એક વર્ષમાં બાઇબલ ઓગસ્ટ ૯જોબ ૯:૧-૩૫૧. ત્યારે અયૂબે ઉત્તર આપ્યો,૨. “હું ખરેખર જાણું છું કે એમ જ છે; પણ માણસ ઈશ્વરની આગળ કેમ કરી ન્યાયી ઠરે?૩. જો તે એની સાથે વિવાદ કરવાને ઈચ્છે, તો હજાર [પ્રશ્નો] માંથી એકનો પણ ઉત્તર તે એમને આપી શકે નહિ.૪. [એ] તો જ્ઞાની તથા સામર્થ્યવાન [છે]; તેમની સામો થઈને કોણ આબાદાની પામ્યો છે?૫. તે પર્વતોને ખસેડે છે, અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે, ત્યારે તેઓને તેની ખબર પડતી નથી.૬. તે ધરતીને હલાવીને પોતાને સ્થળેથી ખસેડે છે, અને તેના સ્તંભો કંપે છે.૭. તે સૂર્યને આજ્ઞા કરે, તો તે ઊગતો નથી; અને તારાઓને બંધ કરીને છાપ મારે છે.૮. તે એકલા આકાશને વિસ્તારે છે, અને સમુદ્રનાં મોજાં પર વિચરે છે.૯. તે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકાના તથા દક્ષિણના [નક્ષત્રમંડળ] ના સરજનહાર છે.૧૦. તે અગમ્ય મહાન કૃત્યો, હા, અગણિત ચમત્કારી કાર્યોના કર્તા છે.૧૧. તે મારી પાસેથી જાય છે, તોપણ હું તેમને દેખતો નથી, વળી તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી.૧૨. તે પકડી લે તો તેમને કોણ રોકશે? તેમને કોણ કહેશે, ‘તમે શું કરો છો?’૧૩. ઈશ્વર પોતાનો કોપ પાછો ખેંચી નહિ લેશે; અભિમાનીને સહાય કરનારાઓ તેમની આગળ નમી પડે છે.૧૪. ત્યારે તેમને ઉત્તર આપવાને, તથા તેમની સાથે [વાદવિવાદ કરવાને યોગ્ય] શબ્દો ચૂંટી કાઢવાને હું કેટલો બધો અશક્ત છું?૧૫. જો હું ન્યાયી હોત, તોપણ હું તેમને ઉત્તર ન આપત; હું મારા ન્યાયધીશને કાલાવાલા કરત.૧૬. જો મેં તેમને બોલાવ્યા હોત, અને તેમણે મને ઉત્તર આપ્યો હોત, તોપણ હું માનત નહિ કે, તેમણે મારો સાદ સાંભળ્યો છે.૧૭. કેમ કે તે તોફાન વડે મારા ચૂરેચૂરા કરે છે, અને વિનાકારણ મારા ઘા વધારે છે.૧૮. તે મને શ્ચાસ લેવા દેતા નથી, પણ મને કષ્ટથી ભરપૂર કરે છે.૧૯. જો પરાક્રમીના બળ વિષે [બોલીએ], તો તે જ બળવાન છે! જો ઇનસાફ વિષે [બોલીએ] તો મને અરજ કરવાનો વખત કોણ ઠરાવી આપશે?૨૦. જો હું નિર્દોષ હોઉં, તોપણ મારે પોતાને મોઢે હું દોષિત ઠરીશ; જો હું સંપૂર્ણ હોઉં, તોપણ તે મને ભ્રષ્ટ ઠરાવશે.૨૧. પણ હું સંપૂર્ણ છું! તોપણ હું મારી પોતાની દરકાર કરતો નથી; હું મારી જિંદગીનો ધિક્કાર કરું છું.૨૨. એ તો બધું એક ને એક જ છે; તેથી હું કહું છું કે, તે જેમ દુષ્ટનો તેમ સંપૂર્ણનો પણ વિનાશ કરે છે.૨૩. જો ફટકાથી તત્કાળ મોત નીપજે, તો નિર્દોષની નિરાશાની તે હાંસી કરશે.૨૪. પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે; તે તેમના ન્યાયાધીશોનાં મોઢાં પર ઢાંકપિછોડો કરે છે; જો [તે કૃત્ય એમનું] ન હોય, તો બીજો કોણ એવું કરે?૨૫. મારા દિવસો તો કાસદથી વધારે વેગવાળા છે; તેઓ વેગે વહી જાય છે, તેઓમાં કંઈ હિત સધાતું નથી.૨૬. તેઓ વેગવાળાં વહાણોની જેમ તથા શિકાર ઉપર તલપ મારતા ગરૂડની જેમ જતા રહે છે.૨૭. જો હું કહું કે, હું મારી ફરિયાદો વીસરીશ, હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ;૨૮. તો હું મારી બધી વેદના વિષે બીહું છું, હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ ગણશો.૨૯. હું દોષિત ઠરવાનો છું જ; તો હું ફોકટ શા માટે શ્રમ કરું છું?૩૦. જો હું બરફના પાણીથી સ્નાન કરું, અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું;૩૧. તોપણ તમે મને ખાઈમાં નાખી દેશો, અને મારાં પોતાનાં જ વસ્ત્રો મને કંટાળો આપશે.૩૨. કેમ કે તે મારા જેવો માણસ નથી કે હું તેમને ઉત્તર આપું કે, અમે તેમના ન્યાયાસન આગળ [વાદીપ્રતિવાદી] થઈએ.૩૩. અમારી વચમાં કોઈ મધ્યસ્થ નથી કે, જે અમ બન્ને ઉપર પોતાનો હાથ મૂકે.૩૪. જો તે પોતાની સોટી મારા પરથી ઉઠાવી લે, અને તે મને ડરાવે નહિ;૩૫. તો તેમની બીક રાખ્યા વગર હું બોલું; કેમ કે હું જાતે [ડરું] એવો નથી.જોબ ૧૦:૧-૨૨૧. મારો જીવ આ જિંદગીથી કંટાળી ગયો છે; હું તો છૂટે મોઢે વિલાપ કરીશ. મારા જીવની વેદનાએ હું બોલીશ.૨. હું ઈશ્વરને કહીશ કે, મને દોષિત ન ઠરાવો. તમે મારી સાથે કેમ ઝઘડો કરો છો તે મને બતાવો.૩. જુલમ કરવો તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટોની યોજના પર પ્રસન્નતા દેખાડવી, એ શું તમને શોભે?૪. શું તમને ચર્મચક્ષુ છે, અથવા શું તમે માણસની જેમ જુઓ છો?૫. શું તમારા દિવસો માણસના દિવસો જેવા છે, અથવા તમારી જિંદગી માણસની જિંદગી જેવી છે કે,૬. તમે મારા અન્યાય વિષે તપાસ કરો છો, ને પાપની શોધ કરો છો?૭. તમે જાણો છો કે હું દુષ્ટ નથી; અને તમારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.૮. તમારા હાથોએ મને ઘડયો છે, તથા ચોતરફથી મારો આકાર બનાવ્યો છે; તેમ છતાં તમે મારો વિનાશ કરો છો.૯. કૃપા કરી યાદ રાખો કે, તમે માટીના ઘાટ [જેવો] મને ઘડયો છે; અને શું તમે મને પાછો ધૂળ ભેગો કરશો?૧૦. શું તમે મને દૂધની જેમ રેડયો નથી, અને પનીરની જેમ જમાવ્યો નથી?૧૧. તમે ચામડીથી તથા માંસથી મને વષ્ટિત કર્યો છે, અને હાડકાંથી તથા નસોથી તમે મને સજડ ગૂંથ્યો છે.૧૨. તમે મને જીવન તથા કૃપા આપ્યાં છે, અને તમારી નિગાહબાનીએ મારું રક્ષણ કર્યું છે.૧૩. તોપણ આ બાબતો તમે તમારા મનમાં ગુપ્ત રાખી છે; હું જાણું છું કે એ તમારો આશય છે.૧૪. જો હું પાપ કરું, તો તમે મને ધ્યાનમાં લો છો, ને તમે મારા અન્યાય વિષે નિર્દોષ ઠરાવશો નહિ.૧૫. જો હું દુષ્ટ હોઉં તો મને અફસોસ! અને હું નેક હોઉં તોપણ હું મારું માથું ઊંચું નહિ કરીશ; કેમ કે મને અતિશય શરમ લાગે છે, અને મારી વિપત્તિ મારી નજર આગળ છે.૧૬. જો હું ગર્વ કરું, તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો; અને ફરીને મારા ઉપર તમે તમારી અદ્દભુત શક્તિ બતાવો છો.૧૭. તમે મારી વિરુદ્ધ નવા નવા સાક્ષીઓ લાવો છો, અને મારા ઉપર તમારો રોષ વધારો છો; મારી સામે [દુ:ખોની] ફોજ પર ફોજ આવે છે.૧૮. તો તમે શા માટે મને ગર્ભમાંથી બહાર લાવ્યા છો? ત્યાં જ મેં પ્રાણ છોડયો હોત, અને કોઈએ મને જોયો ન હોત.૧૯. હું હતો ન હતો થઈ ગયો હોત; ગર્ભમાંથી સીધો તેઓ મને કબરે ઊંચકી જાત.૨૦. શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો, અને મને રહેચા દો કે, હું થોડો આરામ ભોગવી લઉં.૨૧. કેમ કે પછી તો જ્યાંથી પાછું નહિ આવી શકાય ત્યાં, એટલે અંધકારના તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે;૨૨. એટલે ઘોર અંધકારના દેશમાં, જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે, તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે તેવા મૃત્યુછાયાના [દેશમાં મારે જવાનું છે].”ગીતશાસ્ત્ર ૯૩:૧-૫૧. યહોવા રાજ કરે છે; તેમણે મહત્ત્વ ધારણ કર્યું છે; યહોવાએ પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે; વળી ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવેલું છે.૨. તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાએલું છે; તમે અનાદિકાળથી છો.૩. હે યહોવા, પ્રવાહોએ ઊંચો કર્યો છે, પ્રવાહોએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; પ્રવાહો પોતાનાં મોજાં ઊંચા કરે છે.૪. ઘણાં પાણીઓના ખળભળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવા પરમ ઊંચામાં પરાક્રમી છે.૫. તમારાં સાક્ષ્યો અતિ ખાતરીપૂર્વક છે; હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.ઉકિતઓ ૨૨:૨૨-૨૩૨૨. ગરીબને ન લૂંટ, કારણ કે તે ગરીબ છે, અને ભાગળમાં પડી રહેલા દુ:ખીઓ પર જુલમ ન કર;૨૩. કેમ કે યહોવા તેમનો પક્ષ કરીને લડશે, અને જેઓ તેમનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.રોમન ૯:૧૬-૩૩૧૬. માટે એ તો ઇચ્છનારથી નહિ, અને દોડનારથી નહિ, પણ દયા કરનાર ઇશ્વરથી થાય છે.૧૭. વળી શાસ્ત્રવચન ફારુનને કહે છે, “તારા દ્વારા હું મારું સામર્થ્ય બતાવું, અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે.”૧૮. માટે ચાહે તેના પર તે દયા કરે છે, અને ચાહે તેને તે હઠીલો કરે છે.૧૯. તો તું મને પૂછશે, “તેમ છે તો તે દોષ કેમ કાઢે છે? કેમ કે તેમના સંકલ્પને કોણ અટકાવે છે?”૨૦. પણ અરે માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સવાલ પૂછે? જે ઘડેલું છે, તે શું પોતાના ઘડનારને પૂછશે, “તમે મને એવું કેમ બનાવ્યું?”૨૧. શું કુંભારને એકનાએક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી?૨૨. અને જો ઈશ્વરે પોતાનો કોપ બતાવવાની તથા પોતાનું સામર્થ્ય જણાવવાની ઇચ્છા રાખીને નાશને યોગ્ય થયેલાં કોપનાં પાત્રોનું ઘણી સહનશીલતાથી સહન કર્યું.૨૩. અને જો મહિમાને માટે આગળ તૈયાર કરેલાં દયાનાં પાત્રો પર,૨૪. એટલે આપણા પર જેઓને તેમણે કેવળ યહૂદીઓમાંથી નહિ, પણ વિદેશીઓમાંથી પણ તેડયા છે [તેઓ પર], પોતાના મહિમાની સંપત્તિ જણાવવાની તેમની મરજી હતી તો તેમાં શું [ખોટું]?૨૫. વળી, હોશિયામાં પણ તે એમ જ કહે છે, ‘જે મારી પ્રજા નહોતી તેને હું મારી પ્રજા, અને જે વહાલી ન હતી તેને હું વહાલી કહીશ.’૨૬. અને જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું, ‘તમે મારી પ્રજા નથી.’ તે સ્થળે તેઓ જીવતા ઈશ્વરના દીકરા કહેવાશે.૨૭. વળી, યશાયા ઇઝરાયલ સંબંધી પોકારીને કહે છે, “જો સમુદ્રની રેતીના જેટલી ઇઝરાયલની સંખ્યા હોય તોપણ તેનો શેષ જ તારણ પામશે.૨૮. કેમ કે પ્રભુ પોતાનું વચન પૂર્ણ કરશે, અને ટૂંકમાં પતાવીને તેને પૃથ્વી પર અમલમાં લાવશે.”૨૯. એમ જ યશાયાએ આગળ પણ કહ્યું હતું, “જો સૈન્યોના પ્રભુએ આપણે માટે બીજ રહેવા દીધું ન હોત, તો આપણે સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત.”૩૦. તો આપણે શું અનુમાન કરીએ? એ જ કે વિદેશીઓ ન્યાયીપણાની પાછળ લાગુ રહેતા નહોતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.૩૧. પણ જેથી ન્યાયીપણું પ્રાપ્ત કરી શકાય એવા નિયમની પાછળ લાગુ રહ્યા છતાં ઇઝરાયલ તે નિયમને પહોંચી શક્યા નહિ.૩૨. શા માટે નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે [નિયમની] કરણીઓથી [તેને શોધતા હતા], તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી.૩૩. લખેલું છે, “જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર, ને ઠોકરરૂપ ખડક મૂકું છું. જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.” Gujarati Bible (GUOV) 2016 Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016