એક વર્ષમાં બાઇબલ સપ્ટેમ્બર ૯યશાયાહ ૯:૧-૨૧૧. પરંતુ જે [ભૂમિ] પર સંકટ પડયું હતું, તેમાં અંધારું રહેશે નહિ. પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને, એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને, તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે.૨. અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.૩. તેં પ્રજાની વૃદ્ધિ કરી છે, તેં તેમનો આનંદ વધાર્યો છે. કાપણિમાં થતા આનંદ પ્રમાણે, તેમ જ લોક લૂંટ વહેંચતાં હરખાય છે તે પ્રમાણે તેઓ તારી સમક્ષ આનંદ કરે છે.૪. કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેના ભારની ઝૂંસરીને, તેની ખાંધ પરની કાઠીને ને તેના પર જુલમ કરનારની પરોણીને તેં ભાંગી નાખી છે.૫. સૈનિકોના ધબકારા કરતા જોડા, ને રક્તમાં બોળેલાં વસ્ત્ર, તે સર્વ બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે.૬. કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.૭. દાઉદના રાજ્યાસન ઉપર, ને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના [ઈશ્વર] યહોવાની ઉત્કંઠાથી આ થશે.૮. પ્રભુએ યાકૂબમાં સંદેશો મોકલ્યો છે, ને ઇઝરાયલને તે પહોંચ્યો છે.૯. એફ્રાઈમ તથા સમરૂનના સર્વ રહેવાસીઓ કે, જેઓ ગર્વથી તથા માનની બડાઈ મારીને કહે છે,૧૦. “ઈંટો પડી ગઈ છે, પણ અમે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લરઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ તેઓને બદલે એરેજવૃક્ષ લાવીશું, ” એ સર્વ લોક તે જાણશે.૧૧. તેથી યહોવાએ રસીનના શત્રુઓને તેના ઉપર ચઢાવ્યા છે, ને તેના વૈરીઓને ઉશ્કેર્યા છે.૧૨. પૂર્વ તરફથી અરામીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને [તે ઉશ્કેરશે]; તેઓ મુખ પહોળું કરીને ઈઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.૧૩. તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, સૈન્યોના [ઈશ્વર] યહોવાને તેઓએ શોધ્યા નથી.૧૪. માટે યહોવાએ ઇઝરાયલનું માથું તથા તેનું પૂછડું, ખજૂરીની ટોચ તથા સરકટ એક જ દિવસે કાપી નાખ્યાં છે.૧૫. વડીલ તથા માનવંતા તે માથું, અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂછડું છે.૧૬. કેમકે આ લોકના નેતાઓ ભૂલા પાડનાર થયા છે; અને તેઓને અનુસરનારા ને ખાઈ જવામાં આવ્યા છે.૧૭. માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ. અને તેઓના અનાથો પર, તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહિ; કેમ કે તેઓ સર્વ અધર્મી, ને પાપ કરનારા છે, ને સર્વ મુખો મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.૧૮. દુષ્ટતા દવની જેમ બળે છે; તે કાંટાને તથા ઝાંખરાંને બાળી નાખે છે; તેથી વનની ઝાડીઓ સળગી ઊઠે છે, એટલે તેના ધુમાડાના ગોટેગોટા ચક્કર ખાતાં ચઢી જાય છે.૧૯. સૈન્યોના [ઈશ્વર] યહોવાના કોપથી દેશ બળી જાય છે, અને લોકો અગ્નિના બળતણ જેવા થાય છે; કોઈ માણસ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.૨૦. કોઈક જમણે હાથે ખૂંચવી લેશે, તોપણ ભૂખ્યો રહેશે; અને ડાબે હાથે ખાઈ જશે, તોપણ તેઓ ધરાશે નહિ! તેઓમાંનો દરેક પોતાના ભુજનું માંસ ખાઈ જશે;૨૧. મનાશ્શા એફ્રાઈમને તથા એફ્રાઈમ મનાશ્શાને [ખાઈ જશે]. તેઓ બન્ને યહૂદાની સામે થશે. એ સર્વ છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.યશાયાહ ૧૦:૧-૩૪૧. જેઓ અન્યાયી કાયદા ઘડે છે, ને જે લેખકો જુલમી ચુકાદાઓ લખે છે;૨. જેથી ગરીબોને ઇનસાફ મળે નહિ, ને તેઓ મારા લોકોમાંના દરિદ્રીઓનો હક છીનવી લે, જેથી વિધવાઓ તેઓનો શિકાર થાય, ને તેઓ અનાથોને લૂંટે, તેઓને અફસોસ!૩. તમે ન્યાયને દિવસે, ને આઘેથી આવનાર વિનાશકાળે શું કરશો? તમે સહાયને માટે કોણિ પાસે દોડશો? તમારી સમૃદ્ધિ કયાં મૂકી જશો?૪. બંદીવાનોની ભેગા નમી જવા સિવાય, અને કતલ થએલાની નીચે પડી રહ્યા વગર [રહેવાશે નહિ]. તે સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હથા હજી ઉગામેલો છે.૫. “અરે આશૂર, તે મારા રોષનો દંડ છે, ને તેમના હાથમાંનો સોટો તે મારો કોપ છે!૬. અધર્મી પ્રજાની સામે હું તેને મોકલીશ, ને મારા કોપને પાત્ર થએલા લોકોની વિરુદ્ધ તેને આજ્ઞા આપીશ કે, તે લૂંટ કરે, ને શિકાર પકડે, ને તેઓને ગલીઓના કાદવની જેમ ખૂંદી નાખે.૭. પરંતુ તે એવો વિચાર કરતો નથી, ને તેના મનની એવી ધારણા નથી; માત્ર વિનાશ કરવો, ને ઘણા દેશોની પ્રજાઓનું નિકંદન કરવું, તે જ તેના મનમાં છે.૮. કેમ કે તે કહે છે, ‘મારા સર્વ સરદાર રાજાઓ નથી?૯. કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદના જેવું નથી? સમરૂન દમસ્કસ જેવું નથી?૧૦. જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ તથા સમરૂનના કરતાં [વધારે હતી], તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથ આવ્યાં છે;૧૧. અને જેમ સમરૂનને તથા તેની મૂર્તિઓને મેં કર્યું, તેમ યરુશાલેમને તથા તેની મૂર્તિઓને શું હું કરીશ નહિ?’”૧૨. વળી યહોવા કહે છે, “સિયોન પર્વત પર ને યરુશાલેમ પર હું મારું સર્વ કામ પૂરું કરીશ, તે પછી હું આશૂરના રાજાના મનમાં આવેલા અભિમાનને તથા તેની મગરૂબ દષ્ટિના ગર્વને જોઈ લઈશ.૧૩. કેમ કે તેણે કહ્યું છે, ‘ [આ બધું] મારા બાહુબળથી, ને મારી બુદ્ધિથી મેં કર્યું છે; કેમ કે હું ચતુર છું. મેં લોકોની સીમા ખસેડી છે, તેઓના ભંડારોને લૂંટયા છે, અને શૂરવીરની જેમ [તખ્તો પર] બેસનારાને નીચે પાડયા છે.૧૪. વળી [પક્ષીઓના] માળાની જેમ દેશોનું દ્રવ્ય મારે હાથ આવ્યું છે. તજેલાં ઈંડાંને એકઠાં કરવામાં આવે છે તેવી રીતે મેં આખી દુનિયા એકઠી કરી છે! પાંખ ફફડાવે, મુખ ઉઘાડે, કે ચીંચીં કરે, એવું કોઈ નથી.’૧૫. શું કુહાડી તેને વાપરનાર પર સરસાઈ કરે? શું કરવત તેને વાપરનારની સામે બડાઈ કરે? જેમ છડી તેને ઝાલનારાને હલાવે, ને જે લાકડું નથી તેને [એટલે માણસને] સોટી ઉઠાવે તેમ એ છે!”૧૬. તે માટે સૈન્યોના પ્રભુ યહોવા તેના બળવાનોમાં નિર્બળતા લાવશે; અને તેના વૈભવમાં અગ્નિની જવાળા જેવી જ્વાળા પ્રગટાવશે.૧૭. ઇઝરાયલનો પ્રકાશ તે અગ્નિરૂપ થશે, ને એનો પવિત્ર [ઈશ્વર] તે જવાળારૂપ થશે. તે એક દિવસે તેના કાંટા તથા તેનાં ઝાંખરાંને બાળીને ભસ્મ કરશે.૧૮. વળી તેના વનની તથા તેના ફળદ્રુપ ખેતરની શોભા, આત્મા અને શરીર બન્નેને તે નષ્ટ કરશે. અને માંદો માણસ સુકાઈ જાય છે તે પ્રમાણે તે થશે.૧૯. તેના વનનાં બાકી રહેલાં ઝાડ એટલાં થોડાં થઈ જશે કે એક છોકરું પણ તેઓને નોંધી શકે.૨૦. તે સમયે ઇઝરાયલનો શેષ તથા યાકૂબના વંશજોમાંથી બચેલા, પોતાને માર ખવડાવનારા પર ફરીથી કદી ભરોસો રાખશે નહિ; પણ યહોવા જે ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] છે, તેમના પર તેઓ ખરા હ્રદયથી આધાર રાખશે.૨૧. શેષ, યાકૂબનો શેષ, સામર્થ્યવાન ઈશ્વરની પાસે પાછો આવશે.૨૨. “હે ઇઝરાયલ, જો કે તારા લોક સમુદ્રની રેતી જેટલા હશે, તોપણ તેમાંના થોડા જ પાછા આવશે;” ન્યાયથી ભરપૂર વિનાશ નિર્માણ થએલો છે.૨૩. કેમ કે સૈન્યોના યહોવા પ્રભુ આખા દેશનો વિનાશ, હા, નિર્માણ કરેલો વિનાશ કરનાર છે.૨૪. માટે સૈન્યોના પ્રભુ યહોવા એવું કહે છે, “હે સિયોનમાં રહેનાર મારા લોકો, આશૂરથી બીતા નહિ; તે તો છડીથી તને મારશે, ને પોતાની સોટી તારા પર મિસરની રીત મુજબ ઉગામશે.૨૫. પણ થોડી મુદતમાં [મારો] કોપ સમાપ્ત થશે, ને તેઓનો વિનાશ કરવામાં મારો રોષ સમાપ્ત થશે.”૨૬. ઓરેબ ખડક પર મિદ્યાનને માર્યો, તે રીતે સૈન્યોના [ઈશ્વર] યહોવા તેના પર આફતો લાવશે. તેની સોટી જેમ સમુદ્રમાં મિસર પર [ઉગામવામાં આવી હતી] તેમ તેઓ પર ઉગામવામાં આવશે.૨૭. તે સમયે તેનો ભાર તારી ખાંધ પરથી, ને તેની ઝૂંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે, ને પુષ્ટિને લીધે ઝૂંસરી નાશ પામશે.૨૮. તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઈને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.૨૯. તેઓ ખીણની પાર આવ્યા છે, ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે. રામા થરથરે છે; શાઉલનું ગિબયા નાસાનાસ કરે છે.૩૦. હે ગાલ્લીમની દીકરી! હાંક માર; હે લાઈશા, કાન ધર; હે અનાથોથ, તેને જવાબ આપ.૩૧. માદમેના નાસી જાય છે; ગેબીમના રહેવાસીઓ પોતાની [માલમતા] લઈને નાસે છે.૩૨. આજે જ તે નોબમાં મુકામ કરશે, અને સિયોનની દીકરીના પર્વત [ની સામે], યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુક્કી ઉગામશે.૩૩. પણ જુઓ, સૈન્યોના પ્રભુ યહોવા ડાળીઓને ત્રાસદાયક રીતે સોરી નાખશે; અને જે મોટા કદનાં [ઝાડ] છે તેઓને પાડી નાખવામાં આવશે, ને જે ઊંચાં છે તેઓને નીચાં કરવામાં આવશે.૩૪. તે વનની ઝાડીઓને લોઢાથી કાપી નાખશે, અને લબાનોન બળવાનના હાથથી પડશે.ગીતશાસ્ત્ર ૧૦૬:૧-૫૧. યહોવાની સ્તુતિ કરો. યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સદાકાળ [ટકે છે].૨. યહોવાનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?૩. ન્યાય પાળનારાઓને, તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારને, ધન્ય છે.૪. હે યહોવા, જે મહેરબાની તમે તમારા લોકો પર રાખો છો, તે મહેરબાનીથી તમે મને સંભારો; તમારું તારણ આપીને મારી મુલાકાત લો;૫. જેથી હું તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું, ને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.ઉકિતઓ ૨૫:૧-૨૧. આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેમનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.૨. કોઈ બાબત ગુપ્ત રાખવી એમાં ઈશ્વરનો મહિમા છે; પણ કોઈ વાતનો પત્તો ખોળી કાઢવો એમાં રાજાનું ગૌરવ છે.૨ કોરીંથી ૧:૧-૨૪૧. કરિંથમાંની ઈશ્વરની મંડળી તથા તેઓની સાથે આખા અખાયામાંના સર્વ સંતો જોગ લખનાર ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તથા ભાઈ તિમોથી:૨. ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ.૩. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા, જે કરુણાના પિતા તથા સર્વ દિલાસાના ઈશ્વર છે, તેમની સ્તુતિ થાઓ.૪. તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, તે વડે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.૫. કેમ કે જેમ ખ્રિસ્તમાં દુ:ખ અમને પુષ્કળ પડે છે, તેમ જ ખ્રિસ્તને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે.૬. પણ જો અમને વિપત્તિ પડે છે, તો તે તમારા દિલાસા તથા તારણ માટ છે; અથવા જો અમને દિલાસો મળે છે, તો તે તમારા દિલાસાને માટે છે કે, જેથી કરીને જે દુ:ખો અમે પણ સહન કરીએ છીએ તે જ દુ:ખો ધીરજથી સહન કરવાની શક્તિ તમારામાં ઉત્પન્ન થાય.૭. અને તમારે માટે અમારી આશા દઢ છે, કારણ કે જેમ તમે દુ:ખોમાં ભાગિયા, તેમ દિલાસામાં પણ [ભાગિયા] છો એ અમને માલૂમ છે.૮. કેમ કે, ભાઈઓ, જે વિપત્તિ આસિયામાં અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. એ [વિપત્તિ] અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમે અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી.૯. ઊલટું અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી, જેથી અમે અમારા પોતાના પર નહિ, પણ મૂએલાંને ઉઠાડનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.૧૦. તેમણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે. વળી નિત્ય તે અમારો બચાવ કરશે, તેમના પર અમે આશા રાખી છે.૧૧. તમે પણ તમારી પ્રાર્થનાથી અમને સહાય કરજો કે, ઘણા માણસોને આશરે જે કૃપાદાન અમને આપવામાં આવ્યું, તેને લીધે અમારી વતી ઘણા આભારસ્તુતિ કરે.૧૨. કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.૧૩. કેમ કે તમે જે વાંચો છો અને માનો પણ છો, તે વિના બીજી કોઈ વાતો અમે તમારા પર લખતા નથી;૧૪. અને જેમ તમે અમને કેટલેક દરજ્જે માન્ય કર્યા, તેમ અંત સુધી પણ માનશો કે, જેમ પ્રભુ ઈસુના દિવસોમાં તમે અમારા [અભિમાનનું કારણ છો] તેમ [તે દિવસોમાં] અમે પણ તમારા અભિમાનનું કારણ છીએ, એવી હું આશા રાખું છું.૧૫. વળી તમને ફરી બીજી વાર કૃપાદાન મળે એવા ભરોસાથી મને પ્રથમ તમારી પાસે આવવાનું મન હતું.૧૬. એટલે તમારી પાસે થઈને મકદોનિયામાંથી તમારી પાસે આવવાનું, અને તમારી પાસેથી યહૂદિયા તરફ જવાને વિદાયગીરી લેવાનું મન હતું.૧૭. તો મારો એવો ઇરાદો હતો તેથી શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે કરવાને હું ઇરાદો રાખું છું તે શું સાંસારિક કારણોને લીધે રાખું છું કે, મારું બોલવું [એકી વખતે] હાની હા ને નાની ના હોય?૧૮. પણ ઈશ્વરના વિશ્વાસુપણાની [પ્રતિજ્ઞા લઈને હું કહું છું] કે તમારી પ્રત્યે અમારું બોલવું હાની હા ને નાની ના એવું નહોતું.૧૯. કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારા દ્વારા, મારા તથા સિલ્વાનસ તથા તિમોથી દ્વારા, તમારામાં પ્રગટ કરવામાં આવ્યા, તે હાની હા ને નાની ના નહોતા, પણ તેમનામાં તો હા જ છે.૨૦. કેમ કે ઈશ્વરનાં વચનો ગમે તેટલાં હશે તોપણ તેમનામાં હા છે. અને અમારી મારફતે ઈશ્વરનો મહિમા વધે એ માટે તેમના વડે આમીન પણ છે.૨૧. હવે અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે સ્થિર કરે છે તથા જેમણે અમને અભિષિક્ત કર્યા છે. તે ઈશ્વર છે;૨૨. તેમણે અમને મુદ્રાંકિત કર્યા છે, અને અમારાં હ્રદયોમાં [પવિત્ર] આત્માનું બાનું પણ આપ્યું છે.૨૩. પણ મારા જીવના સમ ખાઈને હુ ઈશ્વરને સાક્ષી રાખું છું કે, તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથ આવ્યો નથી.૨૪. તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દઢ રહો છો. Gujarati Bible (GUOV) 2016 Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016