એક વર્ષમાં બાઇબલ મે ૧૭૨ સેમ્યુઅલ ૫:૧-૨૫૧. પછી ઇઝરાયલના સર્વ કુળોએ દાઉદ પાસે હેબ્રોનમાં આવીને કહ્યું, "જુઓ, અમે તારા પિતરાઈઓ છીએ.૨. ગતકાળમાં જયારે શાઉલ અમારો રાજા હતો, ત્યારે ઇઝરાયલના સૈન્યની આગેવાની તેં જ કરી હતી. ઈશ્વરે તને જ કહ્યું હતું, "તું મારા લોક ઇઝરાયલીઓ પર અધિપતિ તથા રાજા થશે.'"૩. તેથી ઇઝરાયલના સર્વ આગેવાનો દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા. દાઉદે ઈશ્વરની આગળ હેબ્રોનમાં તેઓની સાથે કરાર કર્યો. તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.૪. દાઉદ રાજા થયો ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું.૫. તેણે હેબ્રોનમાં રહીને યહૂદિયા પર સાડા સાત વર્ષ રાજ કર્યું; અને યરુશાલેમમાં રહીને ઇઝરાયલ તથા યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.૬. દાઉદ અને તેના સૈન્યએ યરુશાલેમમાં જઈને તેના રહેવાસી યબૂસીઓ પર આક્રમણ કર્યું. તેઓએ દાઉદને કહ્યું, "તું અહીં આવી શકવાનો નથી, કેમ કે દ્રષ્ટિવિહીન તથા અપંગો પણ તને હાંકી કાઢી શકે તેમ છે. તું અહીં અંદર આવી શકશે નહિ."૭. પણ, દાઉદે તો સિયોનનો કિલ્લો કબજે કર્યો. તે હવે દાઉદનું નગર કહેવાય છે.૮. યબૂસીઓએ કરેલા અપમાનના જવાબમાં ગુસ્સે થઈને દાઉદે કહ્યું કે, "સૈનિકો તે પાણીના નાળામાં થઈને ઉપર ચઢી જાઓ, 'અંધ તથા અપંગ,' યબૂસીઓનો સંહાર કરો તેઓ દાઉદના શત્રુઓ છે." તેઓએ મારી મશ્કરી કરતા કહ્યું હતું કે, "અંધ તથા અપંગ' તે રાજમહેલમાં આવી શકતા નથી."૯. દાઉદ તે કિલ્લામાં રહેવા લાગ્યો અને તેનું નામ દાઉદનગર પાડ્યું. દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગ્યામાં બાંધકામ કર્યું.૧૦. દાઉદ અધિકાધિક મહાન થતો ગયો કેમ કે સર્વ શક્તિમાન પ્રભુ ઈશ્વર, તેની સાથે હતા.૧૧. પછી તૂરના રાજા હીરામે દાઉદને માટે મહેલ બાંધવા સંદેશવાહકો, કાષ્ટવૃક્ષો, સુથારો અને કડિયાઓ મોકલ્યા.૧૨. દાઉદે જાણ્યું કે ઈશ્વરે મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને તેમણે તેમનું રાજય પોતાના લોક ઇઝરાયલને ખાતર ગૌરવવાન કર્યું છે.૧૩. પછી દાઉદ હેબ્રોન છોડીને યરુશાલેમમાં આવ્યો, ત્યાં તેણે બીજી વધારાની પત્નીઓ અને ઉપપત્નીઓ કરી. તેઓએ અનેક દીકરા અને દીકરીઓને જન્મ આપ્યાં.૧૪. યરુશાલેમમાં જન્મેલાં સંતાનોનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન,૧૫. યિબ્હાર, અલીશૂઆ, નેફેગ, યાફીઆ,૧૬. અલિશામા, એલ્યાદા અને અલીફેલેટ.૧૭. પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કરાયો છે. ત્યારે તેઓ બધા તેને પકડી લેવા બહાર ગયા. પણ દાઉદને તેની જાણ થવાથી તે કિલ્લામાં ચાલ્યો ગયો.૧૮. હવે પલિસ્તીઓ આવીને રફાઈમના નીચાણમાં ફેલાઈ ગયા હતા.૧૯. પછી દાઉદે ઈશ્વરની સલાહ પૂછી કે, "શું હું પલિસ્તીઓ ઉપર હુમલો કરું? શું તમે તેઓ પર વિજય આપશો?'' ઈશ્વરે દાઉદને કહ્યું કે, "હુમલો કર, હું નિશ્ચે તને પલિસ્તીઓ પર વિજય આપીશ."૨૦. તેથી દાઉદે બાલ-પરાસીમના લોકો પર હુમલો કર્યો અને તેઓને પરાજિત કર્યા. તેણે કહ્યું કે, "પાણીના પૂરના ધસારાની માફક ઈશ્વર મારા શત્રુઓ પર ધસી ગયા છે." એ માટે તેણે તે જગ્યાનું નામ બાલ-પરાસીમ પાડયું.૨૧. પલિસ્તીઓએ પોતાની મૂર્તિઓ ત્યાં પડતી મૂકી. દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા.૨૨. પછી પલિસ્તીઓ ફરીથી પાછા આવ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા.૨૩. દાઉદે ફરી ઈશ્વરની સલાહ પૂછી અને ઈશ્વરે તેને કહ્યું, "તું આગળથી હુમલો કરીશ નહિ, પણ તેઓની પાછળ ચકરાવો ખાઈને શેતૂરવૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર.૨૪. જયારે શેતૂરવૃક્ષોની ટોચમાં કૂચ કરવાનો ખડખડાટ તું સાંભળે ત્યારે પૂરા સામર્થ્યથી ચઢાઈ કરજે. તે વખતે હું તારી આગળ પલિસ્તીઓના સૈન્ય પર હુમલો કરવા તારી અગાઉ ગયો છું. એવું સમજ જે."૨૫. ઈશ્વરે જેમ દાઉદને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. તેણે ગેબાથી ગેઝેર સુધી પલિસ્તીઓનો સંહાર કર્યો.૨ સેમ્યુઅલ ૬:૧-૨૩૧. દાઉદે ઇઝરાયલમાંથી પસંદ કરેલા ત્રીસ હજાર માણસોને ફરીથી એકત્ર કર્યા.૨. પછી તે પોતાની સાથેના સર્વ માણસોને લઈને તે કરુબો પર બિરાજમાન ઈશ્વરનો કોશ લેવાને બાલે-યહૂદિયાથી જ્યાં કોશ હતો ત્યાં ગયો. જે સૈન્યોના ઈશ્વરના નામથી ઓળખાય છે.૩. તેઓએ ઈશ્વરના કોશને અબીનાદાબનું ઘર જે પર્વત પર હતું ત્યાંથી લાવ્યા અને તેને એક નવા ગાડામાં મૂક્યો. તેના દીકરાઓ, ઉઝઝા અને આહ્યો ગાડું હાંકતા હતા.૪. તેઓ પર્વત પરથી અબીનાદાબના ઘરેથી ઈશ્વરના કોશને લાવતા હતા. આહ્યો કોશ આગળ ચાલતો હતો.૫. અને દાઉદ તથા ઇઝરાયલના ઘરના લોકો દેવદારના લાકડાંમાંથી બનાવેલાં સર્વ પ્રકારનાં વાજિંત્રો, વીણા, સિતાર, ખંજરી, કરતાલ તથા મંજીરા ઈશ્વર આગળ વગાડતા હતા.૬. જયારે તેઓ નાખોનના ખળા પાસે આવ્યા, ત્યારે બળદોએ ઠોકર ખાધી અને ઉઝઝાએ પોતાનો હાથ ઈશ્વરના કોશ તરફ લાંબો કરીને તેને પકડી રાખ્યો.૭. ત્યારે ઈશ્વરનો કોપ ઉઝઝા પર સળગ્યો. તેના અપરાધને લીધે ઈશ્વરે તેને ત્યાં માર્યો. ઉઝઝા ઈશ્વરના કોશ આગળ મરણ પામ્યો.૮. ઈશ્વરે ઉઝઝાને માર્યો તેથી દાઉદને ખોટું લાગ્યું અને તેણે તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પાડ્યું. તે જગ્યાનું નામ આજ સુધી પેરેસ-ઉઝઝા છે.૯. દાઉદને તે દિવસે ઈશ્વરનો ડર લાગ્યો. તેણે કહ્યું કે, "ઈશ્વરનો કોશ મારી પાસે કેમ કરીને આવી શકે?"૧૦. ડરનો માર્યો દાઉદ ઈશ્વરનો કોશ પોતાની પાસે દાઉદના નગરમાં લઈ જવા ઇચ્છતો નહોતો. તેના બદલે, તેણે ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં તેને મૂક્યો.૧૧. ઈશ્વરનો કોશ ઓબેદ-અદોમના ઘરમાં ત્રણ મહિના રહ્યો. તેથી ઈશ્વરે તેને તથા તેના ઘરનાં સર્વને આશીર્વાદ આપ્યો.૧૨. હવે દાઉદ રાજાને સમાચાર મળ્યા કે, "ઈશ્વરના કોશને કારણે ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે." તેથી દાઉદ જઈને ઈશ્વરના કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી આનંદ સાથે દાઉદના નગરમાં લાવ્યો.૧૩. ઈશ્વરનો કોશ ઊંચકીને ચાલનારાં માત્ર છ પગલાં ચાલ્યા, ત્યારે દાઉદે એક બળદ તથા એક પુષ્ટ પશુનું બલિદાન આપ્યું.૧૪. દાઉદ ઈશ્વરની આગળ પોતાના પૂરા બળથી નાચતો હતો; તેણે શણનો ઝભ્ભો પહેરેલો હતો.૧૫. આ રીતે દાઉદ તથા ઇઝરાયલના સર્વ લોકો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને ચાલતા હતા.૧૬. ઈશ્વરનો કોશ દાઉદના નગરમાં આવતો હતો, ત્યારે શાઉલની દીકરી મીખાલે, બારીમાંથી નજર કરીને જોયું. તેણે જોયું કે દાઉદ રાજા ઈશ્વરની આગળ કૂદતો અને નાચતો હતો. તે જોઈને તેણે દાઉદને પોતાના અંતઃકરણમાં ધિક્કાર્યો.૧૭. લોકોએ ઈશ્વરના કોશને અંદર લઈ જઈને, જે મંડપ દાઉદે તેને સારુ બનાવ્યો હતો, તેની મધ્યમાં તેને મૂક્યો. પછી દાઉદે ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચડાવ્યાં.૧૮. દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચડાવી રહ્યો પછી, દાઉદે સૈન્યોના ઈશ્વરના નામે લોકોને આશીર્વાદ આપ્યો.૧૯. પછી તેણે સર્વ લોકને, પુરુષો તથા સ્ત્રીઓ સહિત ઇઝરાયલના આખા સમુદાયને, રોટલી, થોડું માંસ તથા સૂકી દ્રાક્ષ વહેંચી આપ્યાં. દરેક જણ પોતપોતાને ઘરે ગયા.૨૦. દાઉદ પણ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા ઘરે આવ્યો. (દાઉદની પત્ની) શાઉલની દીકરી મિખાલ દાઉદને મળવાને બહાર આવી. અને તેની મશ્કરી કરતાં કહ્યું કે, "આજે ઇઝરાયલનો રાજા કેવો સન્માનનીય લાગતો હતો! જાણે કોઈ હલકો માણસ મર્યાદા મૂકીને નિર્વસ્ત્ર થાય, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના જોતાં આજે નિર્વસ્ત્ર થયો હતો!"૨૧. દાઉદે મીખાલને જવાબ આપ્યો કે, મેં તે ઈશ્વરની આગળ નૃત્ય કર્યું છે, તેમણે મને તેમના લોકો, ઇઝરાયલ ઉપર રાજા તરીકે અભિષિક્ત કરવા સારું, તારા પિતા તથા તેના કુટુંબનાં સર્વને બદલે મને પસંદ કર્યો છે, માટે હું ઈશ્વરમાં હર્ષો ઉલ્લાસ કરીશ.૨૨. આના કરતાં પણ હું વધારે 'હલકો' થઈશ, હું મારી પોતાની દ્રષ્ટિમાં અપમાનિત થઈશ, પણ જે દાસીઓ મધ્યે તું બોલી છે, તેઓથી તો હું સન્માન પામીશ.૨૩. માટે શાઉલની દીકરી, મિખાલ તેના જીવનપર્યંત નિ:સંતાન રહી.ગીતશાસ્ત્ર ૬૩:૧-૧૧૧. હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે.૨. તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.૩. કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તમારી સ્તુતિ કરશે.૪. હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ; હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.૫. હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું; અને રાતના સમયે હું તમારું મનન કરું છું૬. મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.૭. કેમ કે તમે મારા સહાયકારી થયા છો અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ.૮. મારો આત્મા તમને વળગી રહે છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.૯. પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.૧૦. તેઓ તરવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.૧૧. પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.ઉકિતઓ ૧૬:૧૬-૧૭૧૬. સોના કરતાં ડહાપણ મેળવવું એ કેટલું ઉત્તમ છે. ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે યોગ્ય છે.૧૭. દુષ્ટતાથી દૂર જવું એ જ પ્રામાણિક માણસનો રાજમાર્ગ છે; જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે.જ્હોન ૫:૧-૨૩૧. એ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું; તે સમયે ઈસુ યરુશાલેમ ગયા.૨. હવે યરુશાલેમમાં 'ઘેટાંનો દરવાજો' નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે.૩. તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવાં ઘણાં બીમાર લોકો હતા. તેઓ તે કૂંડમાં પાણી હલવાની રાહ જોતાં હતા.૪. કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો.૫. ત્યાં એક માણસ હતો, જે આડત્રીસ વર્ષથી બીમાર હતો.૬. તેને પડી રહેલો જોઈને તથા ઘણાં સમયથી તે એવો જ છે, તે જાણીને ઈસુ તેને કહે છે કે, 'શું તું સાજો થવા ચાહે છે?'૭. તે બીમાર માણસે ઈસુને એવો જવાબ આપ્યો કે, 'પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કૂંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.'૮. ઈસુ તેને કહે છે કે, 'ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.'૯. તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા લાગ્યો. તે દિવસે વિશ્રામવાર હતો.૧૦. તેથી જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે, 'આજે વિશ્રામવાર છે, એટલે તારે બિછાનું ઊંચકવું યોગ્ય નથી.'૧૧. પણ તેણે તેઓને એવો જવાબ આપ્યો કે, 'જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.'૧૨. તેઓએ તેને પૂછ્યું કે, "તને જેણે એમ કહ્યું કે, 'બિછાનું ઊંચકીને ચાલ,' તે માણસ કોણ છે?"૧૩. પણ તે કોણ છે, તે સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે જગ્યાએ ભીડ હતી, ઈસુ ત્યાંથી આગળ ગયા હતા.૧૪. પછીથી ઈસુએ તે માણસને ભક્તિસ્થાનમાં મળીને તેને કહ્યું કે, 'જો તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે.'૧૫. તે માણસે જઈને યહૂદીઓને કહ્યું કે, 'જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે.'૧૬. તે કામો ઈસુએ વિશ્રામવારે કર્યાં હતાં, માટે યહૂદીઓ તેમની પાછળ લાગ્યા.૧૭. પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કાર્યરત છું.'૧૮. તે માટે ઈસુને મારી નાખવા યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો; કેમ કે ઈસુએ વિશ્રામવારનો ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા.૧૯. ત્યારે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'હું તમને ખરેખર કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે અન્ય કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે.૨૦. કેમ કે પિતા દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે; અને તે તેને એ કરતાં મોટાં કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો.૨૧. કેમ કે જે પિતા મૃત્યુ પામેલાઓને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ ચાહે તેમને સજીવન કરે છે.૨૨. કેમ કે પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ ન્યાય કરવાનું સઘળું કામ તેમણે દીકરાને સોંપ્યું છે૨૩. કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન આપતો નથી, તે તેના મોકલનાર પિતાને પણ માન આપતો નથી. Gujarati Bible 2019 GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી)