એક વર્ષમાં બાઇબલ સપ્ટેમ્બર ૯યશાયાહ ૯:૧-૨૧૧. પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યુ હતું, તેમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો, પણ છેવટે તે સમુદ્રના રસ્તે આવેલા, યર્દનને પેલે પાર, ગાલીલના દેશોને પ્રતિષ્ઠા અપાવશે.૨. અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના દેશમાં રહેનારાઓ પર અજવાળું પ્રકાશ્યું છે.૩. તેં પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેમનો આનંદ વધાર્યો છે; કાપણીમાં થતાં આનંદ પ્રમાણે તેઓ તમારી સમક્ષ આનંદ કરે છે, જેમ લોક લૂંટ વહેંચતા આનંદ કરે છે તેમ.૪. કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેઓ ભારની ઝૂંસરીને, તેઓના ખભા પરની કાઠીને, તેઓના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે.૫. સૈનિકોના અવાજ કરતા જોડા અને રક્તમાં બોળેલાં વસ્ત્રો, તે સર્વને બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે.૬. કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.૭. દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દૃઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે.૮. પ્રભુએ યાકૂબ વિરુદ્ધ સંદેશો મોકલ્યો અને તે ઇઝરાયલ પહોચ્યો છે.૯. એફ્રાઇમ અને સમરુનના સર્વ રહેવાસીઓ કે જેઓ ગર્વ અને બડાઈ મારીને કહે છે, તે સર્વ લોકો જાણશે કે,૧૦. "ઈંટો પડી ગઈ છે, પણ હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લર ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ આપણે તેને બદલે એરેજવૃક્ષ લાવીશું."૧૧. તેથી યહોવાહે રસીનના શત્રુઓને તેના પર ચઢાવ્યા છે, ને તેના દુશ્મનોને તેની વિરુદ્ધ ઉશ્કેર્યા છે;૧૨. પૂર્વ તરફથી અરામીઓ અને પશ્ચિમથી પલિસ્તીઓ, તેઓ મુખ પહોળું કરીને ઇઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે.૧૩. તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, અને સૈન્યોના યહોવાહને તેઓએ શોધ્યા નથી.૧૪. તેથી યહોવાહે ઇઝરાયલનું માથું તથા પૂછડું, ખજૂરીની ડાળી તથા બરુને એક જ દિવસે કાપી નાખશે.૧૫. વડીલ અને સન્માનનીય પુરુષ તે માથું અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂંછડી છે.૧૬. આ લોકોના આગેવાન એ તેમને અન્યમાર્ગે દોરે છે, અને તેઓને અનુસરનારાને ખાઈ જવામાં આવ્યા છે.૧૭. તેથી પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ, તેમ જ અનાથો તથા વિધવાઓ પર દયા રાખશે નહિ, કેમ કે તેઓ સર્વ અધર્મી અને કુકર્મ કરનારા છે અને દરેક મુખ મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં પ્રભુનો રોષ સમી ગયો નથી અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે.૧૮. દુષ્ટતા આગની જેમ બળે છે; તે કાંટા અને ઝાંખરાંને બાળી નાખે છે; તે ગીચ જંગલની ઝાડીને પણ બાળી મૂકે છે અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢે છે.૧૯. સૈન્યોના યહોવાહના રોષથી દેશ બળી જાય છે અને લોકો અગ્નિનાં બળતણ જેવા થાય છે. કોઈ માણસ પોતાના ભાઈને છોડતો નથી.૨૦. તેઓ જમણે હાથે માંસ ખૂંચવી લે છે, છતાં પણ ભૂખ્યા રહેશે; તેઓ ડાબે હાથે માંસ ખાશે પણ સંતોષ પામશે નહિ. તેઓમાંના દરેક પોતાના હાથનું માંસ ખાશે.૨૧. મનાશ્શા એફ્રાઇમને, એફ્રાઇમ મનાશ્શાને ગળી જશે; અને તેઓ બન્ને યહૂદાની સામે થશે. આ સર્વને લીધે યહોવાહનો રોષ સમી જશે નહિ પણ તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.યશાયાહ ૧૦:૧-૩૪૧. જેઓ અન્યાયી કાયદા ઘડે છે અને અયોગ્ય ઠરાવ પસાર કરે છે, તેઓને અફસોસ.૨. તેઓ ગરીબોને ઇનસાફથી વંચિત કરે છે અને તેઓ મારા લોકોમાંના દરિદ્રીઓના અધિકારો છીનવી લે છે. વિધવાઓને લૂંટે છે અને અનાથોને પોતાનો શિકાર બનાવે છે!૩. ન્યાયને દિવસે દૂરથી તમારા પર આવનાર વિનાશનું તમે શું કરશો? તમે સહાયને માટે કોની પાસે દોડશો અને તમારી સંપત્તિ ક્યાં મૂકશો?૪. બંદીવાનોની ભેગા નમી જવા સિવાય અને કતલ થયેલાની નીચે પડી રહ્યા વગર, કંઈ બાકી રહેશે નહિ. આ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી; અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે.૫. આશૂરને અફસોસ, તે મારા રોષનો દંડ અને લાકડી છે તેનાથી હું મારો કોપ કાબૂમાં રાખું છું!૬. અધર્મી પ્રજાની સામે અને મારા કોપને પાત્ર થયેલા લોકોની વિરુદ્ધ હું તેને મોકલીશ. હું તેને આજ્ઞા આપીશ કે તે લૂંટ કરે, શિકાર કરે અને તેઓને રસ્તા પરના કીચડની જેમ ખૂંદી નાખે.૭. પરંતુ તેના આવા ઇરાદા નથી કે તે આવો વિચાર કરતો નથી, વિનાશ કરવાનો અને ઘણી પ્રજાઓનો સંહાર કરવો તે જ તેના મનમાં છે.૮. કેમ કે તે કહે છે, "મારા સર્વ રાજકુમારો રાજા નથી?૯. કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદ ના જેવું નથી? સમરુન એ દમસ્કસ જેવું નથી?૧૦. જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ અને સમરુન કરતાં વધારે હતી, તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથે આવ્યાં છે;૧૧. અને જેમ સમરુનને તથા તેની નકામી મૂર્તિઓને મેં કર્યું, તેમ યરુશાલેમને તથા ત્યાંની મૂર્તિઓને શું હું નહિ કરું?"૧૨. જ્યારે પ્રભુ યહોવાહ સિયોન પર્વત પર અને યરુશાલેમમાં પોતાનું કામ પૂરું કરશે, તે કહેશે: "હું આશૂરના રાજાના હૃદયની અભિમાની વાણીને તથા તેના ઘમંડી દેખાવને શિક્ષા કરીશ."૧૩. કેમ કે તે કહે છે, "મારા બળથી અને મારી બુદ્ધિથી મેં આ કર્યુ છે; કેમ કે મને સમજ છે, મેં લોકોની સરહદોને ખસેડી છે. મેં તેઓનો ખજાનો ચોર્યો છે, અને શૂરવીરની જેમ સિંહાસન પર બેસનારને નીચે પાડ્યા છે.૧૪. વળી પક્ષીઓના માળાની જેમ દેશોની સંપત્તિ મારે હાથ આવી છે અને જેમ તજેલાં ઈંડાંને એકઠાં કરવામાં આવે છે તેમ મેં આખી દુનિયા એકઠી કરી છે. પાંખ ફફડાવે, મુખ ઉઘાડે કે ચીંચીં કરે, એવું કોઈ નથી."૧૫. શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ મારશે? શું કરવત તેના વાપરનારની પર સરસાઈ કરશે? શું લાકડી તેને પકડનારને ઉઠાવે અને લાકડું માણસને ઉઠાવે તેમ એ છે.૧૬. તે માટે સૈન્યોના પ્રભુ યહોવાહ તેના બળવાન યોદ્ધાઓમાં નિર્બળતા મોકલશે; અને તેના મહિમામાં સળગતી અગ્નિના જેવી જ્વાળા પ્રગટાવાશે.૧૭. ઇઝરાયલનો પ્રકાશ તે અગ્નિરૂપ થશે, તેના પવિત્ર તે જ્વાળારૂપ થશે; તે એક દિવસમાં તેના કાંટા અને ઝાંખરાંને બાળીને ગળી જશે.૧૮. યહોવાહ તેના વનના વૈભવને તથા તેના ફળદ્રુપ ખેતરને, આત્મા અને શરીરને ભસ્મ કરશે; તે એક બીમાર માણસના જીવનને બગાડે તેવું થશે.૧૯. તેના વનમાં બાકી રહેલાં ઝાડ એટલાં થોડાં હશે કે એક બાળક પણ તેને ગણી શકે.૨૦. તે દિવસે, ઇઝરાયલનો શેષ, યાકૂબના વંશજોમાંથી બચેલા પોતાને હરાવનાર પર ફરીથી કદી ભરોસો રાખશે નહિ, પણ યહોવાહ જે ઇઝરાયલના પવિત્ર છે, તેમના પર તેઓ આધાર રાખતા થશે.૨૧. બાકી રહેલા યાકૂબના વંશજો સામર્થ્યવાન ઈશ્વરની પાસે પાછા આવશે.૨૨. હે ઇઝરાયલ, જો કે તારા લોક સમુદ્રની રેતી જેટલા હશે, તોપણ તેમાંથી ફક્ત થોડા જ પાછા આવશે. ન્યાયથી ભરપૂર વિનાશ નિર્માણ થયેલો છે.૨૩. કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાહ, આખા દેશનો વિનાશ, હા નિર્માણ કરેલો વિનાશ કરનાર છે.૨૪. તેથી પ્રભુ યહોવાહ કહે છે, "હે સિયોનમાં રહેનાર મારા લોકો, તમે આશૂરથી બીતા નહિ. તે લાકડીથી તમને મારશે અને પોતાની સોટી તમારા પર મિસરની જેમ ઉગામશે.૨૫. તેનાથી બીશો નહિ, કારણ કે થોડા જ સમયમાં તમારી વિરુદ્ધ મારો ક્રોધ સમાપ્ત થશે અને મારો ક્રોધ તેઓનો વિનાશ કરશે."૨૬. જેમ ઓરેબ ખડક પર મિદ્યાનને માર્યો તે રીતે સૈન્યોના યહોવાહ તેઓની વિરુદ્ધ ચાબુક ઉગામશે. તેમની સોટી જેમ સમુદ્રમાં મિસર પર ઉગામવામાં આવી હતી, તેમ તેઓ પર ઉગામવામાં આવશે.૨૭. તે દિવસે, તેનો ભાર તમારી ખાંધ પરથી અને તેની ઝૂંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે, અને તારી ગરદન ની પુષ્ટિને લીધે ઝૂંસરી નાશ પામશે.૨૮. તારો શત્રુ આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોન થઈને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.૨૯. તેઓ ખીણની પાર આવ્યા છે; ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે; રામા થરથરે છે; શાઉલનું ગિબયા નાસાનાસ કરે છે.૩૦. હે ગાલીમની દીકરી મોટેથી રુદન કર! હે લાઈશાહ, કાળજીથી સાંભળ! હે અનાથોથ, તેને જવાબ આપ.૩૧. માદમેના નાસી જાય છે અને ગેબીમના રહેવાસીઓ જીવ બચાવવા ભાગે છે.૩૨. આજે જ તે નોબમાં મુકામ કરશે અને સિયોનની દીકરીના પર્વતની સામે, યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુઠ્ઠી ઉગામશે.૩૩. પણ જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ, ડાળીઓને ભયાનક રીતે સોરી નાખશે; તે ઊંચા ઝાડને કાપી નાખશે અને મોટા કદનાં વૃક્ષોને નીચાં કરવામાં આવશે.૩૪. તે ગાઢ જંગલનાં વૃક્ષોને કુહાડીથી કાપી નાખશે અને લબાનોન તેની ભવ્યતામાં ધરાશાયી થશે.ગીતશાસ્ત્ર ૧૦૬:૧-૫૧. યહોવાહની સ્તુતિ કરો. યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.૨. યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?૩. જેઓ ન્યાયને અનુસરે છે અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે.૪. હે યહોવાહ, જ્યારે તમે તમારા લોકો પર કૃપા કરો, ત્યારે મને યાદ રાખજો; જ્યારે તમે તેઓને બચાવો ત્યારે મને સહાય કરજો.૫. જેથી હું તમારા પસંદ કરેલાઓનું ભલું જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું અને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.ઉકિતઓ ૨૫:૧-૨૧. આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.૨. કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે, પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે.૨ કોરીંથી ૧:૧-૨૪૧. કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયને તથા તેની સાથે સમગ્ર અખાયામાંના સર્વ સંતોને, પાઉલ જે ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે, તે તથા ભાઈ તિમોથી લખે છે૨. ઈશ્વર આપણા પિતા તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.૩. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા, જે દયાના તથા સર્વ દિલાસાના ઈશ્વર છે તેમની સ્તુતિ થાઓ.૪. તેઓ અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, કે જેથી અમે પોતે ઈશ્વરથી જે દિલાસો પામીએ છીએ, તેને લીધે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.૫. કેમ કે જેમ ખ્રિસ્તને કારણે ઘણાં દુઃખ અમારા પર આવે છે, તેમ ખ્રિસ્ત દ્વારા અમને પણ ઘણો દિલાસો મળે છે.૬. પણ જો અમે વિપત્તિ સહીએ તો તે તમારા દિલાસા તથા ઉદ્ધારને માટે છે; અને જો દિલાસો પામીએ છીએ, તો તે તમારા દિલાસાને માટે છે અને તેથી અમે જે રીતે દુઃખો સહીએ છીએ તેવી સહન કરવાની શક્તિ [તમારામાં] આવે.૭. તમારે વિશે અમારી આશા દૃઢ છે કારણ કે અમને ખબર છે કે જેમ તમે દુઃખોમાં ભાગીદાર, તેમ દિલાસામાં પણ ભાગીદાર થયા છો.૮. કેમ કે ભાઈઓ, અમારી એવી ઇચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો, એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી.૯. વળી અમને લાગ્યું હતું કે અમારું મરણ થશે, જેથી અમે પોતાના પર નહિ, પણ મૃત્યુ પામેલાંને સજીવન કરનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.૧૦. તેમણે આવાં મરણકારક જોખમથી અમારો બચાવ કર્યો અને કરશે; તેમના પર અમે આશા રાખીએ છે કે તેઓ ફરીથી પણ અમને બચાવશે;૧૧. તમે પ્રાર્થનાથી અમને સહાય કરજો, કે જે કૃપાદાન ઘણાંઓની મારફતે અમને અપાયું, તેને લીધે ઘણાં અમારે માટે આભારસ્તુતિ પણ કરે.૧૨. કેમ કે એ બાબતે અમને અભિમાન છે અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે ભૌતિક જ્ઞાનથી નહિ પણ ઈશ્વરની કૃપાથી અમે દુનિયામાં અને વિશેષ કરીને તમારા સંબંધમાં ઈશ્વરની દ્રષ્ટિએ પવિત્રતાથી તથા શુદ્ધ મનથી વર્ત્યા.૧૩. પણ તમે જે વાંચો છો અને માનો છો, તેનાથી વિપરીત અમે તમને બીજી વાતો લખતા નથી; અને આશા રાખું છું, કે તેમ અંત સુધી માનશો.૧૪. જે રીતે તમે અમને સ્વીકાર્યાં, કે પ્રભુ ઈસુના પુનરાગમના જેમ તમે અમારા માટે, તેમ અમે તમારા માટે અભિમાનનું કારણ છીએ, તેવી આશા હું રાખું છું.૧૫. અને પહેલાં, એવી આશાથી હું તમારી પાસે આવવાને ઇચ્છતો હતો કે તમને બમણી કૃપા મળે;૧૬. તમારી પાસે થઈને મકદોનિયા જવાને અને ફરી મકદોનિયાથી તમારી પાસે આવવાને, અને તમારાથી યહૂદિયા તરફ વિદાય થવાને હું ઇચ્છતો હતો.૧૭. તો શું એવું ઇચ્છવામાં શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે ઇરાદો હું રાખું છું તે શું માનવીય ધોરણો પ્રમાણે રાખું છું, એવું કે મારું બોલવું હા ની 'હા' અને ના ની 'ના' હોય?૧૮. પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ તમારા પ્રત્યે મારી વાતમાં હા કે ના નહોતું.૧૯. કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારાથી, એટલે મારાથી તથા સિલ્વાનસ અને તિમોથી ધ્વારા, તમારામાં પ્રગટ કરાયા, તે હા તથા ના ન થયા, પણ તે હા થયા.૨૦. કેમ કે ઈશ્વરનાં જેટલાં આશાવચનો છે તે બધામાં હા તથા તેમાં આમીન છે, એ માટે કે અમારાથી ઈશ્વરનો મહિમા થાય.૨૧. અને અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે દૃઢ કરે છે તથા જેમણે અમારો અભિષેક કર્યો, તે તો ઈશ્વર છે;૨૨. તેમણે અમને મુદ્રાંકિત કર્યા અને અમારા હૃદયમાં આત્માની ખાતરી આપી છે.૨૩. હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી;૨૪. અમે તમારા વિશ્વાસ પર સત્તા ચલાવીએ છીએ એમ નહિ, પણ તમારા આનંદમાં સહાય કરનારા છીએ; કેમ કે તમે વિશ્વાસથી દૃઢ રહો છો. Gujarati Bible 2019 GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી)