એક વર્ષમાં બાઇબલ જુલાઈ ૧૫૨ ક્રોનિકલ્સ ૨૫:૧-૨૮૧. અમાસ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદાન હતું અને તે યરુશાલેમની હતી.૨. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પણ પૂરા હૃદયથી નહિ.૩. જયારે રાજ તેના હાથમાં સ્થિર થયું, ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા.૪. પણ તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યાં નહિ, પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું, એમાં ઈશ્વરે એવી આજ્ઞા આપી હતી, "બાળકોના કારણે પિતાઓને મારી નાખવાં નહિ, તેમ જ પિતાઓને કારણે બાળકોને મારી નાખવા નહિ. તેના બદલે, દરેક વ્યક્તિ પોતાનાં જ પાપનાં કારણે માર્યો જાય."૫. પછી, અમાસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા અને તેઓના પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયાના લોકોને તથા બિન્યામીનીઓને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નીમ્યા. તેણે તેઓમાંના વીસ વર્ષના તેથી ઉપરની વય ધરાવનારાઓની ગણતરી કરી. તો ભાલા તથા ઢાલ વાપરી શકે તેવા તથા યુદ્ધમાં જઈ શકે તેવા પસંદ કરેલા એવા ત્રણ લાખ માણસો મળી આવ્યા.૬. તેણે એકસો તાલંત ચાંદી (ત્રણ હજાર ચારસો કિલો ચાંદી) આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ લડવૈયાઓને નીમ્યા.૭. પણ એવામાં એક ઈશ્વરભક્તે આવીને તેને કહ્યું, "હે રાજા, ઇઝરાયલી સૈન્યને તારી સાથે આવવા ન દઈશ, કેમ કે ઇઝરાયલીઓ એટલે એફ્રાઇમીઓની સાથે ઈશ્વર નથી.૮. પણ તેમ છતાં જો તમે જશો અને તમે ગમે તેટલી નીડરતાથી લડશો, તો પણ ઈશ્વર તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કેમ કે, સહાય કરવાને તથા પાડી નાખવાને પણ ઈશ્વર સમર્થ છે."૯. અમાસ્યાએ તે ઈશ્વરભક્તે કહ્યું, "પણ ઇઝરાયલના સૈન્ય માટે જે એકસો તાલંત ચાંદી મેં આપી છે તેનું આપણે શું કરવું?" તેણે ઉત્તર આપ્યો, "ઈશ્વર તને એથી પણ વિશેષ આપવાને સમર્થ છે."૧૦. તેથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેઓને પોતાના સૈન્યથી જુદા પાડીને ઘરે પાછા મોકલી દીધા; તેથી તે લોકો યહૂદિયા પર ઘણાં નારાજ થયા અને ક્રોધાયમાન થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા.૧૧. અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઈ ગયો અને ત્યાં તેણે સેઈરના દસ હજાર માણસોને હરાવ્યા.૧૨. યહૂદિયાના સૈન્યએ બીજા દસ હજારને જીવતા પકડીને તેઓને ખડકની ટોચ પરથી નીચે ફેંકી દીધાં. તેથી તેઓ બધાના ટુકડે ટુકડાં થઈ ગયા.૧૩. તે દરમિયાન અમાસ્યાએ જે સૈન્યના સૈનિકોને પાછા મોકલી દીધા હતા કે જેથી તેઓ તેની સાથે યુદ્ધમાં ના જાય, તેઓએ સમરુનથી બેથ-હોરોન સુધીના યહૂદિયાના નગરો પર હુમલો કરીને ત્રણ હજાર માણસોને મારી નાખ્યા અને મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા.૧૪. તે પછી અદોમીઓની કતલ કરીને અમાસ્યા પાછો આવ્યો અને સેઈરના લોકોના દેવોને સાથે લઈ આવ્યો, તેણે પોતાના દેવો તરીકે તેઓની સ્થાપના કરી. તેણે તેઓની પૂજા કરી અને તેઓની આગળ ધૂપ બાળ્યો.૧૫. તેથી ઈશ્વરનો રોષ તેના ઉપર સળગી ઊઠ્યો. તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, "જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તે દેવોની પૂજા તેં શા માટે કરી?"૧૬. એવું થયું કે તે પ્રબોધક હજી અમાસ્યાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, "શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે. શા માટે હાથે કરીને મરવા માગે છે?" પછી પ્રબોધકે જતાં જતાં કહ્યું, "હું જાણું છું કે, ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેં આ કામ કર્યું છે. અને મારી સલાહ સાંભળી નથી."૧૭. પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું કે, "આવો, આપણે યુદ્ધમાં સામસામા લડીએ."૧૮. પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદાના રાજાને પ્રતિઉત્તર મોકલ્યો કે, "લબાનોન પરના એક ઉટકંટાએ લબાનોનમાંના દેવદાર વૃક્ષને સંદેશો મોકલ્યો, 'મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કર.' પણ લબાનોનના એક વન્ય પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા ઉટકંટાને પોતાના પગ તળે કચડી નાખ્યો.૧૯. તું કહે છે, 'જો, મેં અદોમને માર્યો છે' અને તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તારી જીતમાં તું ઘણો અભિમાની થયો છે, પણ તું તારે ઘરે રહે કેમ કે તારું પોતાનું નુકસાન તારે શા માટે વહોરી લેવું જોઈએ કે જેથી તારી સાથે યહૂદિયાના લોકો પણ માર્યા જાય?"૨૦. પણ અમાસ્યાએ તેનું સાંભળ્યું નહિ કેમ કે તે ઘટના તો ઈશ્વરથી થઈ હતી. તેઓ અદોમના દેવને પૂજતા હતા તેથી તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપ્યાં હતા.૨૧. માટે ઇઝરાયલના રાજા યોઆશે ચઢાઈ કરી; અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાની સામે જંગે ચઢ્યા.૨૨. યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસોથી હારીને પોતપોતાને ઘરે નાસી ગયા.૨૩. ઇઝરાયલનો રાજા યોઆશ યહોઆહાઝના પુત્ર યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડીને યરુશાલેમ લઈ ગયો. ત્યાં તેણે એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધીનો ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તોડી નંખાવ્યો.૨૪. તેણે ઈશ્વરના સભાસ્થાનમાંથી બધું સોનુંચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં તે, રાજાના મહેલમાંથી કિંમતી વસ્તુઓ લઈ લીધી તે તથા ઓબેદ-અદોમના કુટુંબને તથા થોડા કેદીઓને લઈને સમરુન પાછો ફર્યો.૨૫. ઇઝરાયલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશના મૃત્યુ પછી યહૂદિયાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા પંદર વર્ષ જીવ્યો.૨૬. અમાસ્યાનાં બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયાના તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.૨૭. હવે અમાસ્યા ઈશ્વરનું અનુકરણ ન કરતાં અલગ માર્ગ તરફ વળ્યો, તે સમયથી યરુશાલેમમાં લોકોએ તેની વિરુદ્ધમાં બંડ કર્યુ. તેથી તે લાખીશ નાસી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને ત્યાં તેને મારી નાખવામાં આવ્યો.૨૮. તેઓ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ આવ્યા અને ત્યાં યહૂદાના નગરમાં તેના પિતૃઓ સાથે તેને દફનાવવામાં આવ્યો.૨ ક્રોનિકલ્સ ૨૬:૧-૨૩૧. યહૂદિયાના બધા લોકોએ સોળ વર્ષની ઉંમરના ઉઝિયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજગાદી પર બેસાડ્યો.૨. અમાસ્યાના મૃત્યુ પછી ઉઝિયાએ યહૂદિયા માટે એલોથ પાછું મેળવ્યું. તેને ફરી બંધાવ્યું.૩. ઉઝિયા રાજા થયો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યકોલ્યા હતું. તે યરુશાલેમની વતની હતી.૪. તેના પિતા અમાસ્યાએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે જ પ્રમાણે ઉઝિયાએ પણ કર્યું.૫. ઝખાર્યાએ તેને ઈશ્વર વિશેનું શિક્ષણ આપ્યું હતું અને તેની હયાતીમાં ઉઝિયા ઈશ્વરની આરાધના કરતો હતો. જેમ જેમ તે ઈશ્વરના માર્ગે ચાલતો ગયો તેમ તેમ ઈશ્વરે તેને સમૃદ્ધિ આપી.૬. ઉઝિયાએ પલિસ્તીઓ ઉપર ચઢાઈ કરીને ગાથ, યાબ્ને અને આશ્દોદનો કોટ તોડી પાડ્યો. તેણે આશ્દોદમાં અને પલિસ્તીઓના દેશમાં નગરો બંધાવ્યાં.૭. ઈશ્વરે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ સહાય કરી.૮. આમ્મોનીઓ ઉઝિયાને નજરાણાં આપતા હતા અને તેની કીર્તિ મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો પરાક્રમી થયો હતો.૯. આ ઉપરાંત, ઉઝિયાએ યરુશાલેમમાં ખૂણાના દરવાજે, ખીણને દરવાજે તથા દિવાલને ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા.૧૦. તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં અને ઘણાં કૂવા ખોદાવ્યા, કારણ કે તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમ જ મેદાનમાં ઘણાં જાનવર હતાં. તેણે દ્રાક્ષાવાડીઓ ઉગાડનાર ફળદ્રુપ ભૂમિમાં તથા પર્વતોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા, કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.૧૧. આ ઉપરાંત, ઉઝિયા પાસે યુદ્ધ માટે સૈન્ય હતું. તેના સૈનિકો યેઈયેલ ચિટનીસ તથા માસેયા અધિકારીએ નિયત કરેલી સંખ્યા પ્રમાણે, રાજાના સેનાપતિઓમાંના એકના, એટલે હનાન્યાના હાથ નીચે ટુકડીઓ પ્રમાણે લડવા નીકળી પડતા.૧૨. પૂર્વજોનાં કુટુંબોના સરદારોની, એટલે મુખ્ય લડવૈયા પુરુષોની કુલ સંખ્યા બે હજાર છસોની હતી.૧૩. તેમના હાથ નીચે ત્રણ લાખ, સાત હજાર પાંચસો પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું, તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહા પરાક્રમથી લડીને તેને મદદ કરતા હતા.૧૪. ઉઝિયાએ આખા સૈન્યને માટે ઢાલો, ભાલાઓ, ટોપ, બખતરો, ધનુષ્યો તથા ગોફણોના ગોળા તૈયાર કરાવ્યા.૧૫. તેણે યરુશાલેમમાં બુરજો પર, મોરચાઓ પર ગોઠવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગરો દ્વારા યાંત્રિક ઉપકરણો બનાવડાવ્યા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે બળવાન થયો ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી હતી.૧૬. પણ જયારે ઉઝિયા બળવાન થયો, ત્યારે તેનું હૃદય ભ્રષ્ટ થયું, તેથી તેનો નાશ થયો; તેણે પોતાના પ્રભુ, ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ ચઢાવવા માટે ઈશ્વરના ઘરમાં ગયો.૧૭. અઝાર્યા યાજક તથા તેની સાથે ઈશ્વરના એંશી મુખ્ય યાજકો તેની પાછળ અંદર ગયા.૧૮. તેઓએ ઉઝિયા રાજાને અટકાવતાં તેને કહ્યું, "હે ઉઝિયા, ઈશ્વરની આગળ ધૂપ ચઢાવવો એ તારું કામ નથી, પણ હારુનના જે દીકરાઓ ધૂપ ચઢાવવા માટે પવિત્ર થયેલા છે, તે યાજકોનું એ કામ છે. સભાસ્થાનમાંથી બહાર આવ, કેમ કે તેં પાપ કર્યું છે. ત્યાં પ્રભુ, ઈશ્વર તરફથી તને સન્માન મળશે નહિ."૧૯. પછી ઉઝિયાને ક્રોધ ચઢયો. તેના હાથમાં ધૂપદાની હતી. જયારે તે યાજકો પર કોપાયમાન થયો હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં યાજકોના જોતાં ધૂપવેદીની બાજુમાં જ તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો.૨૦. અઝાર્યા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું, તો તેઓએ તેના કપાળ પર કોઢ જોયો. તેઓએ તેને ત્યાંથી એકદમ કાઢી મૂક્યો. તેણે પોતે પણ બહાર નીકળી જવાને ઉતાવળ કરી, કેમ કે ઈશ્વરે તેને રોગી કર્યો હતો.૨૧. ઉઝિયા રાજા પોતાના મરણના દિવસ સુધી કુષ્ટરોગી રહ્યો. તેને કારણે તેને અલગ ખંડમાં રહેવું પડ્યું હતું. તેને ઈશ્વરના ઘરમાં આવવાથી વંચિત રાખવામાં આવ્યો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો.૨૨. ઉઝિયાનાં બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યાં છે.૨૩. તેથી ઉઝિયા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાનની બાજુના ખેતરમાં તેના પૂર્વજોની સાથે દફનાવ્યો, કેમ કે તેઓએ કહ્યું, "તે કુષ્ટરોગી છે." તેનો પુત્ર યોથામ તેની જગ્યાએ રાજા બન્યો.૨ ક્રોનિકલ્સ ૨૭:૧-૯૧. યોથામ જયારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યરુશા હતું; તે સાદોકની દીકરી હતી.૨. તેના પિતા ઉઝિયાએ જે સારું કર્યું હતું તે પ્રમાણે તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉઝિયાની માફક ઈશ્વરના ઘરમાં પ્રવેશીને પાપ કર્યું નહિ. પણ લોકો તો હજી સુધી દુષ્ટ કાર્યો કર્યા કરતા હતા.૩. તેણે ઈશ્વરના ઘરનો ઉપલો દરવાજો બાંધ્યો અને ઓફેલના કોટ ઉપર પુષ્કળ પ્રમાણમાં બાંધકામ કર્યા.૪. આ ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યાં અને જંગલોમાં કિલ્લાઓ તથા બુરજો બાંધ્યાં.૫. વળી તેણે આમ્મોનીઓના રાજાની સાથે યુદ્ધ કરીને તેઓના ઉપર વિજય મેળવ્યો. તે જ વર્ષે આમ્મોનીઓએ તેને સો તાલંત ચાંદી, દસ હજાર માપ ઘઉં તથા દસ હજાર માપ જવ ખંડણી તરીકે આપ્યાં. આમ્મોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી આપી.૬. યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના પ્રભુ ઈશ્વરના માર્ગોમાં યથાર્થ રીતે ચાલ્યો.૭. યોથામનાં બાકીનાં કૃત્યો સંબંધી, તેના વિગ્રહો તથા તેનાં આચરણો વિષે ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખવામાં આવેલું છે.૮. તે જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું.૯. યોથામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો. તેનો પુત્ર આહાઝ તેને સ્થાને રાજા બન્યો.ગીતશાસ્ત્ર ૮૪:૧-૭૧. હે સૈન્યોના યહોવાહ, તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે!૨. મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.૩. ચકલીઓને ઘર મળ્યું છે અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ, મારા રાજા તથા મારા ઈશ્વર.૪. તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે; તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે. સેલાહ૫. જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જેઓનાં હૃદય સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેઓ આશીર્વાદિત છે.૬. રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને ઝરાની જગ્યા બનાવે છે. પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરશે.૭. તેઓ વધારે અને વધારે સામર્થ્યવાન થતાં જાય છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની સમક્ષ હાજર થાય છે.ઉકિતઓ ૨૧:૪-૫૪. અભિમાની આંખો તથા ગર્વિષ્ઠ હૃદય તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે.૫. ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન બને છે.અધિનિયમો ૧૯:૧-૨૦૧. એમ થયું કે જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો, અને કેટલાક શિષ્યો તેને મળ્યા.૨. તેણે તેઓને પૂછ્યું કે, 'તમે વિશ્વાસ કર્યો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે, ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.'૩. પાઉલે પૂછ્યું કે, 'ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?' અને તેઓએ કહ્યું કે, 'યોહાનનું બાપ્તિસ્મા.'૪. ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પસ્તાવાનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, 'મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.'૫. તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.૬. જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ [અન્ય] ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.૭. તેઓ બધા મળીને બાર પુરુષ હતા.૮. પછી સભાસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યાં, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.૯. પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યાં અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો.૧૦. બે વર્ષ સુધી એવું ચાલતું રહ્યું; તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ, તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.૧૧. ઈશ્વરે પાઉલના હાથથી એવા પરાક્રમી કામો કર્યા કે,૧૨. તેના શરીર પર વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતાં, અને તેઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી જતા હતા.૧૩. પણ કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ દુષ્ટાત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે 'નીકળી જાઓ.'૧૪. સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એ પ્રમાણે કરતા હતા.૧૫. પણ દુષ્ટાત્માએ ઉત્તર દેતાં કહ્યું કે, 'ઈસુ વિષે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો?'૧૬. જે માણસમાં દુષ્ટાત્મા હતો તે તેઓમાંના બે જન પર કૂદી પડ્યો, બન્નેને હરાવીને તેઓ પર એવો જય પામ્યા કે તેઓ વસ્ત્રો વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા.૧૭. એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાત માલૂમ પડી, તે સર્વ ભય પામ્યા, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવંત મનાયું.૧૮. વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં.૧૯. ઘણાં જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતા બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.૨૦. એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ. Gujarati Bible 2019 GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી)