એક વર્ષમાં બાઇબલ જુલાઈ ૧૩૨ ક્રોનિકલ્સ ૨૧:૧-૨૦૧. યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. તેને દાઉદનગરમા પોતાના પિતૃઓની સાથે દાટવામાં આવ્યો. તેની જગાએ તેના પુત્ર યહોરામે રાજ કર્યું.૨. તેના ભાઈઓ, એટલે યહોશાફાટના પુત્ર અઝાર્યા, મિખાએલ તથા શફાટ્યા હતાં. એ સર્વ ઇઝરાયલના રાજા યહોશાફાટના પુત્રો હતા.૩. તેઓના પિતાએ તેઓને સોનારૂપી તથા કિમતી વસ્તુઓની મોટી બક્ષિસો આપી, અને તે ઉપરાંત યહૂદિયામાં કિલ્લાવાળાં નગરો આપ્યાં હતા. પણ રાજ્ય તો તેણે યહોરામને આપ્યું હતું, કેમ કે એ જ્યેષ્ઠ પુત્ર હતો.૪. હવે યહોરામે પોતાના પિતાના રજ્યાસન પર બેઠા પછી તથા બળવાન થયા પછી પોતાના સર્વ ભાઈઓને તથા ઇઝરાયલના કેટલાંક સરદારોને પણ તરવારથી મારી નાખ્યાં.૫. યહોરામ રાજ કરવા લાગ્યો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યુ.૬. જેમ આહાબના કુટુંબીઓએ કર્યું તેમ તે પણ ઇઝરાયલના રાજાઓના માર્ગે ચાલ્યો. કેમ કે તે આહાબની દીકરીની સાથે પરણ્યો હતો. યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું.૭. તો પણ યહોવાએ દાઉદની સાથે જે કરાર કર્યો હતો તેને લીધે, અને તેને તથા તેના વંશજોને તેમનું રાજ્ય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યુ હતું તેને લીધે દાઉદના કુટુંબનો નાશ કરવા તે ચાહતો ન હતો.૮. તેની કારકિર્દીમાં અદોમે યહૂદિયાની સામે બળવો કરીને પોતાના ઉપર એક જૂદો રાજા ઠરાવ્યો.૯. ત્યારે અહોરામે પોતાના સરદારો તથા પોતાની સાથે સર્વ રથો લઈને તેમના પર ચઢાઈ કરી. તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસ ઘેરો કરનાર અદોમીઓને તથા રથાધિપતિઓને મારી નાખ્યા.૧૦. એ પ્રમાણે વળવો કરીને અદોમ યહૂદિયાના તાબા નીચેથી નીકળી ગયો, ને આજ સુધી તેમ જ છે, પછી તે જ સમયે લિબ્નાએ પણ તેની સામે બળવો કર્યો, કેમ કે તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો હતો.૧૧. વળી તેણે યહૂદિયાના પર્વતોમાં ઉચ્ચસ્થાનો પણ બનાવ્યાં, ને યરુશાલેમનાં રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી, ને યહૂદિયાના લોકોને ખોટે રસ્તે દોર્યા.૧૨. એલિયા પ્રબોધક તેના ઉપર એક એવો એક પત્ર આવ્યો કે, “તારા પિતા દાઉદના ઈશ્વર યહોવા એમ કહે છે કે, તું તારા પિતા યહોશાફાટને માર્ગે કે યહૂદિયાના રાજા આસાને માર્ગે ન ચાલતાં,૧૩. ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો છે, ને આહાબના કુટુંબની જેમ તે યહૂદિયા તથા યરુશાલેમનાં રહેવાસીઓની પાસે મૂર્તિપૂજા કરાવી છે. અને તારા પિતાના કુટુંબના તારા ભાઈઓ જે તારા કરતાં સારા હતાં, તેઓને પણ તેં મારી નાખ્યાં છે.૧૪. એ માટે, યહોવા તારી પ્રજાને, તારા વંશજોને, તારી પત્નીઓને તેમ જ તારા સર્વસ્વને ભારે નુકસાન પહોંચાડશે.૧૫. અને આંતરડાંના રોગની ભારે બીમારી લાગું પડશે, એ રોગ એટલો બધો વધશે કે તેથી તારા આંતરડાં દર વર્ષે ખરી પડશે.”૧૬. યહોવાએ પલિસ્તીઓને અને કૂશીઓની પડોશમાં વસનાર આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા.૧૭. તેઓ યહૂદિયા પર ચઢી આવીને તેની અંદર ઘૂસી ગયા. અને રાજાનાં મહેલમાં જે સર્વ સંપત્તિ તેઓને મળી તેનું. તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું પણ તેઓ હરણ કરી ગયાં; તેથી તેના દીકરાઓમાં સૌથી નાના યહોઆહાઝ સિવાય તેને એક દીકરો રહ્યો નહિ.૧૮. સર્વ બનાવ બન્યા પછી યહોવાએ તેને આંતરડાંનો અસાધ્ય રોગ લાગું કર્યો.૧૯. તેથી કેટલોક વખત વીત્યા પછી, એટલે એ વર્ષેને અંતે, એ રોગને લીધે તેનાં આંતરડાં ખરી પડ્યાં, ને એ દુ:ખદાયક રોગથી તે મરણ પામ્યો. તેના લોકોએ તેના પિતૃઓને માટે જેવું દહન કર્યું હતું તેવું દહન તેને માટે કર્યું નહિ.૨૦. તે રાજા થયો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમા આઠ વર્ષ સુધી રાજ કર્યું. તે લોકોને અપ્રિય થઈ પડ્યો હતો. તેથી તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો ખરો, પણ રાજાઓની કબરોમાં નહિ.૨ ક્રોનિકલ્સ ૨૨:૧-૧૨૧. યરુશાલેમનાં રહેવાસીઓએ તેની જગાએ તેના સૌથી નાના પુત્ર અહાઝ્યાને રાજા ઠરાવ્યો; કેમ કે આરબોની સાથે છાવણીમાં આવેલા માણસોની ટોળીઓ તેના બધા વડા ભાઇઓને મારી નાખ્યા હતા. એ પ્રમાણે યહૂદિયાના રાજા યહોરામનો પુત્ર અહાઝ્યા રાજા થયો.૨. અહાઝ્યા રાજા થયો ત્યારે તે બેતાળીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં એક વર્ષ સુધી રાજ કર્યું, તેની માનું નામ અથાલ્યા હતું. તે ઓમ્રીની પુત્રી હતી.૩. તે પણ આહાબના કુટુંબના માર્ગે ચાલ્યો. કેમ કે તેની મા તેને દુષ્ટ કૃત્યો કરવાની સલાહ આપતી હતી.૪. તેણે આહાબના કુટુંબના માણસોની માફક યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું; કેમ કે તેના પિતાના મરણ પછી તેઓએ તેને એવી શિખામણ આપી હતી કે તેથી તેનો નાશ થયો.૫. વળી તે તેઓની શિખામણ માનીને રમોથ-ગિલ્યાદ આગળ અરામના રાજા હઝાએલની સામે યુદ્ધ કરવા ઇઝરાયલના રાજા આહાબના પુત્ર યહોરામની સાથે ગયો. અરામીઓએ યહોરામને ઘાયલ કર્યો.૬. રામા આગળ અરામના રાજા હઝાએલની સામે યુદ્ધ કરતાં તેને જે ઘા વાગ્યાં હતાં તેમાંથી સાજો થવાને તે યિઝ્એલ પાછો ગયો. અને તે માંદો હતો, તેથી અહાઝ્યા યિઝ્એલમાં તેને જોવા ગયો હતો.૭. આહાઝ્યા યહોરામને જોવા ગયો તેથી ઈશ્વર તરફથી તેનો નાશ નિર્મિત થયો હતો, કેમ કે ત્યાં ગયા પછી તે યહોરામની સાથે નિમ્શીનો દિકરો યેહૂ કે, જેને યહોવાએ આહાબના કુટુંબનો નાશ કરવા માટે અભિષિક્ત કર્યો હતો, તેની સામે ગયો.૮. જ્યારે યેહુ આહાબના કુટુંબ પર ઈશ્વરના ન્યાયાસનનપો અમલ કરતો હતો ત્યારે યહૂદિયાના સરદારો તથા અહાઝયાના ભાઇઓના પુત્રો અહાઝ્યાની સેવા કરતા તેને મળ્યાં, તેણે તેઓને મારી નાખ્યાં.૯. તેણે અહાઝ્યાને શોધ્યો (તે તો સમરુનમાં સંતાઈ રહ્યો હતો,) પણ યહૂના માણસોએ તેને ત્યાંથી પકડ્યો, ને તેને યેહૂની પાસે લાવીને તેને મારી નાખ્યો. તેઓએ તેને દાટ્યો, કેમ કે તેઓએ વિચાર્યું કે યહોશાફાટ કે જે પોતાના ખરા અંત:કરણથી યહોવાની શોધ કરતો હતો તેનો પુત્ર એ છે. હવે અહાઝ્યાના કુટુંબમાં રાજ્ય ચલાવી શકે એવો કોઈ રહ્યો નહોતો.૧૦. આહાઝ્યાની મા અથાલ્યાને ખબર પડી કે, પોતાનો પુત્ર મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને યહૂદિયાના કુટુંબના સર્વ રાજકુંવરોનો નાશ કર્યો.૧૧. પણ રાજાની પુત્રી યહોશાબાથે આહાઝ્યાના પુત્ર યોઆશને, રાજાના પુત્રોને મારી નાખતી વખતે તેઓમાંથી તેને ચોરી જઈને તેને તથા તેની દાઈને શયનગૃહમાં સંતાડી રાખ્યાં. આ પ્રમાણે યહોરામ રાજાની પુત્રી યહોશાબાથ, જે યહોયાદા યાજકની સ્ત્રી હતી.(અને જે અહાઝ્યાની બહેન હતી,) તેણે અથાલ્યાથી યોઆશને સંતાડ્યો, તેથી તે તેને મારી નાખી શકી નહિ.૧૨. તે રાજકુવર તેમની સામે છ વર્ષ સુધી ઈશ્વરના મંદિરમાં સંતાઈ રહ્યો. એ દરમિયાન અથાલ્યા દેશ ઉપર રાજ કરતી હતી.ગીતશાસ્ત્ર ૮૩:૧-૮૧. ગાયન, આસાફનું ગીત હે ઈશ્વર, તમે છાના ન રહો; હે ઈશ્વર, તમે ચૂપ તથા શાંત ન રહો.૨. તમારા શત્રુઓ હુલ્લડ કરે છે; અને તમારા દ્વેષીઓએ માથું ઊંચું કર્યું છે૩. તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરેલો ઇરાદો સેવે છે, તમારા ગુપ્ત લોકોની વિરુદ્ધ તેઓ મસલત કરે છે.૪. તેઓએ કહ્યું છે, “ચાલો, તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે આપણે તેઓનો સંહાર કરીએ કે, ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી રહે નહિ.”૫. તેઓએ એકમતે મસલત કરી છે; તેઓ ભેગા થઈને તમારી વિરુદ્ધ કરાર કરે છે;૬. તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,૭. ગબાલ તથા આમ્મોન તથા અમાલેક, તૂરની વસતિ સહિત પલિસ્તીઓ [કરાર કરે છે];૮. આશૂર પણ તેઓની સાથે સામેલ થયેલો છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. (સેલાહ)ઉકિતઓ ૨૧:૧-૧૧. પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.અધિનિયમો ૧૭:૧૬-૩૪૧૬. પાઉલ આથેન્સમાં એમની વાટ જોતો હતો તે દરમિયાન તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઈને તેનો આત્મા ઊકળી આવ્યો.૧૭. તેથી તે સભાસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે, અને ચૌટામાં જેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદવિવાદ કરતો હતો.૧૮. ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક [મત માનનારા] કેટલાક પંડિતો તેની સામા થયા. તેઓમાંના કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહેવા માગે છે?” બીજા કેટલાકે કહ્યું, “તે પારકા દેવોને પ્રગટ કરનારો દેખાય છે.” કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે [ની વાત] પ્રગટ કરતો હતો.૧૯. તેઓએ તેને એરિયોપાગસમાં લઈ જઈને કહ્યું, “તું જે નવો ઉપદેશ કરે છે તે અમારાથી સમજાય એમ છે?૨૦. કેમ કે તું અમને કેટલીક નવીન વાતો સંભળાવે છે. માટે અમે એમનો અર્થ જાણવા ઇચ્છીએ છીએ.”૨૧. (હવે, આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ કંઈ નવી વાત કહેવી અથવા સાંભળવી તે સિવાય બીજા કશામાં પોતાનો વખત ગાળતા નહોતા.)૨૨. પછી પાઉલે એરિયોપાગસની વચ્ચે ઊભા થઈને કહ્યું, “આથેન્સના સદગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો.૨૩. કેમ કે માર્ગે ચાલતાં ચાલતાં જે [દેવદેવીઓ] ને તમે ભજો છો તેઓને હું જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર ‘અજાણ્યા દેવના માનમાં’ એવો એક લેખ કોતરેલો હતો. માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું.૨૪. જે ઈશ્વરે જગત તથા તેમાંનું બધું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતા નથી;૨૫. તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેમને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે.૨૬. તેમણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા માટે એકમાંથી ઉત્પન્ન કરી, અને તેમણે તેઓને માટે નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી.૨૭. જેથી તેઓ ઈશ્વરને શોધે કે, કદાચ તેઓ તેમને માટે ફંફોસીને તેમને પામે, પરંતુ તે આપણામાંના કોઈથી વેગળા નથી.૨૮. કેમ કે તેમનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ, અને હોઈએ છીએ. જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાંકે કહ્યું છે, ‘આપણે પણ તેનાં સંતાનો છીએ, તેમ.૨૯. હવે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના જેવો છે.૩૦. એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ચલાવી લીધું ખરું, પણ હવે સર્વ સ્થળે સર્વ માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે,૩૧. કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”૩૨. જ્યારે તેઓએ મૂએલાંઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે ઠઠ્ઠામશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું, “અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.”૩૩. એવી રીતે પાઉલ તેઓની પાસેથી ચાલ્યો ગયો.૩૪. પણ કેટલાક માણસોએ તેની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો, તેઓમાં એરિયોપાગસનો સભ્ય દીઓનુસીઅસ તથા દામરિસ નામે એક સ્ત્રી, અને તેઓ સિવાય બીજા પણ હતા. Gujarati Bible (GUOV) 2016 Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ Copyright © Bible Society of India, 2016. Used by permission. worldwide