એક વર્ષમાં બાઇબલ ઓગસ્ટ ૫જોબ ૧:૧-૨૨૧. ઉસ દેશમાં એક માણસ હતો તેનું નામ અયૂબ હતું. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરની બીક રાખનાર તથા દુષ્ટતાથી દૂર રહેનાર હતો.૨. તેને સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ હતી.૩. તેની પાસે સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ હતી. વળી ઘણા નોકર-ચાકર હતા. તેથી તે સમગ્ર પૂર્વના લોકમાં સૌથી મહાન પુરુષ ગણાતો હતો.૪. તેના દીકરાઓમાંનો દરેક પોતપોતાના ઘરે મિજબાની આપતો; અને પોતાની ત્રણેય બહેનોને ખાવાપીવા માટે નિમંત્રણ આપતો.૫. તેઓની ઉજાણીના દિવસો પૂરા થયા પછી અયૂબ તેઓને તેડાવીને પવિત્ર કરતો. અને વહેલી સવારમાં ઊઠીને તે સર્વની ગણતરી મુજબ દરેકને સારુ દહનાર્પણ કરતો. તે કહેતો, ''કદાચ મારા સંતાનોએ પાપ કરીને પોતાના હૃદયમાં ઈશ્વરને શ્રાપ આપ્યો હોય!'' અયૂબ હંમેશાં આ પ્રમાણે કરતો.૬. એક દિવસ દૂતો યહોવાહની આગળ હાજર થયા. તેઓની સાથે શેતાન પણ આવ્યો.૭. યહોવાહે શેતાનને પૂછ્યું, ''તું ક્યાં જઈ આવ્યો? શેતાને યહોવાહને જવાબ આપ્યો. ''હું પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને આવ્યો છું.૮. પછી યહોવાહે શેતાનને કહ્યું, ''શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરથી ડરનાર તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.''૯. ત્યારે શેતાને યહોવાહને ઉત્તર આપ્યો કે,'' શું અયૂબ કારણ વિના ઈશ્વરની બીક રાખે છે?૧૦. શું તમે તેનું, તેના ઘરનું તથા તેનાં હાથનાં કામોની ચોગરદમ વાડ બનાવી નથી? તમે તેને અને તેના કામધંધાને આશીર્વાદ આપ્યો છે. તેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે.૧૧. પણ તમારો હાથ લંબાવીને તેની સંપત્તિને સ્પર્શ કરો એટલે તે તમારા મોઢે ચઢીને શ્રાપ આપશે.''૧૨. યહોવાહે શેતાનને કહ્યું, ''જો, તેનું તમામ હું તારા હાથમાં સોંપું છું. પણ તેના શરીરને નુકસાન કરતો નહિ એ પછી શેતાન યહોવાહની હાજરીમાંથી ચાલ્યો ગયો.૧૩. એક દિવસે તેના દીકરાઓ અને તેની દીકરીઓ તેઓના મોટા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતાં હતાં તે સમયે,૧૪. એક સંદેશાવાહકે આવીને અયૂબને કહ્યું કે, ''બળદો હળે જોતરેલા હતા અને ગધેડાં તેઓની પાસે ચરતાં હતાં.૧૫. એટલામાં શબાઈમ લોકો હુમલો કરીને બધાંને લઈ ગયા. તેઓએ ચાકરોને તરવારથી મારી નાંખ્યા છે; ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.''૧૬. તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, ''ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાં તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યાં છે. ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.''૧૭. તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, ''કાસ્દીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે. વળી તેઓએ ચાકરોને તરવારથી મારી નાખ્યા છે. ફક્ત હું એકલો જ તમને ખબર આપવા બચી ગયો છું.''૧૮. તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, ''તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તેઓના મોટાભાઇના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતાં હતાં.૧૯. તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું. અને તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગવાથી તેની અંદરના યુવાનો પર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા છે; ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું.''૨૦. પછી અયૂબે ઊભા થઈને, પોતાનો જામો ફાડી નાખ્યો, પોતાનું માથું મૂંડાવીને જમીન પર પડીને ઈશ્વરની સ્તુતિ કરી.૨૧. તેણે કહ્યું કે, મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નિર્વસ્ત્ર આવ્યો હતો અને એવો જ પાછો જઈશ. યહોવાહે આપ્યું અને યહોવાહે લઈ લીધું છે; યહોવાહના નામની પ્રશંસા હો.''૨૨. એ સઘળામાં અયૂબે પાપ કર્યું નહિ. અને ઈશ્વરને મૂર્ખપણે દોષ આપ્યો નહિ.જોબ ૨:૧-૧૩૧. એક દિવસે દૂતો ફરી યહોવાહની સમક્ષ હાજર થયા, તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાહની આગળ હાજર થયો.૨. યહોવાહે શેતાનને પૂછ્યું, ''તું ક્યાં જઈ આવ્યો?'' શેતાને યહોવાહને કહ્યું, ''હું પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને આવ્યો છું.''૩. યહોવાહે શેતાનને પૂછ્યું કે, ''શું તે મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. જો'' કે તેને વિનાકારણ પાયમાલ કરવાને તેં મને ઉશ્કેર્યો હતો. છતાં હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે.''૪. શેતાને યહોવાહને જવાબ આપ્યો, ''ચામડીને બદલે ચામડી હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.૫. પણ તમારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના શરીરને સ્પર્શ કરો. એટલે તે તમારે મોઢે ચઢીને તમને શાપ દેશે.''૬. યહોવાહે શેતાનને કહ્યું કે, ''જો, તે તારા હાથમાં છે; ફક્ત તેનો જીવ બચાવજે.''૭. પછી યહોવાહ પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી ગૂમડાંનું દુ:ખદાયક દર્દ ઉત્પન્ન કર્યું.૮. તેથી અયૂબ પોતાનું શરીર ઠીકરીથી ખંજવાળવા સારુ રાખમાં બેઠો.૯. ત્યારે તેની પત્નીએ તેને કહ્યું, ''શું હજુ પણ તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે? ઈશ્વરને શાપ આપ અને મર.''૧૦. પરંતુ અયૂબે તેને ઉત્તર આપ્યો કે, ''તું એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે શું આપણે ઈશ્વરના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું અને દુ:ખ નહિ?'' આ સર્વમાં અયૂબે પોતાના મોંથી પાપ કર્યું નહિ.૧૧. આ સર્વ વિપત્તિ અયૂબ પર આવી પડી હતી, તે વિષે તેના ત્રણ મિત્રોએ સાંભળ્યું, ત્યારે અલીફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથી પોતપોતાને ઘેરથી આવ્યા. તેઓ તેના દુઃખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને મસલત કરીને તેની પાસે આવ્યા હતા.૧૨. જ્યારે તેઓએ તેને દૂરથી જોયો ત્યારે તેઓ તેને ઓળખી ન શક્યા; તેઓ પોક મૂકીને રડ્યા; દરેકે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં. અને આકાશ તરફ નજર કરીને પોતાના માથા પર ધૂળ નાખી.૧૩. તેઓ સાત દિવસ અને સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓએ જોયું કે તે ઘણો દુ:ખી છે. તેથી કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહિ.ગીતશાસ્ત્ર ૯૧:૭-૧૩૭. તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.૮. તું માત્ર નજરે જોશે અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.૯. કારણ કે યહોવાહ મારા આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.૧૦. તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ; મરકી તારા ઘરની પાસે આવશે નહિ.૧૧. કારણ કે તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે, તે પોતાના દૂતોને આજ્ઞા આપશે.૧૨. તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે, કે જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.૧૩. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહનાં બચ્ચાંને તથા સાપને તું છૂંદી નાખશે.ઉકિતઓ ૨૨:૧૩-૧૪૧૩. આળસુ કહે છે, "બહાર તો સિંહ છે! હું રસ્તામાં માર્યો જઈશ."૧૪. પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે.રોમન ૭:૧-૨૫૧. વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા (જેઓ નિયમશાસ્ત્ર જાણે છે તેઓને હું કહું છું) કે, મનુષ્ય જીવે ત્યાં સુધી તે નિયમશાસ્ત્રના નિયંત્રણમાં હોય છે?૨. કેમ કે જે સ્ત્રીને પતિ છે, તે તેના જીવતાં સુધી નિયમથી તેની સાથે બંધાયેલી છે, પણ જો તે મરી જાય તો તેના નિયમથી તે મુક્ત થાય છે.૩. તેથી જો પતિ જીવતો હોય અને તે બીજો પતિ કરે, તો તે વ્યભિચારિણી કહેવાશે; પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત છે, તેથી જો તે બીજો પતિ કરે તોપણ તે વ્યભિચારિણી નથી.૪. તે માટે, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તનાં શરીરદ્વારા નિયમશાસ્ત્ર સંબંધી મૃત છો, કે જેથી તમે બીજાના, એટલે જે મૃત્યુમાંથી સજીવન થયા છે તેમના થાઓ, કે આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્ન કરીએ.૫. કેમ કે જયારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપવાસનાઓ આપણાં અંગોમાં મૃત્યુ માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી.૬. પણ હમણાં જેમાં આપણે બંધાયા હતા તેમાં આપણું મૃત્યુ થયાથી નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. તેથી નિયમશાસ્ત્રની જૂની રીતથી નહિ, પણ આત્માની નવી રીતથી સેવા કરીએ.૭. ત્યારે આપણે શું કહીએ? શું નિયમશાસ્ત્ર પાપરૂપ છે? ના, એવું ન થાઓ; પરંતુ નિયમશાસ્ત્ર ન હોત તો મેં પાપ જાણ્યું ન હોત; કેમ કે નિયમશાસ્ત્રે જો કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો હું લોભ વિષે સમજ્યો ન હોત.૮. પણ પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો; કેમ કે નિયમશાસ્ત્ર વિના પાપ નિર્જીવ છે.૯. હું તો અગાઉ નિયમશાસ્ત્ર વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મૃત્યુ પામ્યો;૧૦. જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મૃત્યુને અર્થે છે તેવું મને માલૂમ પડ્યું;૧૧. કેમ કે પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મને છેતર્યો અને તે દ્વારા મને મારી નાખ્યો.૧૨. તે માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારી છે.૧૩. ત્યારે જે હિતકારી છે, તે શું મને મૃત્યુકારક થયું? ના, કદી નહિ; પણ પાપ તે પાપ જ દેખાય અને આજ્ઞા દ્વારા તો પાપનો વ્યાપ વધી જાય, એ માટે જે હિતકારી છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું.૧૪. કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર આત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું.૧૫. કેમ કે હું જે કરું છું, તે હું સમજથી કરતો નથી, કારણ કે હું જે ઇચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે કરું છું.૧૬. પણ હું જે ઇચ્છતો નથી તે જો કરું છું, તો હું નિયમશાસ્ત્ર વિષે માનું છું કે, નિયમશાસ્ત્ર સારું છે.૧૭. તો હવે જે ન કરવું જોઈએ તે હું નથી કરતો, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે.૧૮. કેમ કે હું જાણું છું કે મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી.૧૯. કેમ કે જે સારું કરવાની હું ઇચ્છા રાખું છું તે કરતો નથી; પણ જે દુષ્ટતા હું ઇચ્છતો નથી તે કરું છું.૨૦. હવે જે હું ઇચ્છતો નથી તે હું કરું છું કેમ કે મારામાં જે પાપ વસે છે તે, તે કાર્ય કરે છે.૨૧. તો મને એવો નિયમ માલૂમ પડે છે, કે જયારે સારું કરવા હું ઇચ્છું છું ત્યારે દુષ્ટતા મારામાં હાજર હોય છે.૨૨. કેમ કે હું આંતરિક મનુષ્યત્વ પ્રમાણે ઈશ્વરના નિયમશાસ્ત્રમાં આનંદ કરું છું.૨૩. પણ મારાં અંગોમાં હું એક અલગ નિયમ જોઉં છું, જે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં પાપનો જે નિયમ છે તેના બંધનમાં મને લાવે છે.૨૪. હું કેવો દુઃખિત મનુષ્ય! કે મને આ મરણના શરીરથી કોણ છોડાવશે?૨૫. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું, તે માટે હું પોતે મનથી ઈશ્વરના નિયમશાસ્ત્રની, પણ દેહથી પાપના સિદ્ધાંતની, સેવા કરું છું. Gujarati Bible 2017 © 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0