એક વર્ષમાં બાઇબલ ઓક્ટોબર ૧૦યિર્મેયાહ ૫:૧-૩૧૧. યરુશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો, અને જુઓ ને જાણો, ને તેના ચોકોમાં શોધો, ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય, તો હું તેને ક્ષમા કરીશ.૨. જો કે, જીવતા યહોવાના સમ, એમ કહીને તેઓ સોગન ખાય છે; તોપણ ખરેખર તેઓ જૂઠા સમ ખાય છે.”૩. હે યહોવા, તમારી આંખો સત્યની તરફ નથી? તમે તેઓને માર્યા છે, પણ તેઓ દુ:ખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છે, પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી; તેઓએ પોતાનાં મુખ ખડક કરતાં કઠણ કર્યાં છે; તેઓ [તમારી તરફ] ફરવા ના કહે છે.૪. મેં વિચાર્યું ખરેખર તેઓ સામાન્ય [લોકો] છે; તેઓ મૂર્ખ છે, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના ઈશ્વરની ધર્મનીતિ જાણતા નથી.૫. હું ખાનદાન માણસોની પાસે જઈને તેઓની સાથે વાત કરીશ, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના ઈશ્વરની ધર્મનીતિ જાણે છે.” પણ તેઓએ સર્વાનુમતે ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે.૬. તે માટે વનમાંનો સિંહ તેઓને મારી નાખશે, અરણ્યમાં વરુ તેઓને ફાડી ખાશે, ચિત્તો તેઓનાં નગરો પર તાકી રહેશે, જે કોઈ તેમાંથી બહાર આવશે તેને તેઓ ફાડી નાખશે. કેમ કે તેઓના અપરાધો ઘણાં થયા છે, તેઓનાં ફિતૂરી કામો વધ્યાં છે.૭. “હું કેમ કરીને તને ક્ષમા કરી શકું? તારા પુત્રોએ મારો ત્યાગ કર્યો છે, ને જેઓ ઈશ્વર નથી તેઓના સમ ખાધા છે; મેં તેઓને [ખવડાવીને] તૃપ્ત કર્યા હતા, ત્યારે તેઓએ વ્યભિચાર કર્યો, અને વેશ્યાઓનાં ઘરોમાં [તેઓનાં ટોળેટોળાં] ભેગાં થયાં.૮. તેઓ સવારે મસ્ત ઘોડાઓના જેવા હતા; દરેક પોતાના પડોશીની સ્ત્રીને જોઈને ખોંખારા કરતો.૯. તે બધી બાબતોને માટે તેમને હું જોઈ નહિ લઉં શું?” એમ યહોવા કહે છે; “અને મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે શું?૧૦. તેના કોટ પર ચઢો, ને તેનો નાશ કરો; પણ સંપૂર્ણ નાશ કરશો નહિ: તેની ડાંખળીઓ લઈ જાઓ, કેમ કે તેઓ યહોવાની નથી.૧૧. કેમ કે ઇઝરાયલના વંશ તથા યહૂદાના વંશે મારો ઘણો વિશ્વાસઘાત કર્યો છે, ” એવું યહોવા કહે છે.૧૨. તેઓએ યહોવાનો નકાર કર્યો છે, ને કહ્યું છે, “આ તો [યહોવાની વાત] નથી! અમારા પર વિપત્તિ આવશે નહિ. અને અમે તરવાર તથા દુકાળ જોઈશું નહિ.૧૩. પ્રબોધકો તો વાયુરૂપ થઈ જશે, [પ્રભુનું] વચન તેઓમાં નથી. તેઓની પોતાની ગતિ એવી થશે.”૧૪. તમે આવી વાત કરો છો તે માટે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તારા મુખમાં મારા વચનો અગ્નિરૂપ કરીશ, તથા આ લોકોને બળતણરૂપ કરીશ, તે તેઓને ખાઈ જશે.”૧૫. યહોવા કહે છે, “જુઓ, હે ઇઝરાયલના વંશ, હું તમારા પર દૂરથી એક પ્રજા લાવીશ. તે તો પરાક્રમી પ્રજા છે, તે પુરાતન પ્રજા છે, તેની ભાષા તું જાણતો નથી, ને તે જે બોલે છે તે તું સમજતો નથી.૧૬. તેઓનો ભાથો ઉઘાડી કબર છે, તેઓ સર્વ શૂરવીરો છે.૧૭. તારાં પુત્રપુત્રીઓના ઉપયોગને માટે જે તારો પાક તથા અન્ન છે તે તેઓ ખાઈ જશે. તેઓ તારાં ઘેટાં તથા તારાં ઢોરઢાંકને ખાઈ જશે. તેઓ તારી દ્રાક્ષા તથા તારી અંજીરી [નાં ફળ] ને ખાઈ જશે. તારાં જે કિલ્લાબંધ નગરો પર તું ભરોસો રાખે છે, તેઓને તે યુદ્ધશસ્ત્રથી પાડી નાખશે.૧૮. તોપણ તે સમયમાં હું તમારો સંપૂર્ણ નાશ કરીશ નહિ, એવું યહોવા કહે છે.”૧૯. જ્યારે તમે પૂછશો, “અમારા ઈશ્વર યહોવાએ અમને એ બધું [દુ:ખ] કેમ આપ્યું છે?” ત્યારે તું તેઓને કહેજે, “જેમ તમે મારો ત્યાગ કરીને તમારા દેશમાં પારકા દેવની સેવા કરી છે, તેમ જે દેશ તમારો નથી તેમાં તમે પારકાઓની સેવા કરશો.”૨૦. યાકૂબના વંશજોને આ કહી સંભળાવો, ને યહૂદિયામાં આ પ્રગટ કરો:૨૧. “હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખો છતાં જોતા નથી, અને કાનો છતાં સાંભળતા નથી, હવે તમે આ સાંભળો:૨૨. યહોવા કહે છે શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ નહિ ધ્રૂજશો? મેં હંમેશને માટે સમુદ્રને માટે રેતીની મર્યાદા ઠરાવી છે કે, તે તેને ઓળંગી શકે નહિ.૨૩. પણ આ લોકનું હ્રદય બંડખોર તથા બળવાખોર છે; તેઓ બંડ કરીને ગયા છે.૨૪. ‘આપણા ઈશ્વર યહોવા, જે યોગ્ય સમયે પહેલો તથા છેલ્લો વરસાદ આપે છે, જે આપણે માટે કાપણીના નીમેલા સપ્તાહો રાખી મૂકે છે, તેનાથી આપણે બીહીએ’ એમ તો પોતાના હ્રદયમાં કહેતા નથી.૨૫. એ [કૃપાદાનો] તો તમારા અન્યાયોએ દૂર કર્યાં છે, ને તમારાં પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે.૨૬. કેમ કે મારા લોકોમાં દુષ્ટો દેખાય છે; જેમ પારધીઓ ગુપ્ત રહીને તાકે છે તેમ તેઓ તાકીને જુએ છે. તેઓ મનુષ્યને પકડવાને માટે છટકું માંડે છે.૨૭. જેમ પાંજરું પક્ષીઓથી ભરેલું છે, તેમ તેઓનાં ઘરો કપટથી [મેળવેલા દ્રવ્યથી] ભરેલાં છે. તેથી તેઓ મોટા અને દ્રવ્યવાન થયા છે.૨૮. તેઓ પુષ્ટ તથા તેજસ્વી થયા છે. વળી તેઓ દુષ્ટ કર્મો કરતાં હદબહાર જાય છે. તેઓ દાદ, અનાથોની દાદ, સાંભળતા નથી, છતાં તેઓ આબાદ થાય છે. અને દરિદ્રીઓનો હક તેઓ ધ્યાનમાં લેતા નથી.૨૯. (યહોવા કહે છે, ) એ બધી બાબતો માટે શું હું તેઓને જોઈ નહિ લઈશ? મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે?૩૦. ઘોર તથા ભયંકર વાત દેશમાં બની છે:૩૧. પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે; પણ છેવટે તમે શું કરશો?”યિર્મેયાહ ૬:૧-૩૦૧. હે બિન્યામીનના પુત્રો, યરુશાલેમમાંથી જીવ લઈને નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો, ને બેથ-હાક્કેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો; કેમ કે ઉત્તરથી વિપત્તિ તથા મોટો નાશ આવે છે.૨. સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેને હું કાપી નાખીશ.૩. ઘેટાંપાળકો તથા તેઓનાં ટોળાં તેમાં ફરશે; તેઓ તેની સામે ચોતરફ તંબુઓ મારશે; તેઓ દરેક પોતાની જગાએ ચરશે.૪. [તેઓ કહે છે,] “તેની સાથે લડાઈ કરવા તૈયારી કરો; ઊઠો, આપણે મધ્યાહને ચઢાઈ કરીએ. આપણને અફસોસ! કેમ કે સૂર્ય નમવા લાગ્યો છે, સાંજની છાયા લાંબી થઈ છે.૫. ઊઠો, ને રાત્રે ચઢાઈ કરીને તેના રાજમહેલોનો નાશ કરીએ.”૬. કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ ફરમાવ્યું છે, “તમે વૃક્ષો કાપીને યરુશાલેમની વિરુદ્ધ મોરચા બાંધો. જેની ખબર લેવાની છે તે આ નગર છે; તેનામાં નર્યો બલાત્કાર જ છે.૭. જેમ ઝરો પોતાનું પાણી વહેવડાવે છે, તેમ તે પોતાની દુષ્ટતા વહેવડાવે છે! તેનામાં જુલમ તથા લૂંટફાટનો અવાજ સંભળાય છે; વેદના તથા જખમ મારી નજર આગળ નિત્ય થાય છે.૮. હે યરુશાલેમ, શિક્ષાથી સમજી જા; રખેને મારું મન તારા પરથી ઊતરી જાય, ને હું તને ઉજ્જડ તથા નિર્જન પ્રદેશ કરી મૂકું.”૯. સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “ઇઝરાયલમાંનું જે બાકી રહ્યું હોય તે તો દ્રાક્ષાની જેમ તમામ વીણી લેવામાં આવશે. દ્રાક્ષા તોડનારની જેમ તું તારો હાથ ડાંખળીમાં ફરી ફેરવ.૧૦. કોને કહું ને કોને ચેતવણી આપું કે, તેઓ સાંભળે? જુઓ, તેઓના કાન બેસુન્નત છે, તેથી તેઓ સાંભળી શકતા નથી! જુઓ, તેઓ યહોવાનું વચન નિંદાસ્પદ છે એમ ગણે છે; તેમાં તેઓ આનંદ માણતા નથી.૧૧. તે માટે હું યહોવાના કોપથી ભરપૂર છું; તેને દબાવી દબાવીને હું કાયર થયો છું. રસ્તામાં ફરતાં છોકરાં અને સભામાં ભેગા થયેલા જુવાનો ઉપર તેનો ઊભરો કાઢ; કેમ કે પુરુષ તથા તેની સ્ત્રી, ઘરડો તથા વયોવૃદ્ધ પકડાઈ જશે.૧૨. વળી તેઓનાં ખેતરો તથા તેમની સ્ત્રીઓસહિત તેઓનાં ઘરો બીજાઓને સોંપવામાં આવશે, કેમ કે દેશના રહેવાસીઓ પર હું મારો હાથ લાંબો કરીશ, ” એમ યહોવા કહે છે.૧૩. “કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી બધા લોભી થયા છે; અને પ્રબોધકથી તે યાજક સુધી બધા જૂઠાણું ચલાવે છે.૧૪. કંઈ પણ શાંતિ ન છતાં, તેઓએ, ‘શાંતિ, શાંતિ, ’ બોલીને મારા લોકની દીકરીનો ઘા ઉપરઉપરથી રુઝાવ્યો છે.૧૫. તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું, માટે શું તેઓ શરમિંદા થયા નહિ, વળી શું છે તે તેઓ સમજ્યા નહિ; તેથી તેઓ પડનારાઓ ભેગા પડશે; જ્યારે હું તમને જોઈ લઈશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે, ” એમ યહોવા કહે છે.૧૬. યહોવા આમ બોલે છે, “માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતી મળશે. પણ તેઓએ કહ્યું, ‘અમે [તે માર્ગમાં] ચાલીશું નહિ.’૧૭. મેં તમારા પર ચોકીદારો ઠરાવીને કહ્યું કે, રણશિંગડાના સાદને કાન દો; પણ તેઓએ કહ્યું, ‘અમે તો કાન નહિ દઈએ.’૧૮. તે માટે, હે પ્રજાઓ, સાંભળો, તથા હે પ્રજા, તેઓ [ની વિરુદ્ધ] જે છે તે જાણ.૧૯. હે પૃથ્વી, સાંભળ! જુઓ, આ લોકો પર વિપત્તિ, એટલે તેઓની કલ્પનાનું ફળ, હું લાવીશ, કેમ કે તેઓએ મારાં વચનો ગણકાર્યાં નથી; અને તેઓએ મારા નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે.૨૦. શેબાથી લોબાન તથા દૂર દેશથી ઉત્તમ અગરુ મારી પાસે શા માટે લાવો છો? તમારાં દહનીયાર્પણો માન્ય નથી, ને તમારાં બલિદાનો મને ગમતાં નથી.”૨૧. માટે યહોવા કહે છે, “જુઓ, આ લોકોની આગળ હું ઠેસો મૂકીશ; અને પિતાઓ તથા પુત્રો બન્ને તેનાથી ઠોકર ખાઈને પડી જશે; પડોશી તથા તેના મિત્રો બન્ને નાશ પામશે.”૨૨. યહોવા આ પ્રમાણે કહે છે, “જુઓ, ઉત્તર દિશાથી લોકો આવે છે; અને પૃથ્વીના છેક છેડેથી એક મોટી પ્રજા ચઢી આવશે.૨૩. તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે: તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી; સમુદ્રની ગર્જના જેવો તેઓનો ઘાંટો છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; હે સિયોનની દીકરી, જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી સામે સજ્જ થયેલા છે.૨૪. અમે તે વિષેના સમાચાર સાંભળ્યા છે; અમારા હાંજા ગગડી ગયા છે; અમને પીડા થાય છે, પ્રસૂતાના જેવી વેદના વળગી છે.૨૫. બહાર ખેતરોમાં ન જાઓ, માર્ગમાં ન ચાલો; કેમ કે ચારે તરફ વૈરીની તરવાર અને ભય જણાય છે.૨૬. રે મારા લોકની દીકરી, ટાટ પહેરીને રાખમાં આળોટ; જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક તથા ભારે આક્રંદ કરે તેમ તું કર; કેમ કે આપણા પર લૂંટારા એકાએક આવશે.૨૭. મેં તને મારા લોકોમાં પારખનાર તથા કોટ ઠરાવ્યો છે કે, જેથી તું તેઓનો માર્ગ જાણે ને પારખે.૨૮. તેઓ સર્વ પક્કા બળવાખોર છે, તેઓ ચાડી કરતા ફરે છે; તેઓ પિત્તળ તથા લોઢારૂપ છે; તેઓ સઘળા દુરાચારી છે.૨૯. ધમણ ફૂંક ફૂંક કરે છે; સીસું અગ્નિથી બળી ગયું છે; ગાળનાર ગાળવાને વ્યર્થ મહેનત કરે છે; કેમ કે દુષ્ટોને તારવી કાઢવામાં આવ્યા નથી.૩૦. લોકો તેમને નકારેલું રૂપું કહેશે, કેમ કે યહોવાએ તેમને નકાર્યા છે.”ગીતશાસ્ત્ર ૧૧૭:૧-૨૧. સર્વ વિદેશીઓ, યહોવાની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને વખાણો.૨. કેમ કે આપણા ઉપર તેમની કૃપા ઘણી થઈ છે. યહોવાની સત્યતા સર્વકાળ [ટકે છે]. યહોવાની સ્તુતિ કરો.ઉકિતઓ ૨૭:૩-૪૩. પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની હેરાનગતિ તે બન્ને કરતાં ભારે હોય છે.૪. ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે; પણ અદેખાઈની સામે કોણ ટકી શકે?કોલોસીઅન્સ ૧:૧-૨૯૧. કલોસેમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓ પ્રતિ લખનાર ઈશ્વરની ઇચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ, અને ભાઈ તિમોથી:૨. તમને ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા તથા શાંતિ થાઓ.૩. અમે ખ્રિસ્ત ઈસુ પરના તમારા વિશ્વાસ વિષે, તથા તમારે માટે આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિષે સાંભળ્યું,૪. ત્યારથી તમારે માટે હંમેશાં પ્રાર્થના કરીને, ઈશ્વર, જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા છે, તેની આભારસ્તુતિ કરીએ છીએ;૫. તે [આશા] વિષે તમે સુવાર્તાના સત્ય સંદેશમાં પૂર્વે સાંભળ્યું હતું.૬. તે [સુવાર્તા] તમારી પાસે આવી પહોંચી છે, જે આખા જગતમાં પણ ફેલાઈ છે અને ફળ આપે છે તથા વધે છે તેમ; જે દિવસથી તમે સત્યમાં ઈશ્વરની કૃપા સાંભળી તથા સમજયા તે દિવસથી તે તમારામાં પણ [ફળ આપે છે તથા વધે છે].૭. એ જ પ્રમાણે અમારા વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા, તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે.૮. આત્મામાં તમારો જે પ્રેમ તે વિષે પણ તેણે અમને ખબર આપી.૯. તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.૧૦. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો, અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં વધતા જાઓ.૧૧. અને આનંદસહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને માટે તેમના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ.૧૨. અને [ઈશ્વર] પિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે, તેમની આભારસ્તુતિ કરો.૧૩. તેમણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા.૧૪. તેમનામાં આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે.૧૫. તે અદશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે;૧૬. કેમ કે તેમનાથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દશ્ય તથા અદશ્ય છે, રાજયાસનો કે રાજયો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં.૧૭. તે સર્વની પૂર્વેથી હયાતછે, અને તેમનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે.૧૮. તે શરીરનું એટલે મંડળીનું શિર છે. તે આરંભ, એટલે મૂએલાંમાંથી પ્રથમ ઊઠેલા છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય.૧૯. કેમ કે તેમનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે, એમ [પિતાને] પસંદ પડયું.૨૦. અને તેમના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે તે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે, પછી તે પૃથ્વી પરનાં હોય કે આકાશમાંનાં હોય.૨૧. તમે પ્રથમ દૂર, અને દુષ્ટ કર્મોથી તમારા મનમાં તેમના વૈરીઓ હતા, પણ તેમણે હમણાં પોતાના મર્ત્ય શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે,૨૨. જેથી તે તમને પવિત્ર, નિષ્કલંક તથા નિર્દોષ [કરીને] તેની રૂબરૂ રજૂ કરે.૨૩. એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દઢ રહો, અને જે સુવાર્તા તમે સાંભળી છે, તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ, તો; એ સુવાર્તા આકાશ નીચેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે; અને હું પાઉલ તેનો સેવક થયો છું.૨૪. તમારે માટે મારા પર જે દુ:ખો પડે છે તેમાં હું હમણાં આનંદ પામું છું, અને ખ્રિસ્તનાં સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું, તેમનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી કરું છું.૨૫. ઈશ્વરની વાત સંપૂર્ણ [રીતે પ્રગટ] કરવાને, ઈશ્વરનો જે વહીવટ મને તમારે માટે સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું મંડળીનો સેવક નિમાયો છું.૨૬. તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેમના સંતોને પ્રગટ થયો છે.૨૭. વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત શી છે, તે તેઓને જણાવવા ઈશ્વરે ચાહ્યું. તે [મર્મ] એ છે કે, તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે.૨૮. દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેમની વાત પ્રગટ કરીએ છીએ, અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ [પ્રકારના] જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ.૨૯. એને માટે હું પણ તેમની પ્રેરણાશક્તિ જે બળથી મારામાં પ્રેરણા કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું. Gujarati Bible (GUOV) 2016 Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016