.
૧૪. હું તમને અજાણ્યા દેશમાં તમારા શત્રુઓની સેવા કરાવીશ. કેમ કે મારો ક્રોધરૂપી અગ્નિ ભભૂકી ઊઠયો છે. અને તે તમારા પર બળશે.
૧૫. હે યહોવાહ, તમે મારું બધું જાણો છો! મને યાદ કરો અને મને મદદ કરો. મને સતાવનારા પર મારા બદલે વેર લો. તમારી ધીરજ ખાતર મને દૂર કરશો નહિ. યાદ રાખો કે, તમારે લીધે મેં નિંદા સહન કરી છે.
૧૬. તમારાં વચનો મને પ્રાપ્ત થયા, મેં તે ખાધાં. અને તેથી મારા હૃદયમાં હર્ષ તથા આનંદ ઉત્પન્ન થયો. કેમ કે હે સૈન્યોના ઈશ્વર, યહોવાહ, તમારા નામથી હું ઓળખાઉ છું.
૧૭. મોજમજા કરનારાઓની સંગતમાં હું બેઠો નહિ કે હરખાયો નહિ. મારા પરના તારા હાથને લીધે હું એકલો બેઠો. તમે મને ક્રોધથી ભરપૂર કર્યો છે.
૧૮. મને નિરંતર કેમ દુઃખ થાય છે. અને મારો ઘા સારો થતો નથી કે રુઝાતો કેમ નથી? તમે મારા પ્રત્યે કપટી વહેળાના પાણી જેવા થશો શું?
૧૯. તેથી યહોવાહે આ પ્રમાણે કહ્યું કે, યર્મિયા, જો તું પસ્તાવો કરીશ તો હું તને પાછો લાવીશ. અને મારી આગળ તું ઊભો રહીશ. અને જો તું હલકામાંથી મૂલ્યવાન અલગ કરીશ તો તું મારા મુખ જેવો થઈશ. તેઓ તારા તરફ ફરશે. પણ તું તેઓની તરફ ફરીશ નહિ.
૨૦. હું તને એ લોકો સામે પિત્તળની ભીંતરૂપ બનાવીશ, તેઓ તારી સામે લડશે. પણ તને હરાવી નહિ શકે. કેમ કે તને બચાવવા તથા તને છોડાવવા હું તારી સાથે છું. એમ યહોવાહ કહે છે.
૨૧. વળી હું તને દુષ્ટ માણસોના હાથમાંથી બચાવીશ. અને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ."
૧. યહોવાહનું વચન આ મુજબ મારી પાસે આવ્યું અને કહ્યું કે,
૨. "તું પરણીશ નહિ અને આ જગ્યાએ તને દીકરા કે દીકરીઓ થાય નહિ."
૩. કેમ કે આ જગ્યાએ જન્મેલા દીકરા દીકરીઓ વિષે અને તેઓને જન્મ આપનાર માતાપિતા વિષે યહોવાહ કહે છે કે,
૪. "તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, તેઓને માટે શોક થશે નહિ કે તેઓને દફનાવશે નહિ. તેઓના મૃતદેહો પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થશે. તેઓ તરવાર કે દુકાળમાં નાશ પામશે અને તેઓના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિનાં શ્વાપદો ખાઈ જશે."
૫. કેમ કે યહોવાહ કહે છે કે, શોકના ઘરમાં જઈશ નહિ. તેઓને લીધે રડારોળ કરવા જઈશ નહિ કે તેઓના માટે વિલાપ કરીશ નહિ કેમ કે મેં આ લોક પરથી મારી શાંતિ, એટલે કરુણા તથા દયા લઈ લીધી છે." એમ યહોવાહ કહે છે.
૬. " તેથી મોટા તથા નાના બન્ને આ દેશમાં મૃત્યુ પામશે. તેઓને દફનાવવામાં આવશે નહિ. તેઓને લીધે કોઈ શોક કરશે નહિ, કોઈ પોતાના શરીર પર ઘા કરશે નહિ અને કોઈ પોતાનું માથું મુંડાવશે નહિ.
૭. વળી લોકો મૂએલા સંબંધી સાંત્વન આપવા સારુ તેઓને માટે શોક કરી રોટલી ભાગશે નહિ. અને લોકો માતાપિતાના મરણને માટે દિલાસાનો પ્યાલો તેઓને પીવાને આપશે નહિ.
૮. ખાવાપીવાને અર્થે જમણવારના ઘરમાં તું તેઓની સાથે બેસી જઈશ નહિ.
૯. કેમ કે સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; જુઓ, હું અહીં તમારી નજર સમક્ષ તથા તમારી હયાતીમાં આનંદ તથા હાસ્યનો સાદ, તેમ જ વર-કન્યાનો સાદ બંધ પાડીશ.
૧૦. ''જ્યારે તું આ લોકોની આગળ આ બધું કહેશે ત્યારે એ લોકો તને પૂછશે કે, 'યહોવાહે આ બધી આફતો આપણે માથે શા માટે નાખી છે? આપણો શો અપરાધ છે? અને આપણે શો ગુનો કર્યો છે કે યહોવાહ અમારા ઈશ્વરની વિરુદ્ધ અમે કયું પાપ કર્યું છે?'
૧૧. ત્યારે તું કહે જે કે, યહોવાહ કહે છે કે વિપત્તિ આવવાનું કારણ એ છે કે, 'તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો' 'અને અન્ય દેવોની પાછળ ગયા છે. અને તેમની સેવાપૂજા કરી તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું.
૧૨. અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા કરી છે. માટે જુઓ, તમે દરેક તમારા હૃદયના દુરાગ્રહ મુજબ ચાલો છો; અને મારી આજ્ઞા પાળતા નથી.
૧૩. આથી હું તમને આ દેશમાંથી કાઢીને તમને અને તમારા પિતૃઓને અજાણ્યા દેશમાં હાંકી કાઢીશ, ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની સેવા કરજો. હું તમારા પર દયા રાખીશ નહિ.
૧૪. માટે જુઓ! યહોવાહ કહે છે કે, હવે એવો સમય આવે છે કે" "જ્યારે ઇઝરાયલપુત્રોને મિસર દેશમાંથી બહાર લાવનાર 'યહોવાહ જીવતા છે, એમ ક્યારેય કહેવાશે નહિ.'
૧૫. માટે જે ઇઝરાયલપુત્રોને ઉત્તરના દેશમાંથી તથા જે કોઈ દેશમાંથી તેઓને નસાડી મૂક્યા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર યહોવાહ જીવતા છે એમ કહેવાશે. અને જે દેશ મેં તેઓના પૂર્વજોને આપ્યો હતો તેમાં હું તેઓને પાછા લાવીશ.
૧૬. જુઓ! હું ઘણા માછીમારોને મોકલીશ" તેમ યહોવાહ કહે છે. "તેઓ લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું ઘણા શિકારીઓને મોકલીશ અને તેઓ તેઓને દરેક પર્વત પરથી, ડુંગર પરથી અને ખડકોની ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે.
૧૭. કેમ કે તેઓના સર્વ માર્ગો ઉપર મારી નજર છે. તેઓ મારાથી છુપાયેલા નથી. અને તેઓનો અન્યાય મારાથી ગુપ્ત નથી.
૧૮. પ્રથમ હું તેઓની પાસે તેઓનાં પાપોનો અને દુષ્ટતાનો બમણો બદલો લઈશ, કેમ કે તેઓએ મારા દેશની ભૂમિને ધિક્કારપાત્ર મૃતદેહોથી અભડાવી છે.
૧૯. હે યહોવાહ, સંકટના સમયમાં મારું સામર્થ્ય તથા મારા ગઢ, તથા મારા આશ્રય સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવી અને કહેશે કે, અસત્ય, વ્યર્થ; અને નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પિતૃઓનો વારસો છે.
૨૦. માણસ જે દેવો નથી એવા દેવો પોતાને સારુ બનાવી શકશે શું?
૨૧. માટે જુઓ, હું તેઓને જણાવીશ તેઓને હું મારું સામર્થ્ય અને મારો હાથ દેખાડીશ, ત્યારે તેઓ જાણશે કે મારું નામ યહોવાહ છે.
૨૧. હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારો ઉદ્ધાર કર્યો છો.
૨૨. જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
૨૩. આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
૨૪. આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
૧૦. તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને તજીશ નહિ; વિપત્તિને સમયે તારા ભાઈના ઘરે ન જા. દૂર રહેતા ભાઈ કરતાં નજીકનો પડોશી સારો છે.
૧. કેમ કે, હે ભાઈઓ, તમે જાણો છો કે અમારું તમારી મધ્યે આવવું નિષ્ફળ ગયું નથી.
૨. વળી તમે તે પણ જાણો છો કે અમે અગાઉ ફિલિપ્પીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, છતાં ઘણાં વિરોધોમાં તમને ઈશ્વરની સુવાર્તા કહેવાને આપણા ઈશ્વરની સહાયથી હિંમતવાન હતા.
૩. કેમ કે અમારા બોધમાં ભૂલચૂક, અશુદ્ધતા કે કપટ હતાં નહિ;
૪. પણ જેમ ઈશ્વરે સુવાર્તા કહેવાને અમને વિશ્વાસુ ગણ્યા તેમ અમે માણસોને ખુશ કરવાને નહિ, પણ અમારાં હૃદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્ન કરવાને બોલીએ છીએ.
૫. તમે જાણો છો કે, ન તો અમે કદી ખુશામતનાં વચનો બોલ્યા કે ન તો દંભ કરીને દ્રવ્યલોભ રાખ્યો; ઈશ્વર સાક્ષી છે,
૬. ખ્રિસ્તનાં પ્રેરિત તરીકે અમારો અધિકાર હતો, તોપણ માણસોથી, એટ્લે કે, તમારાથી કે કોઈ બીજાથી, અમે માન માગતા નહોતા;
૭. પણ જેમ દૂધ પાનાર મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે કોમળતાથી વર્ત્યા હતા.
૮. કેમ કે તમારી ઉપર સ્નેહ હોવાથી અમે તમને કેવળ ઈશ્વરની સુવાર્તા જ નહિ, પણ પોતાનો જીવ આપવાને પણ રાજી હતા, કેમ કે તમે અમને ઘણાં જ પ્રિય થઈ પડ્યા હતા.
૯. ભાઈઓ, તમને અમારો શ્રમ તથા કષ્ટ યાદ છે, કેમ કે તમારામાંના કોઈ પર બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.
૧૦. તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, ન્યાયીપણાથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા; તે વિષે તમે અને ઈશ્વર સાક્ષી છો.
૧૧. તે પ્રમાણે તમે જાણો છો, કે જેમ પિતા પોતાનાં બાળકોને, તેમ અમે તમારામાંના પ્રત્યેકને બોધ, દિલાસો તથા સાક્ષી આપતા હતા,
૧૨. કે જેથી, ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેને યોગ્ય થઈને તમે ચાલો.
૧૩. અમે એટલા માટે ઈશ્વરની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ કે, જયારે તમે અમારી પાસેથી ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચનની જેમ નહિ, પણ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું; તે વચન તમો વિશ્વાસીઓમાં કાર્યરત છે.
૧૪. ભાઈઓ, ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે મંડળી યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનાર તમે થયા; કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુઃખ સહ્યાં તેમ તમે પણ પોતાના દેશના લોકો તરફથી તેવા જ દુઃખ સહ્યાં છે.
૧૫. યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમારી સતાવણી કરી; તેઓ ઈશ્વરને પ્રસન્ન કરતા નથી અને સઘળા લોકોના વિરોધી છે;
૧૬. બિનયહૂદીઓ ઉદ્ધાર ન પામે તે માટે તે યહૂદીઓ અમને વચન કહેતાં રોકે છે; તેથી તેઓ નિરંતર પોતાનાં પાપની વૃદ્ધિ કરે છે, પણ તેઓ પર અત્યંત કોપ આવ્યો છે.
૧૭. પણ ભાઈઓ, અમે મનથી તો નહિ, પણ દેહથી તમારી પાસેથી થોડા સમય માટે દૂર થવાને લીધે, ઘણી આતુરતાથી તમારાં મુખ જોવાને માટે ઘણાં પ્રયત્નો કર્યા.
૧૮. એ માટે અમે, એટલે ખાસ કરીને મેં પાઉલે, વારંવાર તમારી પાસે આવવાને ઇચ્છા કરી, પણ શેતાને અમને અટકાવ્યા.
૧૯. કેમ કે અમારી આશા, આનંદ કે ગૌરવનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આવવાની વેળાએ તેમની આગળ અન્યોની જેમ તમે પણ એ મુગટ નથી?
૨૦. નિ:સંદેહ, તમે અમારો મહિમા તથા આનંદ છો.
Gujarati Bible 2019
GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી)