એક વર્ષમાં બાઇબલ
ડિસેમ્બર ૧૦

૧. ઇઝરાયલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો, મેં મારા દીકરાને મિસરમાંથી બોલાવ્યો હતો.
૨. જેમ જેમ તેઓને બોલાવ્યા, તેમ તેમ તેઓ દૂર જતા રહ્યા. તેઓએ બાલીમને બલિદાનો આપ્યાં મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.
૩. જો કે, મેં એફ્રાઇમને ચાલતાં શીખવ્યો. મેં તેઓને બાથમાં લીધા, પણ તેઓ જાણતા ન હતા કે તેઓની સંભાળ રાખનાર હું હતો.
૪. મેં તેઓને માનવીય બંધનોથી, પ્રેમની દોરીઓથી દોર્યા. હું તેઓના માટે તેઓની ગરદન પરની ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો, હું પોતે વાંકો વળ્યો અને મેં તેઓને ખવડાવ્યું.
૫. શું તે મિસર દેશમાં પાછો ફરશે નહિ? આશૂર તેઓના પર રાજ કરશે. કેમ કે, તેઓએ મારી તરફ પાછા ફરવાનો ઇનકાર કર્યો છે.
૬. તેઓની પોતાની યોજનાઓને કારણે, તલવાર તેઓનાં નગરો પર આવી પડશે. તેઓના નગરની ભાગળોનો નાશ કરશે; તે તેઓનો નાશ કરશે.
૭. મારા લોકોનું વલણ મારાથી પાછું હઠી જવાનું છે, જોકે તેઓ આકાશવાસી ઈશ્વરને પોકારે છે, પણ કોઈ તેઓને માન આપશે નહિ.
૮. હે એફ્રાઇમ, હું શી રીતે તારો ત્યાગ કરું? હે ઇઝરાયલ, હું તને કેવી રીતે બીજાને સોંપી દઉં? હું શી રીતે તારા હાલ આદમાના જેવા કરું? હું શી રીતે સબોઇમની જેમ તારી સાથે વર્તું? મારું મન પાછું પડે છે; મારી બધી કરુણા પ્રબળ થાય છે.
૯. હું મારા ક્રોધના આવેશ મુજબ વર્તીશ નહિ, હું ફરીથી એફ્રાઇમનો નાશ કરીશ નહિ, કેમ કે હું ઈશ્વર છું, માણસ નથી; હું તારી વચ્ચે રહેનાર પરમપવિત્ર ઈશ્વર છું. હું કોપાયમાન થઈને આવીશ નહિ.
૧૦. યહોવાહ સિંહની જેમ ગર્જના કરશે, તેઓ તેમની પાછળ ચાલશે. હા તે ગર્જના કરશે, અને લોકો પશ્ચિમથી ધ્રૂજતા ધ્રૂજતા આવશે.
૧૧. તેઓ મિસરમાંથી પક્ષીની જેમ, આશૂરમાંથી કબૂતરની જેમ ધ્રૂજારીસહિત આવશે. હું તેઓને ફરીથી તેઓનાં ઘરોમાં વસાવીશ." આ યહોવાહનું વચન છે.
૧. એફ્રાઇમ વાયુ પર નિર્વાહ કરે છે. પૂર્વના પવન પાછળ જાય છે. તે જૂઠ તથા હિંસાની વૃદ્ધિ કરે છે, તેઓ આશૂરની સાથે કરાર કરે છે, અને મિસરમાં જૈતૂનનું તેલ લઈ જવામાં આવે છે.
૨. યહૂદિયા વિરુદ્ધ યહોવાહને દલીલ છે તેઓ યાકૂબને તેનાં કૃત્યોની સજા આપશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને સજા આપશે.
૩. ગર્ભસ્થાનમાં તેણે પોતાના ભાઈની એડી પકડી, અને પુખ્ત ઉંમરે તેણે ઈશ્વર સાથે બાથ ભીડી.
૪. તેણે દેવદૂત સાથે બાથ ભીડી અને જીત્યો. તે રડ્યો અને કૃપા માટે યાચના કરી. તે બેથેલમાં ઈશ્વરને મળ્યો; ત્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી.
૫. હા, યહોવાહ, સૈન્યોના ઈશ્વર છે; "યહોવાહ" તે તેમનું સ્મારક નામ છે જેના ઉચ્ચારથી તેમને બોલાવવામાં આવે છે.
૬. માટે તમારા ઈશ્વરની તરફ પાછા ફરો. ન્યાય અને વિશ્વાસુપણાને વળગી રહો, તમારા ઈશ્વરની રાહ જોતા રહો.
૭. વેપારીઓના હાથમાં તો ખોટાં ત્રાજવાં છે, તેઓને છેતરપિંડી ગમે છે.
૮. એફ્રાઇમ કહે છે, "ખરેખર, હું તો ધનવાન થયો છું, મને સંપત્તિ મળી છે. મારાં સર્વ કાર્યમાં તેઓને કોઈ પણ અન્યાય જડશે નહિ, કે જેનાથી પાપ થાય."
૯. "મિસર દેશથી હું યહોવાહ તમારો ઈશ્વર છું. જેમ મુકરર પર્વના દિવસોમાં તું વસતો હતો, તેમ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ.
૧૦. મેં પ્રબોધકો સાથે વાત કરી છે. મેં તેઓને ઘણાં સંદર્શનો આપ્યાં છે. મેં તેઓને પ્રબોધકો મારફતે દ્રષ્ટાંતો આપ્યા છે."
૧૧. જો ગિલ્યાદમાં દુષ્ટતા છે, લોકો તદ્દન વ્યર્થતારૂપ છે. તેઓ ગિલ્ગાલમાં બળદોનું બલિદાન કરે છે; તેઓની વેદીઓ ખેતરના ચાસમાંના પથ્થરના ઢગલા જેવી છે.
૧૨. યાકૂબ અરામ દેશમાં નાસી ગયો છે; ઇઝરાયલે પત્ની મેળવવા માટે કામ કર્યું, તેણે પત્ની મેળવવા માટે ઘેટાંને ચરાવ્યાં.
૧૩. પ્રબોધક મારફતે યહોવાહ ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લાવ્યા, પ્રબોધક દ્વારા તેઓનું રક્ષણ થયું.
૧૪. એફ્રાઇમે યહોવાહને ઘણા ગુસ્સે કર્યાં છે. તેના રક્તપાત માટે પ્રભુ તેને જ જવાબદાર ઠેરવશે અને તેઓએ જે અપરાધો કર્યા છે તેનો દોષ તેઓના માથે નાખશે.
૧૭. હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!
૧૮. જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.
૧૯. હે ઈશ્વર, તમે જ દુષ્ટોનો સંહાર કરશો; હે ખૂની માણસો મારાથી દૂર થાઓ.
૨૦. તેઓ તમારી વિરુદ્ધ બળવો કરે છે અને કપટથી વર્તે છે; તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે.
૨૧. હે યહોવાહ, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે, તેઓનો શું હું ધિક્કાર ન કરું?
૨૨. હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; તેઓને હું મારા શત્રુઓ જ ગણું છું.
૨૩. હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો; મને પારખો અને મારા વિચારો જાણી લો.
૨૪. જો મારામાં કંઈ દુષ્ટતા હોય, તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો.
૨૨. ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે અને ગુસ્સાવાળો માણસ ઘણા ગુના કરે છે.
૧. ઈશ્વર પિતાને વહાલા; ઈસુ ખ્રિસ્તને માટે સાચવી રખાયેલા અને તેડાયેલા સંતોને પત્ર લખનાર, ઈસુ ખ્રિસ્તનો દાસ, યાકૂબનો ભાઈ યહૂદા.
૨. તમને દયા, શાંતિ તથા પુષ્કળ પ્રેમ પ્રાપ્ત થાઓ.
૩. પ્રિય ભાઈઓ, આપણા સામાન્ય ઉદ્ધાર વિષે તમારા પર લખવા માટે હું ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર આપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ.
૪. કેમ કે જેઓને શિક્ષાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, તેવા કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યાં છે; તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો ઉપયોગ હવસખોરીમાં કરે છે અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા પ્રભુ તથા ઈશ્વર છે તેમનો ઇનકાર કરે છે.
૫. હવે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તોપણ હું તમને યાદ કરાવવા ચાહું છું કે પ્રભુએ મિસર દેશમાંથી લોકોને છોડાવ્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો.
૬. અને જે નર્કદૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચૂકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.
૭. તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે.
૮. તોપણ એવી રીતે પણ આ સ્વચ્છંદીઓ દેહને ભ્રષ્ટ કરે છે, અધિકારને તુચ્છ ગણે છે અને આકાશી જીવોની નિંદા કરે છે.
૯. પણ મિખાયેલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ સર્જ્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું કે, "પ્રભુ તને ધમકાવો."
૧૦. તોપણ તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બાબતોમાં તેઓ નિંદા કરે છે અને નિર્બુદ્ધ પશુઓની જેમ જેને તેઓ સ્વાભાવિક સમજે છે તેમાં પોતાને ભ્રષ્ટ કરે છે.
૧૧. તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે બલામના માર્ગમાં ધસી ગયા અને કોરાહના બંડમાં નાશ પામ્યા.
૧૨. તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારાં પ્રેમભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે; તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં તથા ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો છે;
૧૩. તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારાં, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે.
૧૪. વળી તેઓ વિષે પણ આદમથી સાતમી પેઢીના પુરુષ હનોખે ભવિષ્યવચન કહ્યું છે કે, "જુઓ,
૧૫. સર્વનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે બધાં અધર્મી કામો અધર્મીપણામાં કર્યાં અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાંને પ્રભુ પોતાના હજારોહજાર સંતો સહિત આવ્યા."
૧૬. તેઓ બડબડાટ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારાં છે (તેઓ મુખથી ગર્વિષ્ઠ વચનો બોલે છે); તેઓ સ્વાર્થને માટે ખુશામત કરનારા છે.
૧૭. પણ, પ્રિય ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રેરિતોએ જે વચનો અગાઉ કહેલા છે, તેઓને તમે સંભારો;
૧૮. તેઓએ તમને કહ્યું છે કે, "છેલ્લાં કાળમાં નિંદાખોરો ઊભા થશે, તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે."
૧૯. તેઓ પક્ષ ઊભા કરનારા અને વિષયી છે, તેઓમાં પવિત્ર આત્મા નથી.
૨૦. પણ પ્રિય ભાઈઓ, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દૃઢ કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને
૨૧. અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.
૨૨. અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો.
૨૩. અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો અને દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો.
૨૪. હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા, સમર્થ છે, તેમને
૨૫. એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ હોજો. આમીન.
Gujarati Bible 2019
GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી)